દાદોજી કોંડદેવ (જ. 1577; અ. 7 માર્ચ 1647) : છત્રપતિ શિવાજીના રાજકીય તથા નૈતિક ગુરુ. શિવાજીના પિતા શહાજી બીજાપુર રાજ્યના જાગીરદાર હતા. તેથી તેમણે પોતાની દ્વિતીય પત્ની સાથે બીજાપુરમાં વસવાટ કર્યો હતો અને પોતાની પ્રથમ પત્ની જીજાબાઈ (શિવાજીની માતા)ને નિભાવ માટે પુણે પાસેની પોતાની શિવનેરીની જાગીર સુપરત કરી હતી. શહાજીએ તેના વહીવટકર્તા તરીકે પોતાના વફાદાર સેવક દાદોજી કોંડદેવની નિયુક્તિ કરી હતી. દાદોજી કોંડદેવ હિન્દુ શાસ્ત્રોના પ્રખર વિદ્વાન અને કાબેલ વહીવટકર્તા હતા. તેમણે શિવાજીમાં ઉમદા ગુણો વિકસાવવામાં કીમતી પ્રદાન કર્યું. આમાં શિવાજીની માતા જીજાબાઈનો પણ નોંધપાત્ર ફાળો હતો.
દાદોજી કોંડદેવ તથા માતા જીજાબાઈ શિવાજીને રામાયણ તથા મહાભારતની કથાઓ સંભળાવતાં. દાદોજી કોંડદેવે શિવાજીમાં વીર નેતા તથા શક્તિશાળી શાસકના ગુણો વિકસાવવા તેમને મહારાષ્ટ્રના ડુંગરોમાં ઘોડેસવારી, ભાલાફેંક, પટ્ટાબાજી, મલ્લયુદ્ધની તાલીમ આપી તથા પાસેની નદીમાં તરવાની કલા વગેરે હસ્તગત કરાવી. દુશ્મન સામે લડતી વખતે કામ આવે તેવા રક્ષણાત્મક દાવપેચ પણ દાદોજીએ શિવાજીને શીખવ્યા. સાથોસાથ તેમણે શિવાજીને રામાયણ, મહાભારત, શુક્રનીતિ વગેરેમાં પ્રબોધેલી શાસનવ્યવસ્થા સ્થાપવાની પ્રેરણા આપી. શિવાજીનું અષ્ટપ્રધાનમંડળ આ તાલીમનું સીધું પરિણામ હતું.
દાદોજી કોંડદેવની તાલીમ અને પ્રેરણાથી શિવાજીએ વિજયનગરના હિન્દુ રાજ્યનો આદર્શ અપનાવ્યો, પરંતુ તેની સંકુચિત નીતિથી તે મુક્ત રહ્યા.
દાદોજી કોંડદેવના માર્ગદર્શન તળે શિવાજીએ પોતાની જાગીરની આસપાસના પ્રદેશમાં રહેતા લૂંટારુ અને અસામાજિક પરંતુ બહાદુર માવળા લોકોને લશ્કરી તાલીમ આપીને લૂંટારામાંથી શિસ્તબદ્ધ અને વફાદાર સૈનિકો બનાવ્યા, જેમણે શિવાજીને મુઘલો, સીદીઓ તથા બીજાપુરના સુલતાન જેવા દુશ્મનોનો સફળતાપૂર્વક સામનો કરવામાં અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં નોંધપાત્ર મદદ કરી. દાદોજી કોંડદેવે પોતાની જાગીરમાં સ્થાપેલી વહીવટી, આર્થિક તથા લશ્કરી વ્યવસ્થાને શિવાજીએ વિસ્તારી અને તે મુજબ સ્વરાજ્યનો વહીવટ કર્યો.
અંજના શાહ