દાદર : ચામડીનો એક પ્રકારનો રોગ. તે ચામડી, નખ તથા વાળમાં ફૂગના ચેપથી થાય છે. તેને અંગ્રેજીમાં tinea અથવા ring worm કહે છે. ચામડીમાં ફૂગનો ચેપ લાગે છે અને ફૂગ વનસ્પતિ જૂથમાં ગણાય છે માટે શાસ્ત્રીય રીતે તેને ત્વક્ફૂગિતા (dermatomycosis) કે ત્વક્દ્રુમિતા (dermato-phytosis) પણ કહે છે. ચામડી અને તેના ઉપસર્ગો(appendages)માં થતો રોગ છે માટે તેને સપાટીગત (superficial) ફૂગરોગ કહેવાય છે, જ્યારે કેટલીક અન્ય પ્રકારની ફૂગથી શરીરના અંદરના અવયવોમાં ફૂગરોગ ફેલાય છે; તેને દેહવ્યાપી (systemic) ફૂગરોગ કહે છે. (જુઓ : દેહવ્યાપી ફૂગરોગ).
દાદરનો રોગ 3 પ્રકારની ફૂગથી થાય છે : (1) સૂક્ષ્મબીજાણુધારી (microsperm), (2) કેશદ્રુમિત (trichophyton) અને (3) અધિત્વકદ્રુમિત (epidermophyton). ભારતમાં સૌથી વધુ ટી-રુબ્રમ નામની ફૂગથી ચેપ લાગે છે. શરીરના જુદા જુદા ભાગને આધારે ત્યાં થતા દાદરના રોગને 6 જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે, જેમ કે : (1) માથા પર થતી દાદરને શીર્ષસ્થ દાદર (tinea capitis) કહે છે, જ્યારે (2) શરીર પર જોવા મળતી દાદરને કાયસ્થ દાદર (tinea corposis) કહે છે. (3) જાંઘના ઉપલા ભાગમાં થતી દાદર ઊરુસ્થ દાદર (tinea cruris) કહે છે. (4) હાથમાં થતી દાદર હસ્તસ્થ દાદર (tinea mannum), (5) પગમાં થતી દાદર પાદસ્થ દાદર (tinea pedis) અને (6) નખમાં થતી દાદરને નખસ્થ દાદર (tinea unguium) કહે છે.
દાદરનો ચેપ લાગવા માટે કેટલીક પૂર્વસ્થિતિઓ (predisposing factors) જવાબદાર હોય છે. બાળકોને માથામાં દાદર વધુ જોવા મળે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ કરતાં પુરુષોને દાદરનો રોગ વધુ થાય છે. વધુ પડતું વજન તથા ગરમ અને ભેજવાળું વાતાવરણ પણ દાદરનો રોગ થવાની પૂર્વસ્થિતિ નિપજાવે છે. ક્યારેક મધુપ્રમેહ, ક્ષય અને કૅન્સર જેવા રોગોના દર્દીને પણ દાદર વધુ થાય છે. આ બધી જ પરિસ્થિતિઓમાં જો દાદર પહેલેથી હોય તો તેની તીવ્રતા વધે છે.
કાયસ્થ દાદર આખા શરીરની ચામડી પર થાય છે અને તે સૌથી વધુ જોવા મળે છે. તેને વલયકૃમિ (ringworm) પણ કહે છે. તેમાં એક કે વધુ ખૂજલી કરતી, લાલાશ પડતી અને વીંટીના આકારની ચકતીઓ થાય છે જેનો કેન્દ્રવિસ્તાર રુઝાતો જાય છે અને કિનારી (પરિઘ) પર સક્રિય ચેપનાં લક્ષણો હોય છે. તે મુખ્યત્વે ધડ અને પેટ પર જોવા મળે છે.
શીર્ષસ્થ દાદર નાનાં બાળકોમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે માથા પર જુદા જુદા રોગવિસ્તારો કરે છે : (1) પોપડીધારી ફૂગવિસ્તારો (scaly patches), (2) મધપૂડાસમ ફૂગવિસ્તારો (kerion) અને (3) પીતફૂગવિસ્તારો (flavus).
પોપડીધારી ફૂગવિસ્તારના વિકારમાં માથામાં એક કે વધુ ખૂજલી કરતા દોષવિસ્તારો (lesions) થાય છે. તેમાં ખૂબ જ ઓછા વાળ ખરે છે. માથાના વાળના મૂળમાં તીવ્ર પ્રકારનો દુખાવો કરતા, પોચા, શોથજન્ય(inflammtory) દોષવિસ્તારને મધપૂડાસમ ફૂગવિસ્તાર કહે છે. શોથ(inflammation)ને કારણે વાળના મૂળ(કેશમૂળ) પાસે નાની પરુ ભરેલી ફોલ્લી (pustule) થાય છે. ટી શિન્લેન્સ નામની ફૂગથી માથામાં વાડકી આકારના (cup shaped) પીળા પોપડાવાળા અને દુર્ગંધ મારતા દોષવિસ્તારો થાય છે. તેને પીતફૂગવિસ્તાર (flavus) કહે છે.
જાંઘના ઉપલા ભાગમાં થતી દાદર સામાન્ય રીતે જાડી વ્યક્તિઓમાં તથા ચોંટીને રહેતાં સાંકડાં અંદરનાં કપડાં પહેરનારાઓમાં જોવા મળે છે. તેમાં પણ એક કે વધુ, ખૂજલી કરતા ગોળ વીંટી જેવા દોષવિસ્તારો થાય છે. દોષવિસ્તારોનું કેન્દ્ર સામાન્ય દેખાવનું હોય છે, જ્યારે પરિઘની કિનારી પર પ્રવાહી ભરેલી ફોલ્લીઓ જોવા મળે છે. સામાન્ય રીતે ઊરુસ્થાન (inguinal region) અને પરિગુદેન્દ્રીય વિસ્તાર(perineum)માં એટલે કે જાંઘ અને પેટના નીચલા ભાગ વચ્ચેની ફાડમાં તથા જનનેન્દ્રિય અને ગુદા વચ્ચેના ભાગની ચામડીમાં તે જોવા મળે છે.
નખમાં થતો દાદરની ફૂગનો રોગ સૌથી વધુ લાંબો સમય ચાલે છે. તે નખ તથા નખગાદી(nailbed)ને એટલે કે નખ નીચેની ચામડીને અસરગ્રસ્ત કરે છે. હાથપગના નખ સફેદ કે પીળા રંગના થઈ જાય છે, તેની સપાટી તેજ વગરની ઝાંખી થઈ જાય છે અને નખનો નાશ થાય છે. સામાન્ય રીતે તે એક નખમાં શરૂ થાય છે, અને પછીથી તે ધીમે-ધીમે, મહિનાઓના ગાળામાં, બીજા નખને પણ અસરગ્રસ્ત કરે છે. સામાન્ય રીતે વીસેવીસ નખમાં ચેપ ફેલાતો નથી.
દાદરના રોગનું નિદાન કરતી વખતે તેને ખરજવું અને સોરિયાસિસથી અલગ પાડવામાં આવે છે. રોગગ્રસ્ત વિસ્તારમાંની પેશીના કાચની તક્તી પરના 10 % KOHમાંના લીંપણ(smear)ને સૂક્ષ્મદર્શક વડે તપાસવાથી ફૂગના તંતુઓ (hyphae) જોવા મળે છે. સેવોસેડના અગારવાળા માધ્યમ પર ફૂગને ઉછેરી શકાય છે. આવી સંવર્ધિત (cultured) ફૂગને ઓળખવી સહેલી પડે છે. વુડલૅમ્પના પ્રકાશમાં ફૂગ લીલાશ પડતી ચમક (florescence) દર્શાવે છે.
દાદરની સારવારને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે : બહુતંત્રીય (systemic) સારવાર, સ્થાનિક સારવાર અને અન્ય સામાન્ય ઉપચારો. ગ્રિસિઓફલ્વિન નામની ફૂગસ્થાયી (fungistatic) દવાને મોં વાટે 1 થી 6 મહિના માટે અપાય છે. શરીર પર ફેલાયેલી ફૂગ માટે એક મહિનાની અને નખમાં ફેલાયેલી ફૂગ માટે 6 મહિનાની સારવારની જરૂર પડે છે. મુખ્ય આડઅસરોમાં માથાનો દુખાવો, ઊબકા, ઊલટી, ઝાડા, શીળસ (urticaria), પેશાબમાં પ્રોટીન વહી જવું તથા કેટલાક ચેતાતંત્રના વિકારો ગણાય છે. ગ્રિસિઓફલ્વિનને સ્થાને કિટોકોનેઝોલ, ફ્લુકોનેઝોલ કે ઇટ્રાકોનેઝોલ અપાય છે. ફ્લુકોનેઝોલને દર અઠવાડિયે એક વખત- એમ 1થી 2 મહિના સુધી આપવાથી ફાયદો થાય છે. કિટોકોનેઝોલ ઊબકા, ઊલટી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, યકૃત(liver)માં ઝેરી અસર, પુરુષોના સ્તનની વૃદ્ધિ તથા ક્યારેક નપુંસકતા લાવે છે.
દાદરની સ્થાનિક સારવાર માટે વિવિધ ઔષધો ઉપલબ્ધ છે. 6 % બેન્ઝૉઇક ઍસિડ તથા 3 % સેલિસિલિક ઍસિડના બનાવેલા મલમને વ્હીટફિલ્ટ મલમ કહે છે. તેવી જ રીતે 2 % માઇકોનેઝોલ, 1 % ક્લોટ્રિમેઝોલ, 1 % ટોલ્નાફ્લેટ, 1 % ઇકોનેઝોલ, 1 % સાઇક્લોપાયરૉક્સ કે 2 % કિટોકોનેઝોલનો પ્રયોગ પણ ઉપયોગી રહે છે.
જે પૂર્વસ્થિતિઓ દાદરના રોગને પોષે છે તેમને ન થવા દેવી કે તેમનો ઉપચાર કરવો પણ જરૂરી ગણાય છે. વધુ વજન હોય તો તે ઘટાડવું, મધુપ્રમેહને નિયંત્રિત રાખવો, ઢીલાં અને કપાસના કાપડનાં બનેલાં અંદરનાં કપડાં રાખવાં અને ભેજ કે ગરમ વાતાવરણથી દૂર રહેવું વગેરે વિવિધ સાવચેતીઓ દાદરના રોગને થતો અટકાવે છે.
શિલીન નં. શુક્લ
અનિરુદ્ધ પુ. વ્યાસ