દારૂવાલા, કેકી એન. (જ. 24 જાન્યુઆરી 1937, લોની, બુરહાનપુર) : અંગ્રેજીમાં લખતા કેન્દ્રીય લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘ધ કીપર ઑવ્ ધ ડેડ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1958માં તેઓ ભારતીય પોલીસ–સેવામાં જોડાયા. પછી વડાપ્રધાનના ખાસ મદદનીશ બન્યા પછી કૅબિનેટ–સચિવના પદે પહોંચ્યા. વિભાજન પછી પંજાબ છોડ્યું. ભણવાનું વિવિધ સ્થળે થયું. સરકારી નોકરીમાં જોડાયા અને 1980–81માં તેઓ મુલાકાતી ફેલો તરીકે ઑક્સફર્ડ ગયા.
બહુમુખી અને નૈસર્ગિક પ્રતિભા ધરાવતા આ સર્જકે આ પુરસ્કૃત પુસ્તક ઉપરાંત જે 4 કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમનાં નામ છે – ‘અંડર ઑરિયન’ (1970), ‘ઍપરિશન ઇન એપ્રિલ’ (1971), ‘ક્રૉસિંગ ઑવ્ રિવર્સ’ તથા ‘વિન્ટર પોએમ્સ’. તેમણે ‘સૉર્ડ ઍન્ડ ઍબિસ’ નામે એક વાર્તાસંગ્રહ પણ આપ્યો છે. તેમણે સાહિત્યિક વિવેચનના અનેક લેખો લખ્યા છે અને કેન્દ્રીય કવિતાના અંગ્રેજી સંચયોનું સંપાદન પણ કર્યું છે.
વસ્તુનું વૈવિધ્ય, કલ્પનાસૃષ્ટિની તાર્દશતા અને ઉત્કૃષ્ટ સંવેદનશીલતા પુરસ્કૃત કાવ્યસંગ્રહની વિશિષ્ટતાઓ છે. એમની ‘લવ એક્રૉસ ધ સૉલ્ટ ડૅઝર્ટ’ પરથી ‘રેફ્યુજી’ ફિલ્મ બની છે. NCERTના બારમાં ધોરણના અભ્યાસક્રમમાં મુકાઈ છે. 2009માં એમની પહેલી નવલકથા ‘ફૉર પેપર ઍન્ડ ક્રિસ્ટ’ પ્રસિદ્ધ થઈ હતી. 2014માં એમને કેન્દ્રસરકારે ‘પદ્મશ્રી’ એનાયત કર્યો છે.
મહેશ ચોકસી