દીવાન, અમરજી કુંવરજી નાણાવટી (જ. 1744, માંગરોળ; અ. 6 માર્ચ 1784, જૂનાગઢ) : જૂના જૂનાગઢ રાજ્યના બાહોશ દીવાન. તેમનો જન્મ નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા તથા પૂર્વજો મુત્સદ્દીઓ હતા. માત્ર 18 વર્ષની વયે અમરજી જૂનાગઢ આવ્યા અને નવાબ મહોબતખાન પાસે નોકરી માગી. નવાબને આરબ સૈનિકોએ નજરકેદ કરેલા. તેમણે કહ્યું કે મને મુક્ત કરે તો નોકરી આપું. અમરજી પોરબંદર ગયા અને ત્યાંથી જમાદાર સલમાનને તેડી લાવી જૂનાગઢના આરબોને હરાવી નવાબને મુક્ત કરતાં નવાબે તેમને સેનાપતિ-પદ આપ્યું.
અમરજીએ સેનાને વ્યવસ્થિત કરી, શસ્ત્રો અને સરંજામ એકત્ર કરી, ધનકોષ સમૃદ્ધ કરી વિજયયાત્રાનો પ્રારંભ કર્યો. જૂનાગઢના બંદર વેરાવળનો કબજો માંગરોળના શેખ મિયાંએ કરી લીધેલો તે સ્વાધીન કર્યું. તે પછી અમરજી જૂનાગઢ રિયાસતના દીવાનપદે નિયુક્ત થતાં તેમણે રાજવિસ્તાર પ્રતિ સવિશેષ ધ્યાન આપ્યું. તેમણે દલખાણિયા, શીલ, કુતિયાણા, સૂત્રાપાડા. દેવડા, દીવાલા, મહિયારી, બગસરા આદિ કિલ્લાઓ જીતી લીધા અને તે બધાને જૂનાગઢ રાજ્યમાં ભેળવી દીધા.
માંગરોળ ઉપર ઘેરો ઘાલી તેમણે ત્યાંના શેખ મિયાંને તથા ઊનાના કસબાતીઓને હરાવી ઊના સ્વાધીન કર્યું.
અમરજીએ સૌરાષ્ટ્રનાં અન્ય રાજ્યો ઉપર જોહુકમી ખંડણી નાખી તથા જૂનાગઢને સર્વોચ્ચ રાજ્ય બનાવ્યું.
અમરજીની પ્રતિષ્ઠા વધી જતાં ગોંડલના ઠાકોર કુંભાજી, જામનગરના દીવાન મેરુ ખવાસ, ભાવનગરના ઠાકોર વખતસિંહ, પોરબંદરના રાણા સરતાનજી તેમની ઈર્ષ્યા કરતા થયા અને તેમણે તેમની સાથે યુદ્ધ છેડ્યાં, પણ અંતે તે સર્વનો પરાજય થયો.
નવાબને અમરજીની વધતી જતી સત્તાથી ડર લાગતાં તેમણે તેમને તથા તેમના કુટુંબને કેદ કર્યાં. 1773માં મુક્ત કરાતાં અમરજી જેતપુર ચાલ્યા ગયા. પણ તેમની ગેરહાજરી થતાં અન્ય રાજાઓ અને તાલુકદારો બળવાન થતાં જૂનાગઢને પરાજય આપવા માંડ્યા. તેથી નવાબે માફી માગી અમરજીને પાછા બોલાવ્યા.
અમરજીએ કચ્છ સુધી તેમનાં સૈન્ય દોર્યાં, પણ 1775માં નવાબ ગુજરી જતાં તેમના પુત્ર હામદખાનને અમરજીએ ગાદીએ બેસાડી સમગ્ર વહીવટ હાથમાં લીધો. તે દરમિયાન પેશવા ગાયકવાડનાં સંયુક્ત સૈન્યોએ જૂનાગઢ ઉપર આક્રમણ કર્યું. અમરજીએ તેનો સામનો કર્યો, પણ અંતે સમાધાન થયું.
નવાબ હામદખાને અમરજીની વધતી જતી કીર્તિની ઈર્ષાથી પ્રેરાઈને અમરજીનું દગાથી ખૂન કરાવ્યું.
શંભુપ્રસાદ દેસાઈ