દાસ, સારલા

March, 2016

દાસ, સારલા (જ. પંદરમી સદી, સારલાદેવીના મંદિર પાસેના કનકપુર ગામમાં, જિ. કટક) : ઊડિયા લેખક. ઊડિયા સાહિત્યના આદિ કવિ. તે ઊડિયા ભાષાને સુષ્ઠુ આકાર આપનાર શૂદ્રમુનિ તરીકે જાણીતા હતા. એમનાં માતાપિતાનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. એમનું મૂળ નામ સિદ્ધેશ્વર પડિદા હતું પણ એમણે સારલાદેવીની આરાધના કરી. દેવી એમની પર પ્રસન્ન થયાં ને એમને એમનું નામ સારલા દાસ રાખવાનો આદેશ આપ્યો હતો, એવી અનુશ્રુતિ છે.

સારલા દાસની પૂર્વે ઊડિયામાં બુદ્ધગાન તથા દોહા પ્રચલિત હતાં તેમજ સિદ્ધ સંપ્રદાયનાં દોહા તથા ગીતો હતાં પણ એમાં અપભ્રંશ ભાષાનું મિશ્રણ હતું આથી જ સારલા દાસને ઊડિયાના આદિ કવિ તથા ઊડિયા ભાષાને એનું આગવું સ્વરૂપ આપનાર કવિ તરીકે ઓળખાવાય છે.

સારલા દાસની રચનાઓ છૂટીછવાઈ મળતી હતી. ઊડિયા સરકારે રાજ્યની સાહિત્ય અકાદમી દ્વારા, એમની કૃતિઓનું સંશોધન કરીને પ્રસિદ્ધ કરી છે.

એમની કૃતિઓમાં ‘વિચિત્ર રામાયણ’નું જુદી જુદી હસ્તલિખિત પ્રતો પરથી ડૉ. સચ્ચિદાનંદ મિશ્રાએ સંપાદન કરીને 1980માં પ્રગટ કરેલ છે. એમાં રામાયણના ઉત્તરકાંડની – સીતાત્યાગથી માંડીને સીતાના ભૂમિપ્રવેશ સુધીની – કથા છે. કથામાં સ્થાનિક રંગો પણ પુરાયા છે અને એમાં કવિના સમકાલીન ઓરિસાના જીવનની ઝાંખી થાય છે.

એમની બીજી કૃતિ ‘મહાભારત’ છે. જેનું સંશોધન-સંપાદન આર્તવલ્લભ મહન્તીએ કર્યું છે. ‘મહાભારત’ 18 ગ્રંથોમાં પ્રગટ થયેલું છે. કથા મૂળ સંસ્કૃત મહાભારતને આધારે હોવા છતાં કથા દ્વારા તત્કાલીન ઓરિસાના સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનનો યથાર્થ પરિચય એમાંથી મળી રહે છે.

એમની ત્રીજી કૃતિ ‘ચંડીપુરાણ’ની સંશોધિત આવૃત્તિ કૃષ્ણચન્દ્ર શાહુ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. તે 1984માં પ્રગટ થઈ છે. એમાં દેવી ભાગવતને આધારે મહિષાસુર વધની કથા વિસ્તારથી કહી છે. દેવી ભાગવતની બહુ નાની કથાઓનો વિસ્તાર કરી કવિએ એને બૃહદ્રૂપ આપ્યું છે. કેટલાકને મતે સારલા દાસ શાક્ત હતા. એમણે આ કથામાં એમની  કલ્પનાને યથેચ્છ વિહરવા દીધી છે.

એમની ચોથી કૃતિ ‘લક્ષ્મીનારાયણ’માં ચયનિકા, લક્ષ્મી અને નારાયણનાં સ્તુતિ તથા મહિમાગાન છે.

આમ સારલા દાસે વિપુલ પ્રમાણમાં કાવ્યસર્જન કરીને ઊડિયાના  પ્રાચીનકાલીન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે તથા ઊડિયા ભાષાને સાહિત્યિક ભાષા તરીકે ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા