દીવાન, બિપિનચન્દ્ર જીવણલાલ (જ. 20 ઑગસ્ટ 1919, અમદાવાદ; અ. 12 માર્ચ 2012, અમદાવાદ) : વિખ્યાત ન્યાયવિદ તથા ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. રાષ્ટ્રવાદી ર્દષ્ટિકોણથી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરનાર શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની જીવણલાલ હરિપ્રસાદ દીવાનના પુત્ર. 1935માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. મુંબઈની વિલ્સન કૉલેજમાંથી 1939માં ગ્રૅજ્યુએટ, 1941માં એલએલ.બી. અને 1942માં એમ.એ. થયા. 1943માં ઍડવોકેટ (ઓ.એસ.) થયા. વિખ્યાત ધારાશાસ્ત્રી એન.એચ. ભગવતી, ઍડવોકેટ જનરલ સી.કે. દફતરી અને એમ.પી. અમીન જેવા ધારાશાસ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ વકીલાતની તાલીમ મેળવી. સાથોસાથ 1950થી 1954 સુધી મુંબઈની સરકારી લૉ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું.
1954માં મુંબઈની સિટી સિવિલ કોર્ટના ન્યાયાધીશ અને 1961માં તે જ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. એપ્રિલ, 1962માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમાયા. માનવતાવાદી ઉદાર વલણવાળા ન્યાયમૂર્તિ તરીકે નામના મેળવી. કરવેરાને લગતા સંખ્યાબંધ શકવર્તી ચુકાદા તેમણે આપ્યા. જુલાઈ, 1973માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ નિમાયા. 1975થી 1977 વચ્ચેના ગાળા દરમિયાન ભારત સરકારે જે સોળ ન્યાયમૂર્તિઓની બદલી કરી હતી તેમાં એમનો સમાવેશ થયો હતો. જુલાઈ, 1976માં તેમણે આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો સંભાળ્યો. આંધ્રપ્રદેશમાં પોતાની શાલીનતા અને માનવીય અભિગમ બદલ તેમણે કીર્તિ મેળવી. ઑગસ્ટ, 1977માં ફરી ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેનું પદ સંભાળ્યું. 1981માં તેઓ નિવૃત્ત થયા. તે પછી કાયદાકીય પરામર્શ અને સામાજિક પ્રવૃત્તિમાં તેઓ કાર્યરત છે.

બિપિનચન્દ્ર જીવણલાલ દીવાન
ભારતીય વિદ્યાભવનની ગુજરાત શાખાના ઉપપ્રમુખ (1968થી 1973) અને દીવાન બલ્લુભાઈ શાળા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે 1981થી આજદિન સુધી (1997) તેમણે યોગદાન આપ્યું છે. ડાકોર ટેમ્પલ કમિટી અને ભારતીય વિદ્યાભવનના ડાકોર કેન્દ્રના અધ્યક્ષ પણ રહ્યા છે. 1959થી લોકસંગ્રહવાદી સંત-સુધારક શ્રી પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાયપ્રવૃત્તિમાં તેઓ કાર્યશીલ રહ્યા છે. તેમણે 100થી વધારે વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે. રાજકારણમાં પણ શુદ્ધ ચારિત્ર્યવાળા અને તટસ્થ ઉમેદવારો ચૂંટાય એ માટે તેઓ આગ્રહી રહ્યા છે.
ચિનુપ્રસાદ વૈ. જાની