દાશ, કેશવચંદ્ર (જ. 6 માર્ચ 1955, હાટાશાહી, ઓરિસા) : ઓરિસાના બહુભાષાવિદ વિદ્વાન, દાર્શનિક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઈશા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ફિલ્મ દિગ્દર્શન અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગનો અભ્યાસ તેમણે કર્યો છે. તેમનાં પુસ્તકોની સંખ્યા 40થી અધિક છે અને સંશોધનપત્રો અને લેખો તેમના પ્રગટ થયાં છે.
તેમણે દર્શન તથા ભાષા-વિજ્ઞાન સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ પાણિનિ-વ્યાકરણમાં ડી.લિટ. અને આચાર્ય થયા છે. તેમના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓ એમ.ફિલ. અને પીએચ.ડી. થયા છે અને તેમના માર્ગદર્શન હેઠળ ડી.લિટ.ની પદવી માટે પણ વિદ્યાર્થીઓ કાર્ય કરે છે. તેઓ પુરીમાં શ્રી જગન્નાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ન્યાયદર્શનના રીડર છે. તેમણે ફ્રેન્ચ અને જર્મન ભાષાઓમાં પણ ડિપ્લોમા મેળવ્યા છે.
આજ સુધીમાં તેમની 33 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં શોધ-ગ્રંથ, નવલકથા, વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ અને બાલ-કથાસાહિત્યનો સમાવેશ થાય છે. તેમને દેશ અને વિદેશનાં અનેક સન્માનો એનાયત થયેલાં છે. તેમાં ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશનનો સર્વશ્રેષ્ઠ પટ-કથાલેખન પુરસ્કાર, ડૉ. વી. રાઘવન પુરસ્કાર તથા મેરીલૅન્ડ, અમેરિકાનો ઇન્ટરનેશનલ સોસાયટી ઑવ્ પોએટ્સ પુરસ્કાર મુખ્ય છે.
તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘ઈશા’માં વિચારો અને ભાવોનું સુખદ મિશ્રણ જોવા મળે છે. ઉપનિષદલક્ષી વિશ્વદર્શન અને ભારતીય પરંપરાનું તલસ્પર્શી ચિત્રાંકન, અર્થપૂર્ણ અલંકારોનો યુક્તિપૂર્વક ઉપયોગ અને છંદોબદ્ધ પ્રકરણોના આકર્ષક વિનિયોગને લીધે સંસ્કૃતમાં લખેલી આ કૃતિ ભારતીય કાવ્યસાહિત્યમાં એક અનોખું પ્રદાન છે.
બળદેવભાઈ કનીજિયા