દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ શાસનકાળમાં બનેલા દીવાને આમ ઘણા સ્તંભો પર કમાનો ટેકવી તેની પર સપાટ છતવાળા મંડપ સમાન હતા. આ સમગ્ર મંડપની બે અથવા ત્રણ તરફ ખુલ્લી જગ્યા રખાતી જેથી જ્યારે દીવાને આમમાં વધુ માણસો એકઠા થાય ત્યારે તે જગ્યાનો ઉપયોગ થઈ શકે. દીવાને આમમાં એક બાજુમાં સિંહાસન રખાતું.
દિલ્હીના લાલ-કિલ્લાનું દીવાને આમ ઈ. સ. 1638 બાદ શાહજહાં દ્વારા બનાવાયેલા સંકુલમાં નોબતખાના પછી તરત આવતી બીજી ઇમારત છે, જેનાથી સામાન્ય-જનને સંકુલમાં અંદર સુધી આવવાની જરૂર ન રહે. સ્તંભની ચાર હારથી બનાવાયેલ આ દીવાને આમ પરની સપાટ છત પથ્થરથી બનાવાઈ છે અને તે સમગ્ર ઇમારતનો બહારનો દેખાવ નવ સુશોભિત કમાનો દ્વારા રમ્ય બને છે.
આ દીવાને આમમાં એક તરફ આરસનું સિંહાસન બનાવાયું છે, જેના પર બંગાળી શૈલીમાં વિતાન છે. સિંહાસનમાં એક સમયે હીરા-મોતી જડેલાં હતાં. ગાદીની પાછળની દીવાલો પર સુંદર નકશીકામવાળાં ચોકઠાં છે જેમને બનાવવા ઇટાલીના ફ્લોરેન્સથી ઝવેરીઓ બોલાવાયા હતા; તેથી જ આમાંના એક ચોકઠા પર ગ્રીક દેવતા ઑરફ્યૂસની મૂર્તિ છે. આ ચોકઠાં એક વાર બ્રિટિશ શાસનમાં લંડનના વિક્ટોરિયા તથા આલબર્ટ સંગ્રહાલયમાં લઈ જવાયાં હતાં, પણ પાછળથી ઈ. સ. 1903માં લૉર્ડ કર્ઝનની ભલામણથી પાછાં લવાયાં હતાં. આ દીવાને આમ સામે એક સમયે ખુલ્લો ચોક હતો.
આવા દીવાને આમ આગ્રા, લાહોર અને ફતેહપુર સિક્રી ઉપરાંત વિજયનગર તથા બિદરમાં પણ હતા.
હેમંત વાળા