દીદેરો, દેનિસ (જ. 5 ઑક્ટોબર 1713, લૉંગ્રેસ, ફ્રાંસ; અ. 31 જુલાઈ 1784 પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ વિશ્વકોશકાર, નાટ્યકલાના તાત્વિક મીમાંસક, નવલકથાકાર અને ફિલસૂફ. ફ્રેન્ચ ક્રાન્તિની પૂર્વભૂમિકા માટેનું નિમિત્ત બની શકે તેવા તેમના મૌલિક વિચારો છે. પિતા ગામની મોભાદાર વ્યક્તિ. લૅટિન અને ગ્રીક ભાષાના શિષ્ટ ગ્રંથોના તેજસ્વી અભ્યાસી તેવા પુત્રને પિતા પૅરિસ લઈ ગયા, જ્યાં તેમણે 1732માં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પાદરી, વકીલ, દાક્તર કે નાટકમાં અભિનેતા થવા માટે તેમના મનમાં ગડમથલ ચાલતી હતી.

1732થી 1742 સુધીનો દશકો ગરીબાઈ, મુશ્કેલીઓ અને સ્વૈરાચારમાં વીત્યો. તેમનું વાચન વિશાળ હતું. અંગ્રેજી ભાષાની જાણકારી મેળવી. પિતાની મરજી વિરુદ્ધ 6 નવેમ્બર, 1743ના દિવસે એન-તોઈનેત-શેમ્પ્યોં સાથે લગ્ન કર્યું. લાંબા લગ્નજીવનમાં પતિ-પત્ની પરસ્પર અનુકૂલન સાધી શક્યાં નહિ. પોતાની જેમ જ ગરીબ અને સ્વભાવે થોડાક અકળ એવા જ્યા જેક્વિસ રુસોને દિલોજાન દોસ્ત બનાવ્યા પછી કમનસીબે કટુ ઝઘડાના પરિણામે 1748માં બંને મિત્રો છૂટા પડ્યા. નાનપણથી તત્વજ્ઞાન અને ધર્મની બાબતમાં તેમનો અભિગમ તડ ને ફડ કહેવાનો હતો. તેમણે વ્યક્ત કરેલ અંધજનો વિશેના વિચારો બદલ જુલાઈ 24, 1749ના દિવસે તેમને જેલવાસ ભોગવવો પડ્યો, પરંતુ પોતાના વૈચારિક ગુનાની કબૂલાત સાથે સારી વર્તણૂકની પોતે જ બાંયધરી આપતાં બાકીની સજા માટે પૅરિસની નજીક તેમને અટકમાં રાખેલા, જ્યાં તેમણે વિશ્વકોશનું કામ આદર્યું. આ સ્થળે જ દીદેરોએ રુસોને અકાદમી ઑવ્ દ જોનના ઇનામ માટે પ્રોત્સાહિત કર્યા હતા. 102 દિવસની સજા ભોગવ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા. રશિયાની મહાન રાણી કૅથરિને તેમનાં પુસ્તકો ખરીદવાની તત્પરતા બતાવતાં તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા તેમણે પૅરિસથી સેંટ પિટર્સબર્ગ સુધી લાંબી કષ્ટદાયક મુસાફરી કરી. રાણીએ તેમનાં અંગત પુસ્તકો ખરીદી લઈ તેમના આર્થિક ઋણને હળવું કર્યું અને તેમની નિમણૂક મૉસ્કોમાં ગ્રંથપાલ તરીકે કરી. દીદેરોના ક્રાન્તિકારી વિચારોથી રાણી પ્રસન્ન થયાં, પણ તેમના એકહથ્થુ શાસનમાં તેનો અમલ કરવા પોતે અસમર્થ હતાં. તેથી દીદેરો પૅરિસ પાછા ફર્યા. આકરી મુસાફરીના થાકથી તેમની શારીરિક શક્તિનો હ્રાસ થયો. પછીનું જીવન માંડ એકાદ દશકાનું રહ્યું.

