દાન અલગારી : જગતથી જુદી અને અનોખી દૃષ્ટિનું દર્શન કરાવનાર સંત. ઘણા લોકો અલપઝલપ મળે તોપણ ઊંડી છાપ મૂકીને જતા હોય છે. દાન અલગારીનું વ્યક્તિત્વ કંઈક આવું જ હતું. દાન જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વમાન સાચવીને ખુમારીથી જીવ્યા. ભારતની લોકસભાના માનનીય સભ્યશ્રી પુરુષોત્તમ રૂપાલા અને મરમી સાહિત્યકાર દોલતભાઈ ભટ્ટ દાન અલગારીના હંમેશના હોંકારા સમાન હતા. આ બંને મહાનુભાવો ઉપરાંત અનેક દાનના ચાહકો હતા અને તેનો મોટો હરખ તે જ દાન અલગારીની જીવન મૂડી હતી. સંત શ્રી મોરારિબાપુની સતત વહેતી લાગણી દાનના જીવનનો સંતોષ હતો. સ્વયમ્ બળીને જગતને ઊજળું કરવાની દાનની હંમેશની નેમ હતી આથી તેઓ લખે છે :
સબસે દિયા અનુપ હે
દિયા કરો સબ કોઇ
ઘરમેં ઘરાં ન પાઇએ
જો કર દિયા ન હોય.
દાન અલગારીની જગતથી જુદી અને અનોખી દૃષ્ટિનું દર્શન આ તેમણે જ ટાંકેલા એક દોહામાં થાય છે. દીવો શ્રેષ્ઠ છે માટે સૌએ જીવનના પંથે દીવો પેટાવવો. દીવાના આ પાવનકારી અજવાળાથી જ સઘળું ઝળાંહળાં થશે. આવા પ્રકાશ થકી જ પોતાના ઘરનું અને જગતનું દર્શન થશે. દાન કહે છે કે દીવાના અજવાળા ઉપરાંત ‘દિયા કરો’ એ વાતનો સંબંધ આપવા સાથે પણ જોડી શકાય. દેતા રહો – કોઇકને કંઈક આપતા રહો. જેને દેવાની આદત નથી એને માણસ કેમ કહેવો તેનો પ્રશ્ન ઉઠાવીને દાન પોતાની જ અંતરની ચેતનાનો જાણે વિસ્તાર કરે છે. દાન અલગારીની આ વાતના સંદર્ભમાં ભગતબાપુની અમર થવા માટે સર્જાયેલી યાદગાર પંક્તિઓ સ્મૃતિમાં આવે છે. બાપુ લખે છે :
માડી તારી દયાનો દીવડો રે જીવડો કાગનો ,
કોઈના કેડાને અજવાળી ઓલવાઈ જાઉં રે …
સાહિત્યસૃષ્ટિના ‘‘દાન અલગારી’’ જેવા વિદ્યાના ઉપાસક અને જાણતલ આપણી વચ્ચેથી અચાનક જ લાંબા ગામતરે ગયા તેનો આઘાત અનેક સાહિત્યપ્રેમીઓએ હાડોહાડ અનુભવ્યો હતો. તખતદાન રોહડિયા નામધારી આ કવિને જગત દાન અલગારી તરીકે ઓળખે છે અને ચાહે છે. કવિ આ જગતમાં રહેતા હોવા છતાં જાણે આ દુનિયાના માણસ જ ન હતા. રાજકોટ ખાતે હેમુ ગઢવી હૉલમાં તા.28/12/2017ના રોજ પૂ. મોરારિબાપુની પ્રેરણાથી તથા બાપુની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં દાન-પ્રેમી ભાવકો મળ્યા. દાનને અંતરથી શ્રદ્ધાંજલિ આપતાં અનેક આંખો ભીની થઈ. પૂ. બાપુએ દાન અલગારીને ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં. દાન અલગારી તરફ અનેક સાહિત્યપ્રેમીઓએ દર્શાવેલો સ્નેહ ભાગ્યે જ જોવા મળે તેવી ઘટના છે. જગતે જે અનેક ચીજોને બાતલ ગણી – નિરર્થક ગણી તેવી બાબતોને જીવનમાં સ્વેચ્છાએ સામિલ કરીને દાન થોડું નોખું તથા નિરાળું જીવતર જીવી ગયા. એમના જીવનનું ગણિત જાણે કે જુદું જ હતું. જગતના બંધારણમાં બાંધી શકાય તેવા આ ‘દાન’ ન હતા. કવિ કલાપી કહે છે તેમ તેઓ તો ખાકની મુઠ્ઠી ભરીને હરખી જનારા હતા.
જહૉંથી જે થયું બાતલ
અહીં તે છે થયું શામીલ
અમે તો ખાકની મુઠ્ઠી ભરી
રાજી થનારાઓ.
દાન અલગારી જીવનની અનેક વિષમતાઓ વચ્ચે પણ દુષ્કાળમાંયે ડૂકે નહિ તેવી અનેરી મોજનું દર્શન કરી – કરાવીને ગયા. જીવન મળ્યું છે તે તો કુદરતની અમૂલ્ય દેન છે. આથી આ જીવતર તો મોજનો – આનંદનો દરિયો છે તેવો સંદેશ કવિ દાન અલગારીની નીચેની અમર થવા સર્જાયેલી રચનામાં ધબકતો દેખાય છે. અલખ ધણીની ખોજનું મૂળ એ તો મોજમાં – મસ્તીમાં રહેલું છે તેવી કવિની વાત અનેક લોકોએ ખોબે અને ધોબે વધાવી લીધી છે.
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે
ગોતવા જાવ તો મળે નહિ ગોત્યો ગહન ગોવિંદો રે
ઈ હરિભક્તોના હાથવગો છે પ્રેમ પરખંદો રે,
આવા દેવને દીવો કે ધૂપ શું દેવો
દિલ દઈ દેવું રે.. મોજમાં રેવું..
રામકૃપા એને રોજ દિવાળીને રંગનાં ટાણાં રે
કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે
કહે અલગારી કે આળસુ થઈ નથી
આયખું ખોવું રે.. મોજમાં રેવું.. મોજમાં રેવું.
આપણાં લોકસાહિત્યનું આકર્ષણ સમગ્ર સમાજને નિરંતર રહેતું આવેલું છે. તેમાં કદી ઓછપ આવી નથી. લોકસાહિત્ય અને લોકસાહિત્યના વાહકો તરફ લોકોને આજે પણ અગાધ સ્નેહાદર છે તે બાબત થોડા મહિનાઓ પહેલાં બગસરામાં થયેલી મેઘાણીને કેન્દ્રમાં રાખીને થયેલી રામકથામાં જોવા મળી.
તળના આ સાહિત્ય સાથેનો લોકોનો લગાવ વધતો હોય તેમ પણ જણાય છે. આમ થવાનાં અનેક કારણો હશે તેમ માની શકાય. આવાં કારણો પૈકી એક મહત્ત્વનું કારણ આ સાહિત્યના સમર્થ વાહકો છે. દરેક સમયે લોકસાહિત્યની રસલ્હાણ કરનારા મર્મી કલાકારો આપણે જોયા છે અને તેમની કળાને આકંઠ માણી છે. કવિ શ્રી કાગ અને મેરુભાબાપુથી માંડીને હેમુ ગઢવી તથા લાખાભાઈ ગઢવી (જાંબુડા) સુધીના સ્વનામધન્ય કલાકારોએ લોકસાહિત્ય – ચારણી સાહિત્યના ધોધમાર પ્રવાહને લોકદરબારમાં વહાવ્યો છે. આવા મીઠા અને મર્મી સર્જક – સાહિત્યકારોને જગતે ખોબે અને ધોબે વધાવ્યા છે. સૌરાષ્ટ્રની રસધારમાં સમાવવામાં આવેલી તેમજ તે સિવાયની મેઘાણીભાઈની અનેક સંપાદિત તથા સ્વરચિત રચનાઓ હતી. દરેક રચનાઓના સ્વરૂપ તથા સુગંધ અલગ તથા આગવાં હતાં. આ રચનાઓને હેમુ ગઢવીનો કામણગારો કંઠ મળ્યો અને તેથી સાહિત્ય સરવાણીનો પ્રવાહ ક્યારે પણ ઝાંખો પડ્યો નથી તે નોંધપાત્ર બાબત છે. નૂતન યુગના અનેક યુવાન કલાકારોએ પણ પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. ભીખુદાનભાઈ (જૂનાગઢ) જેવા અનુભવોથી સમૃદ્ધ તથા સમર્થ સરસ્વતી સાધકની ઉપાસનાનો ઊજળો પ્રતિસાદ ભારત સરકારે પણ આપેલો છે. ભીખુદાનભાઈને તેમજ કવિ શ્રી દાદને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા તે વાત ફરી એક વખત આ સાહિત્યની તથા તેના વાહકોની ગુણવત્તાની તેમજ સંસ્કારિતાની શાખ પૂરે છે. ભાઈ તખતદાન રોહડિયા આ ઊજળી આકાશગંગાના જ એક ઝળહળતા સિતારા સમાન છે. અલગારી દાનની સાહિત્યસેવા અનોખી છે તથા અલગ મિજાજ ધરાવે છે. દાનની એક વિશિષ્ટ શૈલી હતી. જાહેર કાર્યક્રમોમાં મંચ પર તેઓ જેટલા ખીલતા હતા તેટલી જ અસરકારકતાથી તેઓ સાહિત્ય મર્મીઓના નાના એવા ઘર ડાયરે પણ મહોરી ઊઠતા હતા. અલગારી દાન ‘‘મેમાન’’ થાય તેની રાહ ઘણા લોકો જોતા હતા. દાન જેવા રંગદર્શીઓનાં તો તળિયાં તપાસીએ તો જ તેમની ભવ્યતાનો ખરો ખ્યાલ આવી શકે. કથનના મર્મી રામજી વાણિયા લખે છે તેમ જો આવા ચરિત્રોને ઉપરછલ્લી કે બાહ્ય રીતે જોઈને તેમના વિશે અભિપ્રાય બાંધીશું તો તેવી માન્યતામાં તળનાં દર્શન – ખરાં દર્શન હશે નહિ.
જળ ખારાં જાણી કરી
મરજીવા ફેરવીશ નહિ મોં,
અમારાં તળિયાં તપાસી જો
તને કુબેર કંગાળ લાગશે.
દાન અલગારી સંબંધોની મૂડી તથા સજ્જનોની હૂંફ મેળવીને અલગારી આયખું જીવી ગયા. નાગેશ્રીના સુરગભાઈ વરુ તથા તેમના સુપુત્ર પ્રતાપભાઈ વરુ તથા તે વિસ્તારના સમગ્ર કાઠી ડાયરાના સ્નેહથી દાન ભીંજાતા રહ્યા. અનેક સાહિત્યપ્રેમીઓને ‘‘હમણાં દાન દેખાયા નથી’’ તેવી ફરિયાદ કરતા સાંભળ્યા છે. અચાનક દાન અલગારી મળે ત્યારે આવા સ્નેહીઓને અષાઢી મેઘની વાદળીનાં દર્શન થયાં હોય તેવો ભાવ થતો હતો. સંબંધોની આ મૂડી ઊભી કરવી અને તેને જીવન પર્યંત સાચવવી તે કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આમ થવા પાછળનું એક કારણ કદાચ એવું પણ હોઈ શકે કે દાન અલગારી નામની આ હસ્તીને બરાબર ખબર હતી કે તે શબ્દના સોદાગર છે. એ જે કરે છે તે તો હીરાનો વેપાર છે. આથી જ ભગતબાપુએ લખ્યું છે તેમ દાને કદી ‘‘બકાલીને બાર’’ જઈને શબ્દનો અસબાબ ખુલ્લો કર્યો નથી. હીરાના આ વેપારીને તેના ઝવેરીઓ તરફ આજીવન શ્રદ્ધા રહી હતી. આવા ઝવેરીઓએ તેમની પરખ પણ સુપેરે કરી જાણી છે.
અલગારી દાને જે ઊજળા આંગણે જઈને પોતાના હૈયાની ઊર્મિ વહાવી છે તેમાં હેતુ વિનાના હેતનું દર્શન થાય છે. સૌરાષ્ટ્રમાં એવી કેટલીયે દેહાણ જગાઓ છે જે આજે પણ ઊજળી વિરાસતનો ગઢ સાચવીને બેઠી છે . એક અનોખી તથા આગવી પરંપરાને સાચવીને ઝળહળી રહેલી દાન મહારાજની દોઢીએ કવિની દિલની મોજ સહેજે છલકાય છે. કવિને આ જગાના જ્યોર્તિધરોની ટુકડો આપીને હરિને ઢૂકડો કરવાની પરંપરાનું ભારે ગૌરવ છે. ચલાળાના આંગણે ઊગેલા તથા મહોરેલા આંબાને કવિ વધાવે છે.
ટુકડો આપીને ઢૂકડો કીધો
અવિનાશીને એણે રે
અલગારી કહે આંચ ન આવે
નીરખ્યાં દેવળ જેણે રે..
સર્જક ક્યારેક કાળના કપરા પ્રવાહમાં મૂંઝારો પણ અનુભવતો હોય છે. સાધન સગવડ ભલે કદાચ ઓછાં હોય તોપણ સર્જકને – કવિને તેનો રંજ નથી. પરંતુ ‘‘વાત માંડવાનાં ઠેકાણાં’’ જ્યારે ઓછાં થતાં જાય ત્યારે કવિની વેદના તેના શબ્દોમાં પ્રગટી જાય છે.
ખૂટી ગયા છે ખલકમાં
સમજુ ને શાણા
નબળાને કેવાય નહિ
રીડ રુદીઆ રાણા.
પરવારી ગયા પુન્યને
કરમનાં કાણાં
એના દલને ઓરતા
રયા રુદિયા રાણા.
મરદ પટાધર નો મળ્યા
ન રળ્યાં નાણાં
અલગારીને આટલી
રાવ રુદિયા રાણા.
દાન અલગારીની એક ઓળખ એ તેમનો સ્વમાની સ્વભાવ છે. કવિ કોઈને ઉતાળવે નમી પડે તેવા નથી. સામા પૂરે તરવાની હામ હૈયામાં સાચવીને તેઓ જીવ્યા છે. આમ છતાં નમન કરવાનાં ઠેકાણાં પણ કવિએ હૈયાઉકલતથી તથા અંતરની શ્રદ્ધાથી બરાબર પારખ્યાં છે. આથી જ કવિ સાળંગપુરના દેવને સહેજમાં જ નમી પડે છે.
સાળંગપુરના દેવ સત્ય છો
સાંભળજો આ વાતલડી
કષ્ટભંજન તમે દુ:ખડાં કાપો
અરજી છે બસ આટલડી
અમે ગુણ શું ગાઈ તમારા
જીભ અમારી પાતલડી
દાન અલગારી નામ અમારું
કવિ અમારી જાતલડી.
દાન અલગારી સદેહે આપણી વચ્ચે રહ્યા નથી તે ગમે નહિ તેવી વાસ્તવિકતા છે. છતાં એ વાતનો વિશ્વાસ પણ છે કે દાન તેમનાં મોંઘાંમૂલાં સર્જનો થકી આપણી વચ્ચે કાયમ જીવતા અને ધબકતા રહેવાના છે. કાળના વહેતા પ્રવાહમાં તેમનું વ્યક્તિત્વ ઝાંખું પડે તેવું નથી. ભર્તૃહરી મહારાજે કહેલું છે તેમ કવિઓ – સર્જકો જરા – મરણના ભયને પરાજિત કરીને ગયેલા છે.
જયન્તી તે સુકૃતિનો
રસસિદ્ધા: કવિશ્વરા:
નાસ્તી યેશાં યશ: કાયે
જરા મરણજં ભયમ્.
વસંત ગઢવી
