દીવાની કાર્યવહી

March, 2016

દીવાની કાર્યવહી : નાગરિકોના પરસ્પર ચાલતા વ્યવહાર દરમિયાન થનાર અયોગ્ય કૃત્યોને અનુલક્ષીને કરવામાં આવતી કાયદાકીય કાર્યવહી. સમાજે ઘડેલા નિયમોના ભંગ માટે સજા જ કરવામાં આવે છે એવું નથી. કેટલીક વાર નુકસાન પામનાર વ્યક્તિને વળતર રૂપે  પૈસા ભરપાઈ કરી આપવામાં આવે છે. અમુક નિયમો વ્યક્તિઓના પરસ્પર ચાલતા વ્યવહારોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યા હોય છે.

જે અદાલતમાં વ્યક્તિઓના વ્યવહારોને નિયમિત કરવા ઉપરાંત  વળતર ચૂકવવાનો આદેશ આપે છે અથવા કોઈ વ્યક્તિને થતા કોઈ પણ સ્વરૂપના નુકસાનને અટકાવવા માટે હુકમ કરે છે તે કોર્ટને ‘દીવાની અદાલત’ કહેવામાં આવે છે.

અન્ય અદાલતોની જેમ દીવાની અદાલતની પણ પોતાની કામ કરવાની ચોક્કસ રીત હોય છે, જેને ‘દીવાની કાર્યવહી’ તરીકે ઓળખવામાં આવે છે. આ માત્ર એક પ્રોસીજરલ કાયદો છે, સબસ્ટૅન્શિયલ કાયદો નથી. આ કાર્યવહીની જોગવાઈ વ્યક્તિને તેના હિતનું નુકસાન ન થાય તે માટે કરવામાં આવે છે. ‘દીવાની કાર્યવહીના કાયદા’ની રચના સૌપ્રથમ 1859માં કરવામાં આવી હતી, જેમાં સમયાંતરે જરૂર પ્રમાણે સુધારાવધારા થતા ગયા, પરંતુ કટોકટીના સમયગાળામાં (1975–78) આ કાયદામાં નોંધપાત્ર સુધારા થયા છે. તે સિવિલ પ્રોસિજર ઍક્ટ 1976 તરીકે ઓળખાયા.

1859 પહેલાં પ્રેસિડન્સી ટાઉન્સની અદાલતોને તેના પોતાના કાયદાઓની અને પ્રાંતીય અદાલતોને દરેકને પોતપોતાના કાયદાની જોગવાઈઓ લાગુ પડતી હતી. એ સંજોગોમાં આખા દેશની અદાલતોની કાર્યવહીનું નિયમન કરવા માટે એક સર્વગ્રાહી કાયદો ઘડવાની જરૂરિયાત જણાતાં દીવાની કાયદો કરવામાં આવ્યો હતો. એ કાયદો 1862માં સદર દીવાની અદાલતને પણ લાગુ પાડવામાં આવ્યો.

કોઈ પણ દાવામાં વાદી અને પ્રતિવાદી બંનેની રજૂઆત અને પુરાવાને ધ્યાનમાં લીધા પછી સંબંધિત અદાલત કોઈ પણ પ્રકારનું ‘હુકમનામું’ કરે છે જે હુકમની વિધિસરની જાહેરાત ગણાય છે. જો આવા હુકમનામા સામે અપીલ ન થઈ શકતી હોય તો તે હુકમનામું આખરી ગણાય છે.

સામાન્ય સંજોગોમાં દીવાની અદાલત પછી હાઈકોર્ટમાં અને ત્યારપછી સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે.

‘હુકમ’ એટલે દીવાની અદાલતના કોઈ એક નિર્ણયની જાહેરાત. આ હુકમ અને હુકમનામું બંને જુદાં છે. હુકમ આખરી ગણાતો નથી. કારણ કે ચાલુ દાવામાં અદાલત અનેક હુકમો કરી શકે છે. આવા હુકમથી સામાન્ય રીતે પક્ષકારોનાં હક કે ફરજો કાયમી ધોરણે નક્કી થતાં નથી.

‘ચુકાદો’ શબ્દ પણ હુકમનામા કરતાં જુદો પડે છે. જ્યારે કોઈ અદાલત કેસની ટૂંકી વિગત સાથે, નિર્ણય માટેના મુદ્દાઓ જણાવીને કારણોના બયાન સહિત નિર્ણય આપે તેને ચુકાદો કહેવાય છે.

દરેક દીવાની અદાલતને મૂળભૂત દાવા ચલાવવાની અને સ્થાનિક કે પ્રાદેશિક હકૂમત હોય છે. જ્યારે જિલ્લાઅદાલત અને વડી અદાલતને મૂળભૂત અને અપીલમાંથી ઉદભવતી એમ બંને પ્રકારની હકૂમત હોય છે. દીવાની પ્રકારની અદાલતમાં જુનિયર ડિવિઝનની કોર્ટને રૂ. 10,000/- સુધીના અને સિનિયર ડિવિઝનની કોર્ટને રૂ. 10,000/- ની ઉપરના દાવાઓ ચલાવવાનો અધિકાર હોય છે; જ્યારે હાઈકોર્ટમાં ગમે તેટલી રકમના દાવાઓ ચાલી શકે છે. સામાન્ય રીતે કોઈ દીવાની દાવો હાઈકોર્ટમાં સીધો દાખલ કરી શકાતો નથી.

દાવો યોગ્ય હકૂમતવાળી પણ સૌથી નીચેની અદાલતમાં દાખલ કરવાનો હોય છે. જ્યારે કોઈ દાવો બે કે વધુ અદાલતમાં દાખલ કરી શકાય એમ હોય, ત્યારે પ્રતિવાદી સામાવાળાને નોટિસ આપીને, કેસ ચલાવવાની શરૂઆત થાય તે પહેલાં કેસ બીજી અદાલતમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી શકે છે. બંને પક્ષકારને સાંભળ્યા પછી અદાલતને વાજબી કારણ લાગે તો તે કેસ ટ્રાન્સફર કરવાની અદાલત મંજૂરી આપે છે.

જે કોઈ વ્યવહારમાં જેટલી વ્યક્તિઓ સંકળાયેલી હોય તે તમામે સંયુક્ત રીતે દાવો કરવો જોઈએ. શરત એ કે તેવી દરેક વ્યક્તિને દાવો માંડવાનો હક હોવો જોઈએ. તેવી જ રીતે સામા પક્ષના તમામ પ્રતિવાદીઓને દાવામાં સંયુક્ત રીતે જોડીને દાવો માંડવો જોઈએ. અલબત્ત, તેઓ વચ્ચે ‘દાવાનું કારણ’ અને હકીકતનો અથવા કાયદાનો ‘સમાન પ્રશ્ન’ હોવા જોઈએ અને તો જ પ્રતિવાદીઓનું જોડાણ કરી શકાય છે. આમ છતાં એક વાર દાવો થઈ ગયા પછી પણ તેમાં જરૂરી ફેરફાર કરવાની જોગવાઈ કાયદામાં છે. દાવામાં અનેક વ્યક્તિઓ હોય ત્યારે તે દાવાને તેમાંથી કોઈ એક પ્રતિનિધિ, ‘પ્રતિનિધિ સ્વરૂપે’ દાખલ કરી શકે છે. દાવામાં જે કોઈ ‘દાદ’ મળી શકે તેમ હોય તે તમામ દાદની ‘માગણી’ કરવી જોઈએ. જો કોઈ દાદ જતી કરવામાં આવી હોય તો તે મેળવવાનો હક્ક રહેતો નથી.

ઉપરની સંપૂર્ણ વિગત સાથેની અરજી અદાલતના નિયત અધિકારી સામે રજૂ  થતાં દાવો દાખલ થયેલો ગણાય. ત્યારપછી અદાલત તરફથી પ્રતિવાદીને દાવાનો જવાબ આપવા માટે સમન્સ આપવામાં આવે છે. સમન્સની બજવણી તેના ઉપર વ્યક્તિગત, તેના એજન્ટને, કે કુટુંબીજનોને કરી શકાય. જો પ્રતિવાદી આવી બજવણી ટાળતો હોય તો તેના રહેઠાણની, ધંધાની કે નફા માટે છેલ્લે જ્યાં કામ કરતો હોય તે જગ્યાની આગળના ભાગમાં સમન્સની નકલ ચોંટાડીને બજવણી કરી શકાય છે.

‘પક્ષનિવેદન’માં ‘દાવા અરજી’ અને ‘તેનો જવાબ’ મુખ્ય આધાર-સ્તંભ છે, જેમાં બંને પક્ષકારોએ પોતાની ‘માગણીઓ’ અને ‘પ્રતિમાગણીઓ’ રજૂ કરેલી હોય છે. અહીં પક્ષકારો જે મહત્ત્વની બાબત ઉપર માગણી કે બચાવ કરવા માગતા હોય, તેનું ટૂંકમાં પરંતુ અગત્ય પ્રમાણે જરૂરી માહિતી સાથેનું નિવેદન તેમની અને તેમના વકીલની સહી અને ‘ઇકરારનામા’ સાથે રજૂ કરે છે, જેમાં સ્પષ્ટતા માટે ‘જરૂરી અને મહત્વની વિગતો’ રજૂ કરવી જોઈએ. છતાં કોઈ પક્ષકારને ‘વધારે અને સારી વિગતો’ની જરૂર લાગે તો તે મેળવવાનો તેનો અધિકાર હોય છે. પક્ષનિવેદનમાં કોઈ પણ તબક્કે સુધારાવધારા કરવાની પરવાનગી ન્યાયના હિતમાં અદાલત આપી શકે છે.

દાવામાં વાદીએ દાવા અંગેની બધી જ વિગતો દર્શાવવાની હોય છે. અદાલત તે સ્વીકારે તો દાવો દાખલ થયેલો ગણાય અને તેથી અદાલત પ્રતિવાદીને પોતાનું લેખિત નિવેદન રજૂ કરવાની તક આપે છે. જો પ્રતિવાદી તે રજૂ ન કરે તો અદાલત ‘એકતરફી’ હુકમનામું કરે છે અને તેમ થાય ત્યારે કેસ પૂરો થયેલો જાહેર કરે છે.

જો પ્રતિવાદી લેખિત નિવેદન રજૂ કરે તો તેને કેસ ચલાવવા માટેની નિયત તારીખે રૂબરૂ કે વકીલ મારફતે હાજર થવાની જાણ કરવામાં આવે છે. એકતરફી થયેલા હુકમનામાના કિસ્સામાં જો અદાલતને સંતોષ થાય તો તે દાવો ફરીથી ‘રિસ્ટોર’ કરવાની પરવાનગી આપી શકે છે.

બંને પક્ષકારો એકબીજા પાસેથી ખૂટતી માહિતી મેળવે છે. જે બાબતોનો પક્ષકારોએ ઇનકાર કર્યો હોય તે જ બાબતો અદાલતમાં પુરવાર કરવાની બાકી રહે છે. આવી બાબતો ‘હકીકતના મુદ્દા’ કે ‘કાયદાના મુદ્દા’ (issue of fact and laws) તરીકે ઓળખાય છે. જો પક્ષકારો સાક્ષીઓને બોલાવવા માગતા હોય તો તે અદાલતને અરજી કરી શકે છે. આવા સાક્ષી હાજર થયેથી પહેલાં રજૂ કરનાર પક્ષકારના વકીલ તેની પૂછપરછ કરે છે, જેને ‘સર-તપાસ’ (examination-in-chief) કહેવાય છે. પછી સામા પક્ષના વકીલ તેની તપાસ કરે છે, જેને ‘ઊલટતપાસ’ (cross-examination) તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સાક્ષીને ફરી બોલાવવામાં આવે ત્યારે તેને ‘ફેર-તપાસ’ (re-examination) કહેવાય છે. ચાલુ કાર્યવહી દરમિયાન અદાલત કોઈ હકીકત ‘સોગંદનામા’-(affidavit)થી પુરવાર કરવાનો પક્ષકારને હુકમ કરી શકે છે.

આ સમગ્ર કાર્યવહીને અંતે અદાલત પોતાનો આખરી ‘ચુકાદો’ (judgement) કે ‘હુકમનામું’ (decree) ખુલ્લી અદાલતમાં જાહેર કરે છે; પરંતુ તેમાં જો કોઈ કારકુની ભૂલ રહી ગઈ હોય તો પાછળથી સુધારી શકાય છે. અદાલત લેણી રકમ સાથે વ્યાજ અને દાવાના ખર્ચનો હુકમ કરી શકે છે. ન્યાયના હિતમાં પ્રતિબંધિત ન હોય તેવી તમામ કાર્યવહી અદાલત હાથ ધરી શકે છે, જેને અદાલતની ‘અંતર્ગત સત્તા’ (inheritant power of court) કહે છે.

આવી દાવાની કાર્યવહી શરૂ થાય તે સાથે જ દાવાના પક્ષકારને અમુક કૃત્ય કરતાં અટકાવવો અદાલતને જરૂરી લાગે તો અદાલત દાવાનો નિર્ણય આવતા સુધી ‘કામચલાઉ મનાઈહુકમ’ (temporary injunction) આપી શકે છે. જ્યારે અદાલત આખરી નિર્ણય ઉપર પહોંચી પક્ષકારોને અમુક વસ્તુ કરવા માટે ‘કાયમી મનાઈ’ ફરમાવે તેને કાયમી મનાઈ હુકમ (perpetual injunction) તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો મનાઈ હુકમ આપતા પહેલાં અદાલતે સામા પક્ષકારને નોટિસ આપવી પડે છે; પરંતુ જો તેમ કરતાં ન્યાયનો હેતુ માર્યો જાય એમ હોય કે અક્ષમ્ય ઢીલ થાય તેમ હોય તો અદાલત ‘વચગાળાનો મનાઈ હુકમ’ (interim injunction) આપે છે અને તેનાં કારણોની લેખિત નોંધ કરે છે. તેવી જ રીતે દાવા દરમિયાન આખરી ન હોય તેવા કોઈ પણ પ્રકારના ‘વચગાળાના હુકમો’ (interlocutory orders) કરવાની અદાલત સત્તા ધરાવે છે. દાવાના પક્ષકારો ગમે તે તબક્કે પોતાની સહી સાથેની લેખિત રજૂઆત કરીને ‘સમાધાન’ કરી શકે છે. તે ઉપરથી અદાલતને સંતોષ થાય તો કાયમી હુકમનામું કરી આપે છે, જે મુજબ પક્ષકારોએ ખર્ચ, વ્યાજ અને જામીનગીરી રજૂ કરવાં પડે છે.

જ્યારે આવો કોઈ દાવો સરકાર કે ટ્રસ્ટ સામે દાખલ કરવો હોય ત્યારે સરકારને એક મહિનાની ‘કાનૂની નોટિસ’ (statutory notice) આપવી પડે છે.

જે વ્યક્તિ દાવા અરજી સાથે ફરજિયાત રીતે ભરવાની થતી કોર્ટ ફી ભરી શકે તેમ ન હોય તે વ્યક્તિ ‘અકિંચન, નિર્ધન’ (indigent) કહેવાય છે. આવી વ્યક્તિને અદાલત વકીલ પણ પૂરો પાડે છે. આવી નિર્ધન  વ્યક્તિ જો જીતી જાય તો મળેલી રકમમાંથી અદાલત ભરવાની થતી કોર્ટ ફીની રકમ વસૂલ કરી લે છે.

કેટલીક બાબતોની કાર્યવહી ટૂંકમાં ચલાવવા અંગે રાજ્યસરકાર હુકમનામું બહાર પાડે છે, જેને ‘સમરી કાર્યવહી’ કહેવામાં આવે છે.

કોઈ પણ અદાલતના હુકમનામાની બજવણી અદાલત મારફતે કે અદાલતની બહાર થઈ શકે છે. અદાલત મારફતે હુકમનામાની બજવણી કરાવવી હોય તો અદાલતને અરજી કરવી પડે છે. જે વ્યક્તિ ઉપર હુકમનામાની બજવણી કરવાની હોય તે અન્ય અદાલતની હકૂમતમાં રહેતી હોય, તો જે તે અદાલતને હુકમનામું પાઠવી આપવામાં આવે છે.

કેટલીક વાર બે પક્ષકારોએ એકબીજા સામે અલગ અલગ દાવાઓમાં ‘સામસામાં’ હુકમનામાં મેળવ્યાં હોય એવું બને. તેને ‘ક્રૉસ-ડિક્રી’ તરીકે ઓળખવામાં આવે છે.

દરેક કિસ્સામાં અપીલ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. અપીલ-પાત્ર બાબતોમાં અપીલ કરવા માટે દાવા અરજી જેવી જ એક અરજી ‘મેમોરેન્ડમ્ ઑવ્ અપીલ’ રજૂ કરવી પડે છે. અપીલ દ્વારા મૂળ કેસથી જુદા એવા નવા મુદ્દાઓ ઊભા કરી શકાતા નથી. વધારાના પુરાવાઓ પાછળથી મળી આવ્યા હોય તો માત્ર અદાલતની પરવાનગીથી જ તે રજૂ કરી શકાય છે. અદાલતને સંતોષ થાય તો ખાસ કિસ્સામાં મુદ્દત વીતી ગઈ હોય છતાં અપીલ માટે પરવાનગી આપી શકે છે.

અપીલ કરનાર પક્ષકાર નિયત કરેલી તારીખે હાજર ન રહે તો અદાલત અપીલ રદ કરી શકે છે; પરંતુ તે હાજર રહે અને સામો પક્ષકાર હાજર ન હોય તો અદાલત ‘એકતરફી’ (ex-party) હુકમનામું કરી શકે છે.

બંને પક્ષકારોને અને તેમના વકીલોને સાક્ષી-પુરાવાઓ સાથે સાંભળ્યા પછી અદાલત ચુકાદો જાહેર કરે છે. તેવી જ રીતે અપીલ-અદાલત પણ પોતાનો ચુકાદો જાહેર કરે છે અને તેની એક-એક ખરી નકલ પક્ષકારોને આપે છે, જેમાં નિર્ણયના મુદ્દાઓ, નિર્ણય અને તેના ઉપર આવવાનાં કારણો જણાવેલાં હોય છે.

અપીલ-અદાલત ગમે તે પ્રકારનું અને ગમે તે પક્ષકારો વિરુદ્ધ હુકમનામું કરી શકે છે. નીચેની અદાલતના હુકમનામામાં ફેરફાર કરી શકે છે, રદ કરી શકે છે, મુલતવી રાખી શકે છે કે કાયમ કરી શકે છે; જેમાં પક્ષકારોની સંમતિની જરૂર રહેતી નથી. મૂળભૂત અદાલતના હુકમની વિરુદ્ધ અપીલ કરવામાં આવે તેને ‘પહેલી અપીલ’ કહેવામાં આવે છે. જ્યારે અપીલ અદાલતના હુકમનામા સામે અપીલ કરવામાં આવી હોય તેને ‘બીજી અપીલ’ કહેવામાં આવે છે. પહેલી અપીલમાં અદાલત હકીકત અને કાયદાના – એમ બંને પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં લે છે. બીજી અપીલમાં માત્ર કાયદાના મુદ્દાઓ જ ધ્યાનમાં લેવામાં આવે છે. જો અપીલની સુનાવણી એક કરતાં વધારે ન્યાયાધીશોએ સાંભળી હોય અને કોઈ ન્યાયાધીશ અસંમત થાય, તો તે પોતાનો મત જુદો દર્શાવે છે.

અપીલમાં જવાનો અધિકાર એ પક્ષકારનો અધિકાર છે; પરંતુ પક્ષકાર ‘રેફરન્સ’ ન કરી શકે. રેફરન્સની માગ માત્ર નીચેની અદાલત જ કરી શકે છે અને તે હાઈકોર્ટને જ કરી શકાય છે. જ્યારે ‘રિવ્યૂ’ એટલે જે અદાલતે દાવાની સુનાવણી કરી હોય તે જ અદાલત ‘પુનરવલોકન’ (review) માટેની અરજી કરવાથી તે કેસ એક વખત ફરીથી જોઈ જાય છે. રિવ્યૂ એક વખત જ થઈ શકે છે. જ્યારે કોઈ અદાલત હુકમ કરે અને તેની સામે અપીલ કરવાની કોઈ જોગવાઈ ન હોય ત્યારે અન્યાય થતો અટકાવવા માટે હાઈકોર્ટ જે તે કેસનું રેકર્ડ પોતાની પાસે મંગાવીને પોતાને યોગ્ય લાગે તેવો નિર્ણય કરે છે. આ સત્તાને ‘રિવિઝન’ની સત્તા કહેવાય છે.

પ્રવીણ જે. ગાંધી