દાવલે, શંકર લક્ષ્મણ

March, 2016

દાવલે, શંકર લક્ષ્મણ [જ. 5 જુલાઈ 1933, મહુ (Mhow) મ. પ્ર.; અ. 29 એપ્રિલ 2006, મહુ (Mhow)] : ભારતના હૉકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપર. 1955થી 1966 સુધી તેમણે સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું હૉકીમાં પ્રતિનિધિત્વ કરેલું. 1955માં ભારતીય લશ્કરની ટીમ વતી તેમણે હૉકીની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને શરૂઆતમાં જ ‘શ્રેષ્ઠ ગોલકીપર’ તરીકે નામના મેળવી હતી. 1955માં વોર્સો મુકામે આયોજિત આંતરરાષ્ટ્રીય યુવક મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1956માં મેલબર્ન અને 1960માં રોમના ‘ઑલિમ્પિક રમતોત્સવ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1956માં ભારતે હૉકીમાં સુવર્ણ અને 1960માં રજતચંદ્રક મેળવ્યો હતો. 1964માં ટોકિયો મુકામે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ ભારતીય ટીમના ઉપકપ્તાન નિમાયા હતા અને તેમની નેતાગીરી નીચે ભારતે ફરીથી હૉકીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. 1958માં ટોકિયો મુકામે અને 1962માં જકાર્તા મુકામે આયોજિત એશિયન રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1966માં બૅંગકૉક મુકામે આયોજિત એશિયન રમતોત્સવમાં ભાગ લેનાર ભારતીય હૉકી ટીમના કપ્તાન નિમાયા હતા અને તેમના સફળ નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ હૉકીમાં ‘સુવર્ણચંદ્રક’ મેળવવામાં સફળ રહી હતી.  તેઓ લશ્કરમાંથી માનદ કૅપ્ટનના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા. 1984માં તેઓ ભારતીય જુનિયર હૉકી ટીમના પ્રશિક્ષક (coach) નિમાયા હતા. હૉકીમાં તેમના શ્રેષ્ઠ દેખાવને આધારે ભારત સરકાર તરફથી રમતગમતક્ષેત્રનો સર્વોચ્ચ ‘અર્જુન ઍવૉર્ડ’ 1964માં એનાયત કરવામાં આવ્યો હતો.

આજદિન સુધી શંકર લક્ષ્મણ જેવો ગોલકીપર ભારતીય ટીમને મળ્યો નથી. આજે પણ  તેમની ગણના ભારતનાં જ નહિ પણ વિશ્વના શ્રેષ્ઠ ગોલકીપરોમાં થાય છે.

પ્રભુદયાલ શર્મા