દાણચોરી : ચોરીછૂપીથી અને સંતાડીને, કર ભર્યા વગર, દેશની સરહદોમાં માલની આયાત કરવી કે દેશમાંથી માલની નિકાસ કરવી તે. સામાન્ય લોકભાષામાં દાણ એટલે કર અથવા જકાત. પરંતુ ખરેખર તો આવો કર માલની આયાત અને નિકાસ એમ બંને ઉપર ભરવાનો થાય છે. કસ્ટમ-ઍક્ટ, 1962માં ‘દાણચોરી’ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા આપવાને બદલે તેને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું થયું હોય તો, અથવા શું ન થયું હોય તો દાણચોરી થયેલી ગણાય એ બાબતો તેની કલમ 2(39) દ્વારા પેટાકલમ 111 અને 113થી સમજાવવામાં આવ્યું છે.
પહેલાંના વખતમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ પરદેશી વેપારી પોતાના માલ સાથે કોઈ રાજાના રાજ્યમાં દાખલ થાય ત્યારે તે વેપારી રાજાને મળવા જતો અને તેની સાથે કેટલીક ભેટસોગાદો અને નજરાણું રાજાને ભેટ ધરતો. સમય જતાં સરકારોએ તેને ભેટને બદલે પોતાનો હક માની લીધો. આધુનિક સરકારોએ પણ આ રિવાજનું કસ્ટમ-ડ્યૂટીમાં પરિવર્તન કરી નાંખીને દેશની સરહદમાં દાખલ થતા દરેક માલ ઉપર અને ખાસ કિસ્સામાં દેશની બહાર જતા માલ ઉપર કર વસૂલ કરવાની શરૂઆત કરી. ભારતમાં આ દર નક્કી કરવા માટે કેન્દ્રસરકારે જે ખાસ કાયદો પસાર કર્યો છે તેને કસ્ટમ ટૅરિફ-ઍક્ટ, 1975, તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભારતમાં બહારના માલની આયાત અને ભારતની બહાર જતા માલની નિકાસ પર નિયંત્રણ અને દેખરેખ રાખવા તથા તેના ઉપર કર વસૂલ કરવા માટે કસ્ટમ-ઍક્ટ, 1962 પસાર કર્યો છે, જે અન્વયે આવા તમામ માલની આયાત અને નિકાસ ઉપર કર વસૂલ કરવામાં આવે છે.
આવો કોઈ કરપાત્ર માલ, કર ભર્યા વિના, જાણીબૂજીને, બદઇરાદાથી, ચોરીછૂપીથી, સંતાડીને ભારતની સરહદમાં દાખલ કરવામાં આવે અથવા ભારતની સરહદમાંથી ગમે તે રીતે બહાર લઈ જવામાં આવે તેને વસ્તુની દાણચોરી કરેલી કહેવાય. મોટે ભાગે દાણચોરી દ્વારા કીમતી અને અપ્રાપ્ય વસ્તુઓ જેવી કે સોનું. ચાંદી કે અન્ય કીમતી ધાતુઓ કે સોનાચાંદીના કીમતી દાગીના, ઝવેરાત, કીમતી રત્નો, તેજાના, કીમતી દવાઓ, કીમતી પ્રાચીન મૂર્તિઓ, નશીલી દવાઓ, પશુ-પક્ષી-પ્રાણીઓનાં ચામડાં તેમજ શરીરના ભાગો, ઇલેક્ટ્રૉનિક માલસામાન, માનવ-અંગો, તથા અલભ્ય વસ્તુઓની દાણચોરી કરવામાં આવતી હોય છે.
જ્યારે બધો વ્યવહાર માત્ર જમીનમાર્ગથી અને દરિયાઈ માર્ગથી ચાલતો હતો ત્યારે દાણચોરી પણ તે માર્ગેથી જ થતી હતી. તેને માટે 1909માં ‘ધ સી કસ્ટમ-ઍક્ટ’ની રચના કરવામાં આવી હતી, જેમાં 1995માં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા.
આ કાયદા અન્વયે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવા પ્રકારનું કોઈ કૃત્ય (કે સ્ખલન) કરે કે જેને કારણે તેનો જે તે માલ જપ્ત કરવાને પાત્ર બને તો તેને દાણચોરી કરી કહેવાય. બીજી કલમ દ્વારા, કોઈ વ્યક્તિનો માલ જપ્ત કરવાને પાત્ર ક્યારે બને તે જણાવાયું છે. એનો અર્થ એ થયો કે આ કાયદા હેઠળ જ્યારે કોઈ ગુનો બને અને માલ જપ્ત કરવામાં આવે ત્યારે તેને દાણચોરી કરેલી ગણીને આવું કૃત્ય કરનાર વ્યક્તિને ગુનેગાર ઠરાવવામાં આવે છે. તેવી જ રીતે આવો માલ પરદેશથી આયાત કરીને ઉતારવા તથા તેનો સંગ્રહ કરવા માટે અને ભારતના સીમાડાઓની બહાર લઈ જવા માટે ચઢાવવા (નિકાસ કરવા) માટે અને તેનો સંગ્રહ કરવા માટે સરકારે જે વિસ્તાર કે જગ્યાઓ જાહેર કર્યાં હોય તે સિવાયની જગ્યાએ તેનો સંગ્રહ કરવામાં આવે તો તેવો માલ પણ જપ્તીને પાત્ર બને છે. વળી, આવા માલને કોઈ પણ બંદર, હવાઈ મથક કે ભારતની સરહદ પાસેના જમીનમાર્ગે થઈને ભારતના સીમાડાઓમાં દાખલ કરવા માટે કે પરદેશ મોકલવા માટે સરકારે જાહેર કરેલી જગ્યા સિવાયના રસ્તેથી કે જગ્યાએથી ભારતમાં દાખલ કરવામાં આવે કે ભારતની બહાર લઈ જવામાં આવે તો તેને પણ દાણચોરી કરેલી ગણી લેવામાં આવે છે. આવો કોઈ પણ માલ ચોરીછૂપીથી સરકારની પરવાનગી વિના કોઈ ખાનગી જગ્યાએ (દરિયાકિનારે કે વિમાની પટ્ટી ઉપર) ઉતારવામાં આવે અથવા પરદેશ રવાના કરવામાં આવે તો પણ આ કાયદા હેઠળ ગુનો બને છે. આ કાયદાની જોગવાઈ એવું પણ જણાવે છે કે ભારતનો જ માલ ભારતના જ એક બંદરેથી બીજા બંદરે દરિયાઈ માર્ગે વહન કરવાનો હોય, પરંતુ જો તેની સરકારે નક્કી કરેલાં બંદરો સિવાયની કોઈ જગ્યાએથી કે બંદરેથી હેરફેર કરવામાં આવે તો તેને પણ દાણચોરીનું કૃત્ય ગણવામાં આવે છે. જો આવો કોઈ માલ કોઈ પણ અખાત, દરિયાની ખાડી, નાળાં, વહેણ કે દરિયા સાથેના સંગમને કારણે ભરતીથી ભરાતી નદીના રસ્તેથી પણ લાવીને કસ્ટમ-વિભાગે નક્કી કરેલા બંદર સિવાયની જગ્યાએ ઉતારવામાં આવે કે ત્યાંથી ભારતની સરહદ બહાર મોકલવામાં આવે તો તેવા માલને સક્ષમ કસ્ટમ-અધિકારી જપ્ત કરી શકે છે. વળી આવો કોઈ માલ કોઈ પણ વાહનમાં કે અન્ય જગ્યાએ ચોરીછૂપીથી કોઈ પણ રીતે સંતાડવામાં આવ્યો હોય કે આ કાયદા અન્વયે જાહેર કરવો જરૂરી હોય અને છતાં જાણીબૂજીને ઇરાદાપૂર્વક જાહેર કર્યો ન હોય કે માલનો જથ્થો હોય તેના કરતાં ઓછો જાહેર કર્યો હોય તો તે બદલ પણ દાણચોરીનો ગુનો લાગુ પડે છે. આવો કોઈ માલ કસ્ટમ અધિકારીની ગેરહાજરીમાં અને તેમની લેખિત પરવાનગી વિના આયાત કે નિકાસ કરવાના હેતુથી કોઈ વાહનમાંથી ઉતારવામાં આવે કે ચઢાવવામાં આવે તો તે પણ ગુનો બને છે. આવો માલ નિકાસ કરવા માટે વાહનમાં ચઢાવતી વખતે અને આયાત કરતી વખતે, વાહનમાંથી ઉતારતી વખતે ત્યાં કસ્ટમ-અધિકારીની હાજરી અનિવાર્ય ગણાય છે. આવો માલ ઘર-વપરાશ માટે, વેરહાઉસમાં રાખવા માટે કે હેરફેર કરવા માટે કસ્ટમ અધિકારીના અંકુશ હેઠળના વિસ્તારમાંથી બહાર લઈ જવાની પરવાનગી આપવામાં ન આવે ત્યાં સુધી તે માલ કસ્ટમ-અધિકારીના તાબામાં ગણાય છે. એટલે આવો માલ ત્યાંથી કોઈ પણ રીતે ખસેડવામાં આવે તો તે કૃત્ય પણ ગુનો બને છે.
વળી આવો કોઈ માલ આયાત કરતી વખતે, ઉતારતી વખતે કે ઉતાર્યા પછી અથવા નિકાસ માટે ચઢાવતી વખતે કે ચઢાવ્યા પછી કોઈ પ્રતિબંધિત કે કરપાત્ર માલનું કોઈ પૅકેટ સંતાડેલું મળી આવે અથવા આવા પ્રતિબંધિત વિસ્તારમાંથી કસ્ટમ-અધિકારીની પરવાનગી વગર તેને ખસેડવામાં આવે કે તેને ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે પણ ગુનો બને છે.
આવા કોઈ માલને કે તેની હેરફેરને કોઈ ખાસ કારણોસર કોઈ શરતોને અધીન રહીને મુક્તિ આપવામાં આવી હોય પરંતુ એ શરતોનો ભંગ કરવામાં આવે અથવા આ કાયદા અન્વયે આ વિભાગ દ્વારા કરવામાં આવેલી કોઈ જોગવાઈનો અન્ય કોઈ રીતે ભંગ કરવામાં આવે તો તે પણ ગુનો થાય છે.
આવો કોઈ વિદેશી માર્કાવાળો માલ પોતાના સામાનમાં છુપાવેલો મળી આવે તો તે વખતે તે વિદેશી માર્ક બનાવટી છે તેવું અથવા તે માલ ઉપર કસ્ટમ-ડ્યૂટી ભરાઈ ગયેલી છે એવું પુરવાર કરવાની જવાબદારી જે તે માલના માલિકની રહે છે. આવો માલ કિંમત પરત્વે કે અન્ય રીતે કાયદા હેઠળ કરેલી જાહેરાત કરતાં જુદો પડતો હોય ત્યાં કસ્ટમ-અધિકારી વાંધો લઈ શકે છે. આયાત કરેલા માલ(દા.ત., પૉલિયેસ્ટર ફિલામેન્ટ યાર્ન અને પૉલિયેસ્ટર ફાઇબર)નો ઉપયોગ તેમાંથી તૈયાર કપડાં વગેરે વસ્તુ બનાવીને તેની નિકાસ કરવા માટે કરવાનો હોય છે; પરંતુ આવો માલ ભારતના ખુલ્લા બજારમાં વેચવામાં આવે તો તેવા માલની પણ દાણચોરી કરેલી ગણાય. કેટલીક વખત કોઈ જહાજમાં દાણચોરીથી માલ લાવવામાં આવ્યો હોય અને તેને માટેનું નાણાકીય રોકાણ પણ તે જહાજના માલિકે કર્યું હોય તો તે જહાજનો માલિક ગેરકાયદેસર આયાતના ગુના માટે જવાબદાર ગણાય છે.
ભારતની સરહદોને અડીને આવેલી જમીનના વિસ્તાર માટે નીમવામાં આવેલ કોઈ પણ કસ્ટમ-અધિકારીને એમ લાગે કે કોઈ વ્યક્તિએ જમીનમાર્ગથી ભારતમાં માલ આયાત કર્યો છે, અને તે માલ તેના કબજામાં છે તો તેવી વ્યક્તિ પાસે આવા અધિકારી આવા માલના ક્લિયરન્સ અંગેના દસ્તાવેજો રજૂ કરવા હુકમ કરી શકે છે. જો સક્ષમ કસ્ટમ-અધિકારીને એવો સંતોષ થાય કે જે પ્રતિબંધિત ન હોય તેવો માલ ઘરવપરાશ માટે, વેરહાઉસમાં રાખવા માટે કે હેરફેર માટે લાવવામાં આવ્યો છે અને તેના ઉપર ભરવાપાત્ર થતી કસ્ટમ-ડ્યૂટી ભરી દેવામાં આવી છે, તો તે આવું ક્લિયરન્સ અંગેનું સર્ટિફિકેટ આપી શકે છે.
આવા દાણચોરીના કિસ્સાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે કસ્ટમ-અધિકારીઓને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. તેઓ ભારતમાં દાખલ થતા કે ભારત બહાર જતા કોઈ પણ માલ કે કોઈ પણ શકમંદ વ્યક્તિની તપાસ કરી શકે છે; એટલું જ નહિ, પરંતુ તેના અનુસંધાનમાં મળેલી માહિતીને આધારે તે વ્યક્તિની અને તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓની સઘન પૂછપરછ, શોધ અને તપાસ પણ કરી શકે છે. આવી શકમંદ વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવાની અને તેના શરીરને એક્સ-રેથી તપાસવાની, તેની ધરપકડ કરવાની, તેનાં જમીન, મકાન કે મિલકતમાં દાખલ થઈને શોધખોળ કરવાની, તેનાં વાહનોને અટકાવીને જડતી લેવાની, નિરીક્ષણ અને પરીક્ષણ કરવાની, ચોકસાઈ કરવાની, તેઓને પુરાવા આપવા માટે અને દસ્તાવેજો રજૂ કરવા માટે તેમના ઉપર સમન્સ બજાવવાની અને તે ઉપરાંત તેનાં માલ, વાહનો અને દસ્તાવેજો જપ્ત કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત કસ્ટમ-અધિકારીઓ ગુનેગાર વ્યક્તિને દંડ કરવાની સત્તા પણ ધરાવે છે. આવા માલના સંદર્ભમાં જરૂરી હિસાબ રાખવાની તેના માલિકની ફરજ ગણાય છે. જે માલમાં દાણચોરીનો માલ સંતાડ્યો હોય તે માલ પણ જપ્ત કરવાની સત્તા કસ્ટમ-અધિકારી ધરાવે છે. આવા માલનું વેચાણ થતું હોય તો તે અટકાવીને તે માલ જપ્ત કરી શકે છે. આવી જપ્તી પહેલાં સામાન્ય રીતે માલના માલિકને કારણદર્શક નોટિસ આપીને ડ્યૂટી ભરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવે છે. જપ્ત થયેલી વસ્તુઓ કેન્દ્રસરકારની માલિકીની ગણાય છે. આ કાયદા હેઠળ જે જપ્તી અને દંડ થાય છે તે અન્ય કાયદા હેઠળ થયેલી સજા ઉપરાંતની વધારાની સજા ગણાય છે.
પ્રવીણ જે. ગાંધી