દીક્ષિત, ગોવિન્દ (આશરે 1535થી 1615) : દક્ષિણ ભારતના તમિળનાડુમાં કુશળ પ્રધાનની કારકિર્દી ધરાવનારા સંસ્કૃતના વિદ્વાન કવિ. તેઓ વસિષ્ઠ ગોત્રના હતા. તેમની પત્નીનું નામ નાગમ્બા અને બે વિદ્વાન પુત્રોનાં નામ યજ્ઞનારાયણ અને વેંકટેશ્વર મખી એવાં હતાં. ચેવપ્પા, અચ્યુત અને રઘુનાથ – એ ત્રણ રાજાઓના (રાજ્યઅમલ : 1549થી 1614) તેઓ પ્રધાન હતા. તિરુનગેશ્વરમ્ અને પટ્ટેશ્વરમ્ – એ બે નગરોમાં તેઓ રહેલા. પટ્ટેશ્વરમ્માં આજે પણ તેમની સમાધિ છે અને તેમાં તેમની અને તેમની પત્નીની મૂર્તિઓ પણ છે. પ્રધાન હોવા છતાં પવિત્ર અને સાદું જીવન ગાળેલું. વેદના તમામ શ્રૌતયજ્ઞો તેમણે કરેલા. રાજનીતિ અને વહીવટમાં તેમની શક્તિ દક્ષિણ ભારતમાં કહેવતરૂપ બની છે.
અદ્વૈતવિદ્યામાં નિપુણતાને લીધે તેમને ‘અદ્વૈતાચાર્ય’ એવું બિરુદ મળેલું. વિદ્વાન હોવાની સાથે વિદ્વાનોના આશ્રયદાતા પણ હતા. અપ્પય્ય દીક્ષિત જેવા વિદ્વાનને શાંકરભાષ્ય પરની વાચસ્પતિ મિશ્રની ‘ભામતી’ પર અમલાનંદે લખેલી ‘કલ્પતરુ’ ટીકા પર અનુટીકા લખવાની વિનંતિ ગોવિન્દ દીક્ષિતે કરેલી. પોતાના રાજાઓ પાસે તેમણે અનેક દાનો કરાવેલાં અને કાવેરી નદીને કિનારે અનેક મંડપો અને સ્નાનઘાટો પણ બંધાવેલા. 75 વર્ષની વય સુધી પ્રધાન રહી સર્વસ્વનો ત્યાગ કરી કુંભકોણમાં અધ્યાત્મવિદ્યામાં નિપુણ આ તપસ્વી આત્મસાક્ષાત્કાર કરીને પરમાત્મસ્વરૂપ પામ્યા અને પરમાત્માના સ્વરૂપે જ પૂજાયા. આ ન્યાયકુશળ પ્રધાનનો પ્રભાવ એટલો હતો કે આજે પણ તેમની સમાધિ પાસે જઈને ‘પટુનુલકર’ એટલે વણકર જ્ઞાતિના લોકો પોતાના બધા ઝઘડાઓનો નિકાલ કરે છે. તેમણે પોતાના રાજાઓ વિશે ‘સાહિત્યસુધા’ નામનું મહાકાવ્ય, સંગીતશાસ્ત્ર વિશે ‘સંગીતસુધા’ નામનો ગ્રંથ અને વાલ્મીકિકૃત રામાયણના ‘સુંદરકાંડ’ પર સંસ્કૃતમાં ટીકા લખી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી