દીધનો મહેલ : ભરતપુરના રાજા સૂરજમલ દ્વારા 18મી સદીના મધ્યમાં બનાવાયેલ મહેલ. ભારતીય સ્થાપત્યના સિદ્ધાંતો મુજબ બગીચાની મધ્યમાં બનાવાયેલ આ મહેલ નજીક કૃત્રિમ તળાવ બનાવી પાણીનો સંગ્રહ કરાતો. પાણી તથા બગીચા નજીક આવેલ આ મહેલ ગરમીની ઋતુમાં ઠંડક આપતો. મહેલની રચનામાં નોંધપાત્ર બાબતોમાં ઉપરના ભાગમાં બે ઢળતાં છાપરાં – જેનાથી સમગ્ર મહેલનો પ્રસાર વધુ અને ઉઠાવ ઓછો જણાય છે, બગીચા તરફ ખૂલતી કમાનોવાળી પરસાળ, તડકાને રોકવા પ્રયોજાયેલી પથ્થરની જાળીઓ, સુશોભિત ખૂણિયા ટેકા, ચોક્કસ લય ઊભો કરતાં કમાનાકાર બારી-બારણાં તથા તળાવ વચ્ચેના મંચ-ફુવારા છે. વળી અહીં મુખ્ય ઇમારતથી અલાયદું બંગાળની શૈલીના છાપરાવાળું સ્નાનાગાર છે. મધ્યકાલીન ભારતના ઉત્કૃષ્ટ મહેલોમાં બાગ-મહેલ તરીકે દીધના મહેલનો ઉલ્લેખ અવશ્ય થાય છે.

હેમંત વાળા