દાસ, વિજયકુમાર

March, 2016

દાસ, વિજયકુમાર (જ. 1947, કટક) : ઊડિયા લેખક. ઉત્કલ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.. પ્રથમ વર્ગમાં 1972માં ઉત્તીર્ણ થયા અને પછી નૅશનલ બુક ટ્રસ્ટમાં સહસંપાદક તરીકે જોડાયા. એમણે કૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવા માંડેલી અને ત્યારે જ ઉદીયમાન કવિ તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ અંગ્રેજીમાં પણ કાવ્યો લખે છે જે અંગ્રેજી સામયિકોમાં પ્રગટ થતાં રહે છે. એમનાં કાવ્યો ઉપરાંત વાર્તાઓના સંગ્રહો પણ પ્રગટ થયા છે. એમનો કાવ્યસંગ્રહ ‘અવલોકન’ 1972માં ઓરિસા સરકાર તરફથી પુરસ્કૃત થયો હતો. એમની એ કવિતામાં આધુનિક માનવજીવનની જટિલતા દર્શાવાઈ છે. એમાં 32 કાવ્યો છે. એ કાવ્યોમાં એમણે સાંપ્રતકાલીન સંવેદના સૂક્ષ્મતાથી ગ્રહણ કરેલી પ્રતીત થાય છે. એ પ્રક્રિયા બૌદ્ધિક સ્તરથી વિશેષ કવિની સરલ અનુભૂતિ બની ગઈ છે. એમાં અનેક પ્રકારનાં દ્વંદ્વો તથા સંઘાતથી પીડિત કવિમાનસ ર્દષ્ટિએ પડે છે. એ દ્વંદ્વ ફક્ત કવિનું જ નથી પણ આધુનિક માનવ અને સાંપ્રત યુગનું દ્વંદ્વ બને છે. યુગચેતના પોતાની મુક્તિયત્ન માટે કરે છે. કવિ પૂછે છે : ‘શું અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી નીકળી શકશે ?’ એમાં અસહાય શૂન્યતાનો બોધ તથા નિ:સંગતતાની અનુભૂતિ છે, તથા સ્વપ્નભંગની હતાશા છે. એમના વાર્તાસંગ્રહો ‘સાયુજ્ય માનસ’ તથા ‘ઉત્તરાધિકાર’માં પણ આધુનિકતાના, મનોવૈજ્ઞાનિકતાના તથા આધુનિક વાર્તાશૈલીનાં દર્શન થાય છે.

ચન્દ્રકાન્ત મહેતા