દીક્ષિત, કાશીનાથ નારાયણ (જ. 21 ઑક્ટોબર 1889, પંઢરપુર, મહારાષ્ટ્ર; અ. 13 ઑગસ્ટ 1946) : ભારતીય પુરાતત્ત્વવિદ. પંઢરપુરમાં પ્રાથમિક અને સાંગલીમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.(સંસ્કૃત)ની પરીક્ષા ગુણવત્તા સહિત પસાર કરી પારિતોષિકો મેળવ્યાં. 1912માં પુરાતત્વ-ખાતામાં જોડાઈને મુંબઈ અને લખનૌનાં સંગ્રહાલયોના ક્યુરેટર તરીકે પ્રશંસનીય સેવા બજાવી. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે 1920માં નિમાયા બાદ મોહેં-જો-દડો તથા પહાડપુરના ઉત્ખનનમાં જોડાયા. 1924–25ના વર્ષનું ઉત્ખનન તેમના માર્ગદર્શન હેઠળ થયું. સિંધુ ખીણની સભ્યતા તરફ દુનિયાના પુરાતત્ત્વવિદોનું ધ્યાન દોરાવાથી, દીક્ષિતના કાર્યનું મહત્ત્વ વધી ગયું. 1937માં ડિરેક્ટર જનરલ ઑવ્ આર્કિયૉલૉજીના હોદ્દા પર તેમની નિમણૂક થઈ.
આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાનો હેવાલ, પહાડપુરના ખોદકામને લગતું તેમનું સંશોધન અને ‘મહોબાની છ શિલ્પકૃતિઓ’ ઉપરાંત તેમણે ‘એપિગ્રાફિયા ઇંડિકા’માં અનેક શિલાલેખોનું સંપાદન પ્રગટ કર્યું. 1932માં તેમણે સરકારી લિપિશાસ્ત્રી તરીકે ફરજ બજાવી. પુરાતત્વની વિવિધ શાખાઓ – લિપિ, અભિલેખ તથા સિક્કાશાસ્ત્ર– ના તેઓ પ્રકાંડ પંડિત હતા. પશ્ચિમના દેશોનાં ઐતિહાસિક સંગ્રહાલયો અને ઉત્ખનનકાર્યોના વિશેષ અભ્યાસ માટે તેમણે ઇંગ્લૅન્ડ, યુરોપના દેશો અને મેસોપોટેમિયાનો પ્રવાસ કર્યો. તેમણે ન્યુમિસ્મેટિક સોસાયટી ઑવ્ ઇંડિયાના અધ્યક્ષ તરીકે વરસો સુધી ફરજ બજાવી. સિક્કાશાસ્ત્રને લગતા અનેક લેખો તેમણે પ્રગટ કર્યા છે. સંગ્રહાલયોના અખિલ ભારતીય સંઘની તેમણે સ્થાપના કરી અને તેના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. ડૉ. હસમુખ સાંકળિયાના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રાગૈતિહાસિક પુરાતત્વ-સંશોધનનું કાર્ય કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ સાબરમતી નદીના તટના પ્રદેશમાં પ્રાગૈતિહાસિક યુગનાં માનવનાં ઓજારો તથા અવશેષો ઉત્ખનન દ્વારા શોધવામાં આવ્યાં. કોલ્હાપુરમાં બ્રહ્મપુરી ઉત્ખનનકાર્યમાં તેમનું માર્ગદર્શન મળ્યું હતું.
તેમની ઇતિહાસવિષયક સેવાઓની કદર કરીને 1943માં ઇંડિયન હિસ્ટરી કૉંગ્રેસના અલીગઢમાં મળેલા અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. મદ્રાસ યુનિવર્સિટીમાં 1935માં તેમણે આપેલાં વિદ્વત્તાપૂર્ણ ‘મેયર લેક્ચર્સ’ને કારણે તેમની પ્રતિષ્ઠા વધી. તેઓ અંગ્રેજી, મરાઠી, હિંદી, ઉર્દૂ, બંગાળી વગેરે ભાષાઓ જાણતા હતા. તેથી દરેક પ્રાંતના સંગ્રહાલય અને પુરાતત્વ વિશે તેમની પાસે આધારભૂત વિગત હતી. તેમણે નવી પેઢીના પુરાતત્વવિદો તૈયાર કર્યા હતા.
રામજીભાઈ ઠા. સાવલિયા