દીવાને ખાસ, ફતેહપુર સિક્રી

March, 2016

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી : ફતેહપુર સિક્રીમાં અકબરનો, વિશિષ્ટ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ સાથેની મુલાકાત માટેનો દરબારખંડ. સિક્રીના સંકુલમાં ઈશાન ખૂણા તરફ આવેલી આ ઇમારતમાં વચમાં એક સ્તંભ આવેલો છે જેનો ગોળાકાર મંચ સર્પાકારના ખૂણિયા ટેકા વડે ટેકવાયો છે. આ મંચને દીવાને ખાસની ચોરસ ઇમારતના ચારે ખૂણે પહેલા માળે આવેલા ઝરૂખા સાથે જોડવા ચાર પુલ બનાવાયા છે.

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી

ઈ. સ. 1571થી 1581ના ગાળામાં બનાવાયેલ આ ઇમારતના ગોળાકાર મંચ પર બેસી અકબર તેના ચારે ખૂણે આવેલ ઝરૂખામાં બેઠેલા મંત્રીઓ કે ધાર્મિક વડાઓ સાથે ચર્ચા-વિચારણા કરતો. માત્ર આ પ્રકારની ચર્ચા માટે બનાવાયેલ આ ઇમારત પ્રતીકાત્મક રીતે અકબરની વિચારસરણી તથા પ્રશાસનવ્યવસ્થા વિશેનો અભિગમ દર્શાવે છે. સિક્રીની રચના ઘણો ખર્ચ કરીને માત્ર 10 વર્ષમાં પૂરી કર્યા પછી પણ અકબર પાણી-પુરવઠાના પ્રશ્નને કારણે ત્યાં વધુ નહોતો રહી શક્યો.

આ સમગ્ર સંકુલમાં બધી ખુલ્લી જગ્યાઓમાં પથ્થર જડી દેવાની ભૂલ પણ અકબરે કરી હતી જેનાથી ઉનાળામાં ગરમી પણ અસહ્ય બની રહેવાને કારણે અકબરને તે સ્થાન છોડવું પડેલું.

હેમંત વાળા