દીવાન, રણછોડજી અમરજી નાણાવટી (જ. 2 ઑક્ટોબર 1768, જૂનાગઢ; અ. 12 ફેબ્રુઆરી, 1841) : જૂના દેશી રાજ્ય જૂનાગઢના દીવાન. દીવાન રણછોડજીનો જન્મ યુદ્ધવીર દીવાન અમરજી જ્યારે તેમની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા ત્યારે થયો હતો. તેમનાથી પાંચ વર્ષ મોટા ભાઈ રઘુનાથજી તથા પાંચ વર્ષ નાના ભાઈ દલપતરામ હતા.
પ્રતાપી પિતાની છત્રછાયામાં તેમણે અંગકસરત, શસ્ત્રોનો ઉપયોગ આદિ વિષયો ઉપર લક્ષ આપ્યું. ઉપરાંત તેમણે ગુજરાતી, સંસ્કૃત, ફારસી, હિન્દી વગેરે ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું.
ઈ. સ. 1784માં દીવાન અમરજીનું ખૂન થયું ત્યારે નવાબે આખા કુટુંબને કેદ કર્યું, પણ ખૂનનો જવાબ આપવા ગાયકવાડનું સૈન્ય જૂનાગઢ ઉપર ચડ્યું ત્યારે નવાબે આ ભાઈઓને મુક્ત કરી રઘુનાથજીને દીવાનગીરી આપી અને માત્ર 16 વર્ષના રણછોડજીએ ગાયકવાડની છાવણીમાં જઈ સમાધાનની સફળ યાચના કરી. તેમની કારકિર્દી અહીંથી શરૂ થાય છે. તેમણે રાજતંત્રમાં મહત્વનું સ્થાન લીધું.
યુદ્ધક્ષેત્રે પણ તેમણે એક કુશળ અને વીર સેનાપતિ તરીકે નામના મેળવી. તેમણે અનેક યુદ્ધોમાં સૈન્યો દોર્યાં અને વિજય પ્રાપ્ત કર્યા.
મોટા ભાઈ રઘુનાથજી દીવાનપદે હતા અને થોડો સમય નવાબથી નારાજ થઈ જામનગર ગયેલા ત્યારે રણછોડજીએ તેમની સાથે રહી કુનેહ અને કૌશલ્ય દર્શાવેલાં.
પણ દીવાન રણછોડજીની એક સિદ્ધિ તો તેમની સાહિત્યપ્રવૃત્તિ છે. તેમણે ફારસી ભાષામાં ‘તારીખે સોરઠ વ હાલાર’ નામનો ઇતિહાસગ્રંથ લખ્યો અને તે ઉપરાંત ‘રૂકાને ગુનાગુન’, ‘જંગનામાએ હોલી’, ‘તહનીફાતે રણછોડજી’ આદિ પુસ્તકો લખ્યાં છે.
હિન્દી (વ્રજ) ભાષામાં તેમણે ‘શિવરહસ્ય’, ‘શિવમહારત્નાકર’, ‘શિવગીતા’, ‘શિવસાગરકીર્તન’, ‘શિવરાત્રીમાહાત્મ્ય’, ‘પ્રદોષમહિમા’ આદિ ગ્રંથો લખ્યા છે.
ગુજરાતીમાં ‘ચંડીપાઠના ગરબા’, ‘બ્રાહ્મણ ચોરાસી જ્ઞાતિ’, ‘સૂતકનિર્ણય’, ‘શ્રાદ્ધનિર્ણય’, ‘નાગરવિવાહ’, ‘ઓચ્છવમાલિકા’ આદિ પુસ્તકો લખ્યાં છે.
આ પુસ્તકોમાં આ વિરલ વ્યક્તિનું ભાષા ઉપરનું પ્રભુત્વ તેમજ વિવિધ વિષયોનું જ્ઞાન પ્રદર્શિત થાય છે.
તેમણે કુતિયાણા, પડધરી, જૂનાગઢ વગેરે સ્થળે મંદિરો બંધાવ્યાં હતાં અને સદાવ્રતો ચાલુ કર્યાં હતાં.
તેમને પુત્ર ન હતો, પણ પુત્રીઓ રૂપકુંવર અને સૂરજકુંવર હતી. તેમાં સૂરજકુંવરના વંશજો દીવાનની પદવી હજુ ધારણ કરે છે.
શંભુપ્રસાદ દેસાઈ