દેનિસ દીદેરો

તેમની ગણનાપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : (1) ‘ફિલૉસૉફિક થૉટ્સ’ (1746) : ધાર્મિક વિષયો પર ક્રાન્તિકારી નીડર ગદ્યરચના. (2) ‘લેટર્સ ઑન ધ બ્લાઇન્ડ’ (1749) : ધર્મવિષયે જુનવાણી માન્યતા પરનો તેમનો કુઠારાઘાત. સાથે સાથે અંધત્વ સંબંધી માનસશાસ્ત્રીય છણાવટ. અંધજનોને વાંચવા માટે પાછળથી જાણીતી બનેલ બ્રેઇલ પદ્ધતિનાં મૂળ આમાં જોઈ શકાય છે. (3) ‘ઑન ધ ઇન્ટરપ્રિટેશન ઑવ્ નેચર’ (1754) : અંગ્રેજી નિબંધકાર ફ્રાન્સિસ બેકનની અસર નીચે લખાયેલ આ નિબંધોમાં પ્રયોગસિદ્ધ જ્ઞાનનો મહિમા દર્શાવ્યો છે. (4) ‘ધ નૅચરલ સન’ (1757); (5) ‘ધ ફાધર ઑવ્ ધ ફૅમિલી’ (1758) : બન્ને અત્યંત લાગણીશીલ, બોધાત્મક અને કૈંક અસ્વાભાવિક નાટકો છે. અહીં વ્યક્ત થયેલ ‘નાટક’ વિશેના તેમના મૌલિક વિચારોએ જર્મનીના લેસિંગ અને અન્ય ફ્રેન્ચ સર્જકો ઉપર અસર કરી. (6) ‘ઇઝ હી ગુડ ઑર બૅડ ?’ (1830) : મરણોત્તર પ્રસિદ્ધ થયેલ અને આત્મકથનાત્મક તેમની આ નાટ્યકૃતિ નૈતિક સમસ્યાઓના પરસ્પર-વિરોધી તાણાવાણા ગૂંથે છે. (7) ‘ધ નન’ (1796) : પોતાની ઇચ્છા વિરુદ્ધ સાધ્વી બનવા માટે સ્ત્રી પર જોરજુલમ દાખવતા સમાજની રૂઢિ સામે રોષ ઠાલવતી નવલકથા. (8) ‘દ’ એલેમ્બતર્સ ડ્રીમ’ (1830) : સ્વપ્નમાં સુષુપ્ત મન પર બેકાબૂ વિચારોના આક્રમણને વ્યક્ત કરતી આ કૃતિમાં ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદનું મૂળ જોવા મળે છે. (9) ‘સપ્લિમેન્ટ ટુ બૉગેઇનવિલ્સ વૉયેજ’ (1796) : વિરોધાભાસ પ્રત્યેની અપ્રતિમ રુચિને વ્યક્ત કરતાં શબ્દચિત્રો સંસ્કૃતિનાં નૈતિક પણ જડ ધોરણોની જંજીરોને તોડી દૂર દૂર સ્વાતંત્ર્યના સુખના પ્રદેશમાં લઈ જાય છે. (10) ‘રામોઝ નેવ્યુ’ (1762) : તેમની પ્રખ્યાત મૌલિક કૃતિ : એક મનમોજી સંગીતકાર અને લેખક વચ્ચે થયેલા માર્મિક સંવાદોમાં જીવનની દુ:ખદાયક બાજુનું હૃદયંગમ ચિત્ર રજૂ થાય છે. 1732થી 1742ના ગાળામાં શરૂ કરેલી આ કૃતિ 1762માં પૂરી થઈ હતી. (11) ‘ધી ઍનસાઇક્લોપીદિ’ (1745–1772) : લેખકની 27 કે 28 વર્ષની મહેનતનું ફળ એવી આ મહાન ગ્રંથશ્રેણીમાં સમસ્ત યુગ પર અસર કરતાં અધિકરણો અને વ્યાપ્તિલેખો છે. મૂળ આધાર ‘ચેમ્બર્સ સાઇક્લોપીડિયા’ (1728) છે. મૂળ ગ્રંથમાં લેખકે એટલા બધા સુધારાવધારા કર્યા છે કે આ ગ્રંથો દીદેરોનું મૌલિક સર્જન ગણાય છે. 1750માં આ ગ્રંથોનું માહિતીપત્ર પ્રસિદ્ધ થયું. પ્રત્યેક વર્ષે એક એમ સાત ગ્રંથો પ્રસિદ્ધ થયા. આ

ગ્રંથોના લખાણ સામે નિષેધાત્મક વલણ અપનાવતા અમલદારો સાથે દીદેરોને પ્રચંડ સંઘર્ષ કરવો પડેલ. 1759માં આ ગ્રંથોનું પ્રકાશન બંધ કરવા માટે સરકારી આદેશ બહાર પડેલ. પણ સરકારી પરવાનગીની પરવા કર્યા સિવાય તેમણે પ્રથમ નજીકનાં પરગણાંઓમાં અને છેલ્લે 1766માં પૅરિસમાં છેલ્લા દસ ગ્રંથોનું પ્રકાશન કર્યું. વિભિન્ન શક્તિમતિ ધરાવતા લેખકોના સહકારથી વિશ્વકોશનું ભગીરથ કાર્ય સિદ્ધ થયું. રાજકીય અને વૈચારિક સ્વાતંત્ર્ય વિશે પ્રજા વધુ સભાન બની. જોકે રાજની એકહથ્થુ સત્તા અને ધર્મની રૂઢિચુસ્ત જડબેસલાક  પ્રણાલિકાઓને દીદેરોએ મનેકમને સ્વીકારવી પડી હતી. વળી પ્રકાશક લેબ્રેતોએે કેટલાક વિવાદાસ્પદ ફકરાઓ લેખકની જાણ બહાર રદ કર્યા. દીદેરોની જાણમાં આ હકીકત આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આથી છેલ્લા દસ ગ્રંથો અગાઉના ગ્રંથો જેટલા તથ્ય-આધારિત અને નિખાલસ વિચારનિરૂપણવાળા ન રહ્યા. સામાજિક પરિવર્તન ઉપર આ ગ્રંથોની પ્રબળ અસર છે. આ ગ્રંથો આજના વિશ્વકોશના વિકાસમાં મહત્વની કડીરૂપ છે.

વિ. પ્ર. ત્રિવેદી