દાન : ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે. ‘યોગકૌસ્તુભ’ મુજબ ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે યોગ્ય ધનને વિધિપૂર્વક શ્રદ્ધાથી સત્પાત્રને આપવાની ક્રિયાને દાન કહેવાય.

દાનનો સંબંધ ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાન બંને સાથે છે. છેક ઋગ્વેદમાં દાનસ્તુતિનાં સૂક્તો છે, જેમાં દાન કરનારની પ્રશંસા કરવામાં આવી છે. કઠોપનિષદમાં નચિકેતા પોતાના પિતાની સામે વસૂકી ગયેલી ગાયોને દાનમાં આપવા બદલ વિરોધ નોંધાવે છે, કારણ કે પીતોદક, જગ્ધતૃણ, દુગ્ધદોહ અને નિરિન્દ્રિય ગાયો દાનમાં આપે તેને સુખશૂન્ય લોકમાં રહેવું પડે એમ ધર્મશાસ્ત્ર કહે છે. ભગવદગીતામાં ફળની આસક્તિથી કરેલું કર્મ બંધનકારક અને તેવી આસક્તિ વગર કરેલું કર્મ મોક્ષ આપે છે એમ કહ્યું છે. તેને લક્ષમાં લઈને ભગવદગીતા ત્રણ પ્રકારનાં દાન ગણાવે છે : (1) સાત્વિક, (2) રાજસ અને (3) તામસ. યોગ્ય સ્થળ, સમય અને પાત્રનો વિચાર કરી પોતાનું કર્તવ્ય સમજીને બદલાની આશા વગર આપવામાં આવેલું દાન સાત્વિક છે. બદલાની આશાએ કે ચોક્કસ ફળ મેળવવા અતિશય ક્લેશથી આપેલું દાન રાજસ છે. અયોગ્ય સ્થળ અને કાળમાં અપાત્રને તિરસ્કાર અને અનાદરથી આપેલું દાન તામસ છે. ધર્મશાસ્ત્રમાં ધાર્મિક પ્રસંગોએ તથા યજ્ઞયાગ અને શ્રાદ્ધ વગેરે વિધિઓને અંતે દાન કરવાની આજ્ઞા આપવામાં આવી છે. ધર્મશાસ્ત્ર દાનનાં (1) દાતા, (2) પ્રતિગ્રહિતા, (3) શ્રદ્ધા, (4) ધર્મ, (5) દેશ અને (6) કાળ એ છ અંગો દર્શાવે છે, જેના આધારે દાન સારું કે ખરાબ હોવાનું નક્કી થાય છે; જેમ કે, દાતા સન્નારી હોય તો દાન સારું અને કુલટા હોય તો ખરાબ ગણાય. પ્રતિગ્રહિતા જ્ઞાની બ્રાહ્મણ હોય તો દાન સારું અને પતિત બ્રાહ્મણ કે વિકલાંગ હોય તો ખરાબ ગણાય. માનથી આપેલું દાન સારું અને તિરસ્કારથી આપેલું ખરાબ કહેવાય. ગંગાકિનારે આપેલું દાન સારું અને કુગ્રામ કે અપવિત્ર સ્થળે આપેલું દાન ખરાબ કહેવાય. ગ્રહણ સમયે આપેલું દાન સારું અને સંધ્યાકાળે આપેલું ખરાબ ગણાય.

વળી દાન ગ્રહણ કરવાની પાત્રતા પર ધર્મશાસ્ત્ર ખાસ ભાર મૂકે છે. અન્ય વર્ણો કરતાં બ્રાહ્મણને દાન આપવું બહેતર છે. અન્ય બ્રાહ્મણો કરતાં વેદપાઠી બ્રાહ્મણને દાન વધુ સારું છે. વેદપાઠી બ્રાહ્મણોમાં વેદોક્ત કર્મ કરનાર બ્રાહ્મણને દાન ચઢિયાતું છે. તેવા બ્રાહ્મણોમાં શમદમાદિ ગુણવાળા આત્મજ્ઞાની બ્રાહ્મણને દાન સર્વશ્રેષ્ઠ છે. વિકલાંગોને પુણ્ય મેળવવા કરવામાં આવતા દાનને લાયક ગણ્યા નથી એ નોંધપાત્ર છે.

દાનમાં અપાતા દ્રવ્યની ચર્ચા પણ ધર્મશાસ્ત્રે કરી છે. દેવલસ્મૃતિ   મુજબ બીજાને પીડા કર્યા વિના પ્રાપ્ત કરેલું અને પોતાના પરિશ્રમથી મેળવેલું દ્રવ્ય દાનને યોગ્ય છે, કારણ કે પરોક્ષ રીતે હરણ કરેલાં સોનું વગેરે દ્રવ્યોનું દાન મનુષ્યને નરકનું ફળ આપે છે. આ વાત ધ્યાનમાં રાખીને આધુનિક સમયમાં પ્રચલિત બનેલાં રક્તદાન, ચક્ષુદાન, શરીરદાન, વીર્યદાન વગેરે દાનોને દાન કહી શકાય કે કેમ તે યક્ષપ્રશ્ન છે. અલબત્ત, ધર્મશાસ્ત્ર અનેક વસ્તુઓને દાનપાત્ર ગણે છે.

