દાસ, સૂર્યનારાયણ

March, 2016

દાસ, સૂર્યનારાયણ (જ. 1908, દશરથપુર, ગંજમ જિલ્લો) : ઊડિયા લેખક. પિતા શાળામાં શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન એટલે નાનપણથી જ પિતા દ્વારા સંસ્કૃત સાહિત્યનો પરિચય થયેલો. 1946માં એમણે ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી ઊડિયા સાહિત્ય લઈને એમ.એ.ની પરીક્ષા પસાર કરી અને વિશ્વવિદ્યાલયમાં એ પરીક્ષામાં પ્રથમ આવ્યા. એમનો રુચિનો વિષય સંશોધન હતો. એ એમ.એ. થઈ પત્રકારત્વમાં જોડાયા અને એમાં એમણે ત્વરિત અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. 1931માં એ યુનાઇટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયામાં જોડાયા. 1945થી 1965 સુધી ઉત્કલ પત્રકાર પરિષદના પ્રમુખ રહ્યા. એમણે ભિન્ન ભિન્ન વિષયો પર લખ્યું છે, સંશોધન ઇતિહાસ, સાહિત્યવિવેચન, ચરિત્રલેખન, ભાષ્ય ઇત્યાદિ. એમણે ‘ઊડિયા સાહિત્યર ઇતિહાસ’ ચાર ભાગમાં લખેલો છે. એ ગ્રંથ માટે એમને 1967માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી તથા 1969માં ઊડિયા સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયા છે. એમણે લગભગ 80 પુસ્તકો લખ્યાં છે. જેમાં રાજા રામમોહનરાય, નિંબાર્ક અને રામાનુજનાં જીવનચરિત્રો, ઊડિયા સાહિત્યકારો મધુસૂદન દાસ તથા ગોપબંધુ દાસ અને કવિ રાધાનાથનાં જીવન અને સાહિત્ય પર વિવેચનગ્રંથો, ‘ઉન્નીસ શતાબ્દીર ઓરિસા’માં ઓરિસાનું સર્વાંગી સર્વેક્ષણ, ‘ઊડિસાર સ્વાધીનતાસંગ્રામર ઇતિહાસ’માં સ્વાધીનતાસંગ્રામમાં ઓરિસાનું યોગદાન, ‘જગન્નાથ મંદિર ઓ જગન્નાથ તત્ત્વ’ માં જગન્નાથના મંદિરનું વૈશિષ્ટ્ય, ‘ઊડિસા સિપાઈ વિદ્રોહર ઝલક’માં 1857ના સ્વાધીનતાસંગ્રામમાં ઓરિસાનું યોગદાન અને ‘ભાષાબોધ એવમ્ ઊડિસા વ્યાકરણ’માં વ્યાકરણવિષયક ચર્ચા છે. આમ, એમનું સાહિત્ય એક તરફ જેમ વિપુલ છે, તેમ બીજી તરફ વૈવિધ્યવાળું છે. સંશોધક તરીકે ઊડિયા સાહિત્યમાં એમનું સ્થાન ઘણું ઊંચું છે.

ચન્દ્રકાન્ત મહેતા