દીન : આ શબ્દ ‘ઇસ્લામ ધર્મ’ના વ્યાપક અર્થમાં વપરાય છે. કુરાનનાં જુદાં જુદાં પ્રકરણોમાં ‘દીન’ શબ્દનો ઉપયોગ ‘સાચા ધર્મ’ના અર્થમાં થયો છે. ઇમામ અબૂ હનીફાના કથન મુજબ ‘દીન’ શબ્દ ઇમાન, ઇસ્લામ અને શરિયતના બધા કાયદાઓને આવરી લે છે. ‘દીન’ની એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે તે અલ્લાહ તરફથી નક્કી કરેલ જીવનપદ્ધતિ છે અને પયગંબર મોહમ્મદ તરફથી રજૂ થયેલ કાર્યપદ્ધતિ સ્વીકારવા માટેનું આમંત્રણ આપે છે. ઇસ્લામ ધર્મમાં માન્યતાઓ, ભક્તિનાં સ્વરૂપો  ઉપરાંત આર્થિક, સામાજિક, અને નૈતિક વ્યવહારનો પણ સમાવેશ થાય છે અને આ સર્વગ્રાહી રીતે ‘દીન’ કહેવાય છે. પવિત્ર કુરાન તથા પયગંબર સાહેબના કથન અનુસાર દુનિયાનું કે ધર્મનું જે કામ કરવામાં આવે તે દીન બની જાય છે. દીનમાં નમાઝ, રોઝા, હજ અને ઝકાત ફરજિયાત છે. તેવી જ રીતે વેપાર, નોકરી, ખેતી, લગ્ન, રહેણીકરણી, પોશાક, ખાવુંપીવું, સૂવું, જાગવું, જન્મ અને મૃત્યુ સમયના રીતરિવાજો અને ખાસ કરીને મનુષ્ય તથા પ્રાણીજગત પ્રત્યેનો વ્યવહાર પણ દીનમાં સમાવેશ પામેલ છે. જે બધાં કામ શરિયતના કાયદા પ્રમાણે કરવામાં આવે તે દીન છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી