દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ ત્રીજા ક્રમે હતા. રંગા રાવનું લગ્ન 1918માં થયું, 1931માં તેમનાં પત્નીનો દેહાંત થયો.
ખડતલ યુવાન દિવાકરે પોતાના વ્યાયામશિક્ષક પાસેથી મલ્લકુસ્તી અને કટારયુદ્ધની તાલીમ હાંસલ કરી. અંગ્રેજી ભાષાનું શિક્ષણ બિલ્ગીના પોસ્ટમાસ્ટર પાસેથી મેળવ્યું. દિવાકર વાચનની પ્રખર તૃષ્ણા ધરાવતા. બહુ યુવાનવયે તેમણે કાર્લાઇલ, ઇમર્સન, વર્ડ્ઝવર્થ, રસ્કિન અને ઓગણીસમી સદીના અન્ય પ્રસિદ્ધ વિચારકો અને લેખકોનાં લખાણો વાંચ્યાં હતાં. તેઓ પોતાની માતૃભાષા કન્નડમાં પણ નિપુણ હતા.
પોતાના જિલ્લાના સામાન્ય યુવાનની જેમ જ તેમણે શાળા-કૉલેજનું શિક્ષણ પ્રાપ્ત કર્યું તથા ડિગ્રીઓ અને ડિપ્લોમા મેળવ્યાં. તેઓ હુબલી (મૈસૂર રાજ્ય) ખાતે લૅમિંગ્ટન હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે સ્વદેશી આંદોલનમાં એક સ્વયંસેવક તરીકે કાર્ય કર્યું (1905–1908). આ કાળે લોકમાન્ય ટિળકને તેઓ પોતાના આદર્શ નાયક તરીકે સ્વીકારતા. જ્યારે લોકમાન્ય ટિળકને રાજદ્રોહના આરોપ સબબ સજા કરવામાં આવી (1908) ત્યારે દિવાકર વર્ગખંડ છોડી ચાલ્યા ગયા અને આ કૃત્ય માટે તેમને ચાર આના દંડ કરવામાં આવ્યો હતો, જે તેમણે સત્વર ભરી દીધો. દેશની આઝાદી માટે આ તેમનો પ્રથમ નાનકડો ભોગ હતો. ત્યારબાદ તેમણે શ્રી અરવિંદ તથા મરાઠી, બંગાળી, હિંદી અને ગુજરાતીમાં અન્ય ઉદ્દામ વિચારકો અને લેખકોનાં લખાણોનું વાચન કર્યું. તેમણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તથા કર્ણાટકના ઇતિહાસનું પણ અધ્યયન કર્યું.
દિવાકરે સ્નાતક ઉપાધિઓ માટે બેલગામ, પુણે અને મુંબઈમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને ભાષામાં તેઓ અનુસ્નાતક થયા. અને એમ.એ.ની ઉપાધિ મેળવી. તેમણે કાયદાની પરીક્ષા 1919માં આપી, પરંતુ એક વકીલ તરીકે કારકિર્દી ઘડવાની અનિચ્છાને લીધે તેમણે કાયદાની ઉપાધિ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. ત્યારબાદ તુરત જ તેમની અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ, પરંતુ કૉંગ્રેસના નાગપુર અધિવેશનને ટાણે તેમણે પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું (1920).
દિવાકર માટે આજીવિકા પ્રાપ્ત કરવાને બદલે આઝાદીની લડતમાં ભાગ લેવાનું વધારે મહત્વનું હતું. આ માટે પ્રથમ પ્રેરણા તેમને ગંગાધરરાવ દેશપાંડે અને વેંકટરાવ અલુર (કર્ણાટક) તથા લોકમાન્ય ટિળક પાસેથી મળી. રાષ્ટ્રવાદી આંદોલનના એક સાધન તરીકે દિવાકરે ‘કર્મવીર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. 1920–21ના અસહકારના આંદોલન દરમિયાન તેઓ મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા. જ્યારે કૉંગ્રેસના સુચારુ વહીવટ માટે ગાંધીજીએ કૉંગ્રેસનું પ્રાંતીય ભાષાના ધોરણે વિભાજન કરવાનું ઠરાવ્યું, ત્યારે દિવાકરે કન્નડભાષી વિસ્તાર માટે અલગ સ્વતંત્ર એકમ સર્જવા માટે આંદોલનનો આશ્રય લીધો અને તેમાં તેમને સફળતા મળી. કર્ણાટકના એકીકરણ માટેની મોતીલાલ નહેરુ સમિતિએ ‘ધ યુનાઇટેડ કર્ણાટક’(1928)ના લેખક દિવાકરને પુરાવાઓ રજૂ કરવા માટે બોલાવેલા. દિવાકર પોતાના અખબારમાં ‘સ્વતંત્ર ભારત’ અને ‘એકતંત્ર કર્ણાટક’ પર લખતા હતા. આ ઉદ્દેશોનું તેમણે જાહેર મંચ પર પણ ર્દઢ સમર્થન કર્યું. તેમણે સિરસી, સિદ્ધાપુર, અંકોલા અને હિરેકુરુર તાલુકાઓમાં ના-કરની લડતની આગેવાની લીધી (1930–31) તથા મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો (1932–34). પરિણામે તેમની મિલકત જપ્ત કરવામાં આવી તથા તેમને કારાવાસ ભોગવવો પડ્યો.
દિવાકરના રાજકીય વિચારો પર ઉપનિષદો અને ભગવદ્ગીતાની પ્રગાઢ અસર હતી. કન્નડ ભાષામાં તેમણે ‘ઉપનિષદ પ્રકાશ’ અને ‘ગીતેય ગુથી’ નામે અનુવાદ કર્યો હતો. વળી ‘વચનશાસ્ત્રરહસ્ય’ના નામે તેમણે વિરાશૈવ સંપ્રદાયના સિદ્ધાંતો તથા પોતાના ધર્મગુરુ માધવાચાર્યના દર્શનને ‘હરિભક્તિ સુધે’ના શીર્ષક નીચે પ્રસિદ્ધ કર્યાં હતાં. અન્ય રાજકારણીઓની તુલનાએ તેઓ સત્યાગ્રહને એક રાજકીય શસ્ત્ર તરીકે સારી રીતે મૂલવી શકતા હતા.
દિવાકરે વ્યક્તિગત સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો તથા કારાવાસ ભોગવ્યો હતો. ‘હિંદ છોડો’ની લડત દરમિયાન વધુ અસરકારક પ્રવૃત્તિ માટે દિવાકર ભૂગર્ભમાં ચાલ્યા ગયા તથા સરકારે તેમની ધરપકડ થઈ શકે તેવી માહિતી પૂરી પાડનારને રૂ. 5000નું ઇનામ જાહેર કર્યું હતું, પરંતુ ગાંધીજીની સલાહ અનુસાર તેઓ ભૂગર્ભવાસમાંથી બહાર આવ્યા. બહાર આવતાં તેમની ધરપકડ કરવામાં આવી તથા 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. બધા રાજકારણીઓ માટે માફી જાહેર કરવામાં આવી (1945) ત્યારે તેઓ પણ મુક્ત થયા.
આઝાદી પ્રાપ્ત થતાં દિવાકરે પોતાની જાહેર કારકિર્દીને બે પાસાંઓમાં વહેંચી નાંખી. પ્રથમ, રાષ્ટ્ર પ્રત્યેની પોતાની સેવાઓના સારતત્વ રૂપે ગાંધીચિંતનને પ્રચારવાનું – પ્રસારવાનું કાર્ય હાથ ધર્યું તો બીજી બાજુએ બધા કન્નડભાષી લોકોને એક કરીને કર્ણાટકને એકીકૃત કરવાનું કાર્ય કર્યું. આ બીજું કાર્ય તેમણે ‘સંયુક્ત કર્ણાટક’ (1935) અને ‘કસ્તૂરી’ માસિક (1947) મારફતે કર્યું. 1956માં આ ધ્યેય પાર પડ્યું તે અગાઉ તેમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કેન્દ્રીય મંત્રીપદ (1948–52), બિહારનું ગવર્નરપદ (1952–57) તથા રાજ્યસભાનું સભ્યપદ (1962–68), આ સઘળી નિમણૂકો પંડિત જવાહરલાલ નહેરુની તેમના પ્રત્યેની કૂણી લાગણીનું પરિણામ હતી, પરંતુ સંયુક્ત કર્ણાટકની રચનામાં તેમણે આપેલી સેવાઓની તે યોગ્ય કદર રૂપે હતી એમ કહેવાય.
દિવાકરનાં લખાણો ત્રણ વિભાગમાં જોવા મળે છે. ઇતિહાસ, ધર્મ અને ચિંતન તથા સાહિત્ય. ‘બિહાર થ્રૂ એઇજિઝ’ તથા ‘કર્ણાટક થ્રૂ એઇજિઝ’ આ તેમનાં ઇતિહાસનાં પુસ્તકો છે. તેમના સામયિક ‘કસ્તૂરી’માં સારું એવું સાહિત્ય જોવા મળે છે. જ્યારે અન્ય લખાણો ધર્મ અને ચિંતનના વિભાગનાં છે. આ સહુ પુસ્તકોમાં સૌથી ઉત્તમ પુસ્તક ‘સત્યાગ્રહ : તેનો ઇતિહાસ અને ટેક્નિક’ છે, જેનો અનેક યુરોપિયન ભાષાઓમાં અનુવાદ થયો છે. અમેરિકામાં તો ‘ધ પાવર ઑવ્ ટ્રૂથ’ના નવા શીર્ષક નીચે તેને ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. દિવાકરે રાષ્ટ્રીય ગૌરવપ્રદ સ્થાનો શોભાવ્યાં છે : સંયુક્ત તંત્રી, ‘ભવન્સ બુક્સ યુનિવર્સિટી સિરીઝ– ભારતીય વિદ્યાભવન, મુંબઈ. માનદ મંત્રી, ધ નૅશનલ કમિટી ફૉર ગાંધી સેન્ટિનરી. ચૅરમૅન – ગાંધી સ્મારક નિધિ તથા ગાંધી નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ, તથા પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાનું સભ્યપદ વગેરે. તેમણે 1935માં નૅશનલ લિબરેશન પબ્લિકેશન ટ્રસ્ટ શરૂ કર્યું હતું, જે તેમના અવસાન પછી ‘પીપલ્સ એજ્યુકેશન ટ્રસ્ટ’માં રૂપાંતરિત થઈ ગયું હતું.
નવનીત દવે