કૂર્મપુરાણ દાનના ચાર પ્રકારો ગણાવે છે : (1) ફળની આશા વિના દરરોજ અનુપકારી બ્રાહ્મણને કરવામાં આવતું નિત્યદાન, (2) પાપશાંતિ માટે વિદ્વાન બ્રાહ્મણને ચોક્કસ સંજોગોમાં અપાતું નૈમિત્તિક દાન, (3) ઐશ્વર્ય, સંતાન, સ્વર્ગ વગેરેની ઇચ્છાથી વિદ્વાન બ્રાહ્મણને કરવામાં આવતું કામ્યદાન, અને (4) ઈશ્વરપ્રીત્યર્થે ધર્મયુક્ત મનથી બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણને આપવામાં આવતું વિમલ દાન. આ વિમલ દાન સર્વશ્રેષ્ઠ ગણાયું છે.

સામાન્યત: દાનના અનેક પ્રકારો પાડી શકાય; જેમ કે, જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, ગોદાન, આશ્રયદાન, પ્રાણદાન, વિવાહદાન, અભયદાન, અન્નદાન વગેરે. સંક્ષેપમાં, પોતાની માલિકીની અથવા ધન વડે જેની માલિકી સ્થાપિત થાય તે બધી વસ્તુઓની સાથે ‘દાન’ શબ્દ જોડી તેને દાનનો અલગ પ્રકાર કહી શકાય. દાન આપવાની વસ્તુની માલિકી હોવી જરૂરી છે. પરિણામે વેદ અને  સ્મૃતિઓમાં અનેક દાન કહેવામાં આવ્યાં છે. વળી ગ્રહોની શાંતિ વગેરે માટે પણ દાનદ્રવ્યો ગણાવવામાં આવ્યાં છે. બધા ગ્રહોમાં શનિ માટેનું દાન સૌથી ખરાબ મનાય છે; જેમાં તેલ, લોઢું, કાળા તલ અને કાળું વસ્ત્ર દાનમાં આપવામાં આવે છે. તેથી તેને સ્વીકારતાં પ્રતિગ્રહિતા ખચકાય છે.

એવી જ રીતે, હારિત-સ્મૃતિમાં રોગ મટાડવા ચોક્કસ દ્રવ્યનું દાન કહેવામાં આવ્યું છે; જેમ કે – મધુપ્રમેહ માટે સુવર્ણ અને લવણનું, હરસ અને ભગંદર માટે અન્નનું, જ્વર માટે ઈશ્વરપૂજા અને રુદ્રના જપનું, ખાંસી અને શ્વાસના દમ વગેરે રોગો માટે અન્નનું, ચક્કર માટે શાસ્ત્ર અને અન્નનું, અગ્નિમાંદ્ય માટે અગ્નિમાં હોમનું, પથરી માટે લવણનું, પેટમાં શૂલ માટે ઘણાંને ભોજનનું, રક્તપિત્ત માટે ઘી અને મધનું, પાંડુરોગ અને ગ્રહણીના રોગો માટે ગાય, ભૂમિ, દેવપૂજા અને સુવર્ણનું, નખ અને દાંતના રોગો માટે સુવર્ણનું, કોઢ અને ચર્મરોગ માટે ચાંદીનું, મુખમાં ચાંદી વગેરે માટે નાગનું, પ્રૉસ્ટેટ ગ્રંથિના રોગ માટે ગાયનું, આંખના રોગો માટે ઘીનું, નાકના રોગો માટે સુગંધિત વસ્તુનું, ખૂજલી વગેરે માટે તેલનું, જીભના રોગો માટે રસનું, પિત્તના કમળો વગેરે રોગો માટે ઊંટનું એમ વિવિધ રોગો મટાડવા દાનની ભલામણ કરવામાં આવી છે.

અંતે, ઈશાવાસ્ય ઉપનિષદના ‘तेन व्यक्तेन भुत्र्जीथा:’ એ તત્વજ્ઞાનના સિદ્ધાન્તને ધ્યાનમાં રાખી યાજ્ઞવલ્ક્ય–સ્મૃતિમાં દાનના ત્યાગનું પણ દાન જેટલું જ ફળ કહેવામાં આવ્યું છે. દાન લેવા યોગ્ય માણસ દાન ન લે તો દાન કરનાર માણસને તે દાનનું જે ફળ મળે તે દાન ન લેનારને મળે છે.

ભારતીય સંસ્કૃતિમાં સર્વશ્રેષ્ઠ દાનવીરો તરીકે ભગવાનને ત્રણે લોકનું દાન આપનાર બલિરાજા અને ઇન્દ્રને કવચકુંડળનું દાન આપી પોતે મૃત્યુ સ્વીકારી લેનાર દાનેશ્વરી કર્ણ જેવાં પાત્રોને યાદ કરવામાં આવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી

પ્રિયબાળાબહેન શાહ