દારાંગ : આસામ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : 25° 30’ ઉ. અ. અને 89° 30’ પૂ. રે.. તેનું વહીવટી મથક મંગલડોઈ છે. તેનો કુલ વિસ્તાર 3,481 ચોકિમી. છે. વસ્તી : 9,08,090 (2011). દારાંગની ઉત્તર સરહદે અરુણાચલ પ્રદેશ અને ભુતાન, પશ્ચિમે કામરૂપ પ્રદેશ તથા પૂર્વ બાજુએ તેજપુર આવેલું છે. ગુઆહાટીથી તે 80 કિમી.ના અંતરે આવેલું છે. આ જિલ્લો બ્રહ્મપુત્ર નદીના પ્રદેશમાં આવેલો છે. અહીંથી કાઝીરંગા નૅશનલ પાર્ક નજીક છે. આ જિલ્લાની મુખ્ય પેદાશ ચા છે. અહીં પહાડીઓ પર ચાના બગીચા વિકસ્યા છે. આ ઉપરાંત શણ તથા ડાંગરનો પાક પણ લેવાય છે.

નવેમ્બરથી માર્ચ સુધી અહીં એક મેળો ‘ગ્રામહાટ’ ભરાય છે, જેમાં ભુતાનથી ભોટિયાઓ કલાકારીગરીની અનેક ઉપયોગી વસ્તુઓ અને વસ્ત્રો વેચવા આવે છે. આ મેળામાં આસામની અનેક વસ્તુઓની પણ આપ-લે થાય છે.

ગિરીશ ભટ્ટ