દીક્ષા : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્યને જ્ઞાન વગેરેનું ઉપાર્જન, સદાચારી જીવનવ્યવહાર, લોકહિતની પ્રતિજ્ઞા અને અંતે પાપનિવારણ દ્વારા મોક્ષ માટે અધિકારી કરવા થતો વિધિ. ધર્મશાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારોમાં ગણાવાયેલા, બાળકને બીજો જન્મ આપનારા તથા ગુરુ પાસેથી શિક્ષણ મેળવવા માટે લાયક બનાવનારા ઉપનયન-સંસ્કારને પણ દીક્ષા કહેવામાં આવે છે.

મીમાંસાશાસ્ત્ર અનુસાર દીક્ષણીયા નામની ઇષ્ટિ વડે કરવામાં આવતા સંસ્કારને દીક્ષા (અર્થાત્, યજ્ઞદીક્ષા) કહેવામાં આવે છે.

તંત્રશાસ્ત્ર અનુસાર ઇષ્ટદેવનો મંત્ર ગુરુ પાસેથી સાંભળીને જપ કરવા માટે ગ્રહણ કરવામાં આવે તેને દીક્ષા કહેવામાં આવે છે. આ મંત્રદીક્ષા કહેવાય. તાંત્રિકોની એવી માન્યતા છે કે દીક્ષા નિર્મળ જ્ઞાન આપે છે અને કર્મવાસનાનો નાશ કરે છે.

વેદાન્તશાસ્ત્ર અનુસાર ગુરુ પાસેથી ઇષ્ટદેવનો મંત્ર કે નિયમ અથવા વ્રત લેવામાં આવે તેને દીક્ષા કહેવામાં આવે છે. આને મંત્રદીક્ષા, નિયમદીક્ષા કે વ્રતદીક્ષા કહી શકાય. મંત્રદીક્ષામાં ગુરુ શિષ્યને કાનમાં મંત્ર કહે છે. અંતે ‘હુમ્ફટ્’ શબ્દોવાળા પુંલિંગી મંત્ર, સ્વાહા શબ્દવાળા સ્ત્રીલિંગી મંત્ર કે નમ: શબ્દવાળા નપુંસકલિંગી મંત્રમાંથી ગુરુ આવશ્યકતા મુજબના મંત્રની દીક્ષા શિષ્યને આપે છે. લાયકાતવાળા ગુરુ પાસેથી મંત્રદીક્ષા વગેરે લેવાય; પરંતુ પિતા, માતા, નાના ભાઈ, પતિ અને શત્રુ પાસેથી મંત્રદીક્ષા લેવાનો નિષેધ છે. આમ છતાં, પતિ પાસેથી પત્ની સિદ્ધ મંત્રની દીક્ષા લઈ શકે છે. શૂદ્રને પ્રણવની કે પ્રણવવાળા મંત્રની દીક્ષા અપાય નહિ, પરંતુ મહેશ્વર, દુર્ગા, ગણેશ, ગોપાલ અને સૂર્યના મંત્રની દીક્ષા આપી શકાય એવું હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે. ધર્મશાસ્ત્ર દીક્ષા અને દક્ષિણા બંનેને યજ્ઞની સ્ત્રીઓ માને છે. ભિન્ન ભિન્ન તિથિઓ, રાશિઓ, નક્ષત્રો, પક્ષો, માસોમાં દીક્ષા લેવામાં આવે તેનાં જુદાં જુદાં ફળો ધર્મશાસ્ત્ર ગણાવે છે. આમ છતાં, મહાન તીર્થમાં જઈને અથવા ગ્રહણના દિવસે દીક્ષા આપવામાં કશો વાંધો નથી. દ્રવ્ય, કાળ, ક્રિયા, મૂર્તિ અને ગુરુ – એ પાંચને દીક્ષા આપવા માટે અધિકારી માનવામાં આવ્યાં છે.

છેલ્લે, સંન્યસ્તાશ્રમમાં સંન્યાસની દીક્ષા ગુરુ પાસેથી લેવામાં આવે ત્યારે શિષ્ય સંસારની સર્વ વસ્તુઓ અને વ્યક્તિઓનો ત્યાગ કરી માથું મુંડાવી, ભગવાં પહેરે છે. તેનો મંગળ વિધિ કરવામાં આવે છે. એ પછી શમદમાદિ સંપત્તિવાળું સદગુણી જીવન જીવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સાધુ શિષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.

જૈન ધર્મમાં દીક્ષાનો અર્થ લગભગ સંન્યાસદીક્ષા જેવો જ છે. ગુરુ પાસેથી દીક્ષા લઈ, મસ્તકના વાળને હાથથી ખેંચી કાઢી, ઉપાશ્રયમાં રહી, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ત્યાગ અને પ્રામાણિકતા – એ પાંચ સદગુણો કેળવી, ઓછામાં ઓછો પરિગ્રહ રાખી, દ્રવ્યનો સ્પર્શ ત્યજી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણનો ઉદ્દેશ સાધવામાં આવે છે.

વિવિધ ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે દીક્ષાની પરંપરા વડે વિવિધ ધર્મના સ્થાપકોએ પોતપોતાના ધર્મ કે સંપ્રદાયનો પ્રસાર કર્યો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી