દીનવરી (ઈ. સ. નવમી સદી) : અરબી વનસ્પતિશાસ્ત્રી. તેમનું પૂરું નામ અબૂ હનીફા એહમદ બિન દાઊદ બિન વનન્દ. તેઓ વાયવ્ય ઈરાનના દીનવર શહેરમાં જન્મ્યા હતા તેથી દીનવરી કહેવાયા. વનસ્પતિશાસ્ત્ર ઉપરના તેમના અરબી ભાષામાં લખાયેલા પુસ્તક ‘કિતાબુનનબાત’ માટે તેઓ વિશ્વવિખ્યાત થયા છે. તેમના આ ગ્રંથના છ ભાગ હતા. દીનવરીએ વિવિધ પ્રકારની વનસ્પતિઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કક્કાવાર આપ્યું છે. તેમણે વનસ્પતિઓ માટે એક સંપૂર્ણ અરબી પરિભાષા વિકસાવી હતી, જેમાં પાછળથી ફેરફાર કરવાની કોઈ આવશ્યકતા જ નથી રહી.
દીનવરીએ પોતાની કૃતિઓ દ્વારા વનસ્પતિશાસ્ત્ર ઉપરાંત ગણિત, ભૂમિતિ, ખગોળ, ભાષા, વ્યાકરણ અને કુરાનની તફસીર તથા ઇસ્લામી કાયદાશાસ્ત્રમાં પણ પ્રવીણતા સાબિત કરી છે. ‘કિતાબુનનબાત’ પછી દીનવરીની બીજી પ્રખ્યાત કૃતિ ‘અલ્ અખ્બાર અલ્-તિવાલ’ છે. તે ઇતિહાસ વિષય ઉપર મહત્વનાં મૂળ સાધનો વિશે અગત્યની માહિતીનો સંગ્રહ છે. દીનવરીની વિવિધ વિષયો ઉપર આશરે વીસ કૃતિઓની માહિતી પ્રાપ્ત થઈ છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી