દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ (જ. 2 ઑક્ટોબર 1851, અમદાવાદ; અ. 13 ઑક્ટોબર 1890, અમદાવાદ) : ગુજરાતી કવિ. જન્મ અમદાવાદમાં. તેમણે 1870માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પરીક્ષા પછી એમને ક્ષય લાગુ પડ્યો એટલે આગળ ઉચ્ચ અભ્યાસની તેમની મહેચ્છા ફળી નહિ.
1880માં નોકરી અર્થે વડોદરા ગયા. દસેક વર્ષ તેમણે વડોદરામાં વિતાવ્યાં, પણ ક્ષય વધી જવાથી તેમણે નોકરી છોડી.
ભીમરાવ ભોળાનાથ દિવેટિયાએ થોડાક ગદ્યલેખો લખ્યા છે; પણ એમનું સ્મરણ કવિતાને કારણે થાય છે. એમનાં પ્રકીર્ણ કાવ્યોમાં ‘બાળલગ્નનિષેધક’ અને ‘સ્ત્રીકેળવણી’ વિશેની ગરબીઓ છે; પણ એમની એક પ્રસિદ્ધ ગરબી તે ‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ’ છે. એમના ‘લાવણ્યમયી’ કાવ્યમાં ગુજરાતની પ્રજાકીય અસ્મિતા વિશેનો ગરવો ઉદગાર છે.
ભીમરાવ દિવેટિયાએ એમની માંદગીમાં આરામ દરમિયાન 1875–76ના સમયગાળામાં એક મહત્વાકાંક્ષી ઐતિહાસિક મહાકાવ્ય રચવાનો આરંભ કર્યો. અલબત્ત, એનું પ્રકાશન એમના મરણ પછી 1897માં ‘પૃથુરાજ રાસો’ શીર્ષકથી થયું.
ગુજરાતીમાં અર્વાચીન યુગમાં નર્મદે અને દોલતરામ પંડ્યાએ મહાકાવ્યો રચવાના પ્રયાસો કરેલા. એ પછી એક નોંધપાત્ર પ્રયાસ ભીમરાવ દિવેટિયાના ‘પૃથુરાજ રાસો’માં જોઈ શકાય. દિલ્હીના છેલ્લા વીર રાજપૂત રાજવી પૃથ્વીરાજ કૃતિના વિષયના કેન્દ્રમાં છે. આ મહાકાવ્યમાં કવિની વિશેષતા એ છે કે તેમણે સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપનું પરંપરાગત માળખું એમાં સ્વીકાર્યું નથી. તેમણે પૃથ્વીરાજના જીવનની મહત્વની ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરીને વીર અને શૃંગાર રસો ખીલવ્યા છે. કરુણ રસની જમાવટમાં પણ એમની શક્તિ ધ્યાનપાત્ર બને છે. સંસ્કૃતની શૈલીએ તેમણે એમાં સુંદર અલંકારો યોજ્યા છે અને સંસ્કૃત ભાષાની છટા આણવામાં પણ તે સફળ રહ્યા છે. ભારતભૂમિનું, એની સંસ્કૃતિનું ગૌરવગાન કરતો પહેલો સર્ગ એમને એક સારા કવિ તરીકે સ્થાપી આપે તેવો છે. વર્ણનની અનોખી સમૃદ્ધિ પણ આ મહાકાવ્યના પ્રયોગમાં પારાવાર છે. પ્રતિનાયક ઘોરીના પાત્રને પણ તેઓ સારો ઉઠાવ આપી શક્યા છે. આ વીરકાવ્યનો અંત સંયુક્તાના સતીત્વમાં આવતો કરુણ છે.
એમણે કવિ કાલિદાસના ‘મેઘદૂત’નું ભાષાંતર પણ કર્યું છે. ગુજરાતીમાં સમશ્ર્લોકી અનુવાદ કરવાનો તે પહેલો પ્રયાસ છે. અનુવાદ શિષ્ટ છે, ક્લિષ્ટતા પ્રમાણમાં ઓછી છે. અલબત્ત, પ્રારંભકાળમાં રચાયેલી આ કૃતિમાં કચાશ પણ છે. આ અનુવાદનું પ્રકાશન 1879માં થયું હતું.
એમનાં ઊર્મિકાવ્યોનો સંગ્રહ ‘કુસુમાંજલિ’ (1930) મરણોત્તર પ્રકાશન છે. એમાં કવિએ દલપતશૈલી અને લોકગીતોના ઢાળો અજમાવ્યા છે. ‘દેવળદેવી’ 1875માં લખાયેલું સંસ્કૃતશૈલીનું પ્રસ્તારી નાટક નવ અંકમાં પથરાયેલું કાચું સર્જન છે. એ પણ મરણોત્તર પ્રકાશન છે.
મધુસૂદન પારેખ