દિદ્દા (દશમી સદીનો ઉત્તરાર્ધ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન અભિનવગુપ્તના પૌત્ર પર્વગુપ્તથી શરૂ થયેલા કાશ્મીરના એક રાજવંશની રાજમાતા અને ક્ષેમગુપ્ત(950)ની પત્ની. લોહર પ્રદેશના રાજા ખશ સિંહરાજની આ કુંવરી મહત્વાકાંક્ષી, ખટપટી, મેધાવી અને પ્રતિભાવંત હતી. ક્ષેમગુપ્ત આઠ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો ત્યારે તેનો પુત્ર અભિમન્યુ સગીર હતો. આથી રાજમાતા દિદ્દાએ વાલી તરીકે તમામ રાજવહીવટ પોતાના હસ્તક લઈ લીધો. સ્વતંત્ર સ્વભાવની દિદ્દા રાજકાજમાં કોઈનો હસ્તક્ષેપ ચલાવી લેતી નહિ. આ કારણે મહામાત્ય ફલ્ગુણ, સેનાપતિ યશોધર વગેરેને અણબનાવને કારણે સત્તામાંથી તેણે કાઢી મૂક્યા. જોકે નરવાહન નામના અમાત્યે દિદ્દાને અમૂલ્ય સહાય કરેલી, છતાં રાજમાતાના સ્વભાવને કારણે એણે આત્મહત્યા કરેલી. ચૌદ વર્ષ રાજ્ય કરી પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો (958–972) ત્યારે દિદ્દાને આઘાત લાગ્યો અને તેથી પૂર્તધર્મનાં કાર્યોમાં વિશેષ પ્રવૃત્ત બની. અભિમન્યુનો જ્યેષ્ઠ પુત્ર નંદિગુપ્ત રાજપદનો ઉત્તરાધિકારી બન્યો, પણ રાજમાતા દિદ્દાનો અહંકાર સળવળ્યો અને રાજસત્તાની લાલસામાં નંદિગુપ્તનું કાસળ કાઢ્યું. નંદિગુપ્તનો લઘુબંધુ ત્રિભુવન રાજા થયો. તેના પણ એવા જ હાલ થયા. તેના પછી તેનો નાનો ભાઈ ભીમગુપ્ત ગાદીએ આવ્યો. પાંચ વર્ષમાં તેનું નિકંદન નીકળ્યું. આથી રાજમાતા દિદ્દાએ તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી અને ગાદીએ બેઠી (980). વૃદ્ધાવસ્થાને કારણે દિદ્દાએ ઉત્તરાધિકાર ભત્રીજા સંગ્રામરાજને સોંપ્યો. ઈ.સ. 1003માં તે મૃત્યુ પામી તે સાથે પર્વગુપ્તના વંશનો અંત આવ્યો અને લોહરવંશની સત્તા પ્રવર્તી.

રસેશ જમીનદાર