દીક્ષિત, નીલકંઠ (આશરે 1605–1680) : સંસ્કૃતના વિદ્વાન કવિ. અપ્પય્ય દીક્ષિતના નાના ભાઈ અચ્ચા દીક્ષિતના પુત્ર નારાયણના પુત્ર. તેઓ ગોવિન્દ દીક્ષિતના પુત્ર વેંકટેશ્વર દીક્ષિતના શિષ્ય હતા. ગોવિન્દ દીક્ષિતની જેમ જ તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે કુશળ પ્રધાન પણ હતા. તેમની માતાનું નામ ભૂમિદેવી હતું. વેદના બધા યજ્ઞો કરવાથી તેમને ‘મખી’, ‘અધ્વરી’, ‘યજ્વા’ અને ‘સર્વસ્વવેદી’ એવાં બિરુદો મળ્યાં હતાં. અપ્પય્ય દીક્ષિતે યજ્ઞોપવીત સંસ્કારને અંતે તેમને આપેલા આશીર્વાદ મુજબ તેઓ સર્વશાસ્ત્રવિશારદ, ઉત્તમ મહાકવિ, રાજ્યની પ્રધાન તરીકેની પદવી શોભાવવા ઉપરાંત ગમે તે શાસ્ત્રનું સ્વતંત્ર રીતે વિવરણ કરવા સમર્થ બનેલા.

તેમના શિષ્ય રામભદ્ર દીક્ષિતે તેમને સરસ્વતીનો પુરુષાવતાર કહ્યા હતા. રામભદ્ર દીક્ષિત ઉમેરે છે કે તેમની વિદ્વન્મંડળીમાં કોઈ એક જ વાર હાજર રહે તો રસભરી પદરચનાવાળી કવિતા લખતો થઈ જાય ! તેમને ‘સપ્તશતી’ પર વ્યાખ્યાન કરતા સાંભળી તિરુમલ નાયક નામના રાજા એટલા પ્રભાવિત થયા કે 15–18 વર્ષની નાની વયે તેમને 1620ની આસપાસ પોતાના પ્રધાન બનાવેલા. 1636ની આસપાસ તેમણે પ્રધાન તરીકે મદુરાઈનું પ્રસિદ્ધ મીનાક્ષીમંદિર બંધાવેલું. મંદિર બંધાઈ ગયા પછી તેના દરવાજા પર મૂકવા રાજા તિરુમલ અને તેમની રાણીની મૂર્તિ બનાવવામાં કારીગરને આપેલી સૂચનાને કારણે તેમને રાજા સાથે સંઘર્ષ થયો. સ્વમાની પ્રધાન બળતા કપૂર વડે પોતાની આંખો પૂરી અંધ બન્યા અને પ્રધાન તરીકે છૂટા થયા. એ પછી ‘આનંદસાગરસ્તવ’ની રચના દ્વારા દેવીની સ્તુતિ કરી ફરી દેખતા થયા એવી આખ્યાયિકા પ્રચલિત છે. તેઓ શ્રીકંઠ મતના અનુયાયી હતા. તેમણે રસભર્યાં કાવ્યો અને ગંભીર શાસ્ત્રગ્રંથોની રચના કરી છે. તેમાં ‘શિવલીલાર્ણવ’, ‘ગંગાવતરણ’, ‘મુકુન્દવિલાસ’ – એ ત્રણ મહાકાવ્યો, ‘નલચરિત્રનાટક’, ‘નીલકંઠવિજય’ ચંપૂકાવ્ય (રચનાવર્ષ 1637), ‘અન્યાપદેશશતક’, ‘વૈરાગ્યશતક’, ‘શાંતિવિલાસ’, ‘આનંદસાગરસ્તવ’, ‘ચંડીરહસ્ય’, ‘રઘુવીરસ્તવ’, ‘કલિવિડંબનશતક’, ‘સભારંજનશતક’, ‘શિવોત્કર્ષમંજરી’, ‘ગુરુતત્વમાલિકા’ વગેરે કાવ્યો તથા કૈયટના ‘મહાભાષ્યપ્રદીપ’ પર ‘કૈયટવ્યાખ્યાન’ જેવો વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ, ધર્મશાસ્ત્ર વિશે ‘અઘવિવેક’ અને શ્રીકંઠના તત્વમત મુજબ ‘શિવતત્વરહસ્ય’ નામની તત્વજ્ઞાનવિષયક રચનાનો સમાવેશ થાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી