દીવાને ગાલિબ (1958) : ઉર્દૂના વિદ્વાન ‘અર્શી’ (જ. 1904) સંપાદિત ગાલિબનો કાવ્યસંગ્રહ. ઇમતિયાઝઅલી ‘અર્શી’ ઉર્દૂ, અરબી તથા ફારસીના નામાંકિત અભ્યાસી હતા. શાયર ગાલિબની મહાન કવિઓમાં ગણના થાય છે. તેમની કવિતાનો આસ્વાદ સરળ અને સુલભ બનાવવા તેમણે આ સંગ્રહ જહેમતપૂર્વક સંપાદિત કર્યો છે. તેમાં અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના ઉપરાંત નોંધ, વિવરણ, ગાલિબના જીવન તથા કવન વિશે અદ્યતન સંશોધનલક્ષી સામગ્રી વગેરેને પરિણામે આ કાવ્યસંગ્રહ વિદ્વત્તાપૂર્ણ વિવેચના તથા સંશોધનસભર અભ્યાસગ્રંથ પણ બની રહ્યો છે. આ માટે તે અપ્રાપ્ય ગ્રંથોનો ભંડાર મનાતા રઝા ગ્રંથાલય, રામપુર ખાતે વર્ષો સુધી રહ્યા હતા. આ ખંત અને પરિશ્રમને કારણે તેમને ગાલિબનાં તમામ ગઝલિયાત, કતા, મસનવી તથા કસીદા એકત્રિત કરવામાં તથા તે સામગ્રીને સમયક્રમમાં વ્યવસ્થિત ગોઠવીને રજૂ કરવામાં અનન્ય સફળતા મળી છે. સાલવારી ઉત્તમ ગ્રંથની મૂલ્યવાન અભ્યાસ-સામગ્રી લેખાય છે.
આ સંગ્રહના તેમણે હેતુપૂર્વક ત્રણ ભાગ પાડ્યા છે – ‘ગંજીના-એ માની’ એટલે કે અર્થનો ખજાનો, ‘નવા-એ સરોશ’ એટલે કે સ્વર્ગીય અવાજ અને ‘યાદગાર નાલા’ એટલે કે યાદગાર રુદન; આ છેલ્લા વિભાગમાં અન્ય આવૃત્તિમાં જોવા-વાંચવા ન મળેલાં એવાં કાવ્યો છે, જે ગાલિબે હાંસિયામાં કે અંતે પોતાના હસ્તાક્ષરમાં લખેલાં છે. અભ્યાસપૂર્ણ તથા વિદ્વત્તાસભર વિવેચન-સંશોધનના ગ્રંથ ઉપરાંત ગાલિબપ્રેમીઓ માટે અનિવાર્ય બનેલા આ કાવ્યસંગ્રહનું પુસ્તક અનન્ય લેખાય છે.
આ ગ્રંથને સાહિત્ય અકાદમીનો 1961ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી