દહીંવાલા, ગની (જ. 17 ઑગસ્ટ 1908, સૂરત; અ. 5 માર્ચ 1987, સૂરત) : ગુજરાતી ગઝલકાર. મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. પ્રાથમિક શાળાનું ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું. 1928ની આસપાસ થોડોક વખત અમદાવાદમાં રહેલા. ત્યારપછી કાયમ માટે સૂરતમાં જઈ વસ્યા. દરજીકામની દુકાન ચલાવતાં ચલાવતાં સારા ગઝલકાર બન્યા. એમણે ‘સ્વરસંગમ’ નામે સંગીતપ્રેમીઓની એક મંડળી સ્થાપેલી. ગઝલ તરફના પક્ષપાતે એમની પાસે, 1942 માં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ની સ્થાપના કરાવેલી. એના સ્થાપક સભ્ય તરીકે એમણે ગઝલને લોકભોગ્ય બનાવવા સાથે એનો પ્રચારપ્રસાર કરવાનું કાર્ય આરંભેલું. ગઝલને ગુજરાતીતા આપવામાં ને એમાં કવિતાતત્વ સિદ્ધ કરવામાં તેમનો સારો ફાળો છે. સૂરતથી પ્રગટ થતા ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં એમણે કાવ્યકટાક્ષિકાલેખન કરેલું. સાંસ્કૃતિક વિનિમય યોજના અંતર્ગત કેન્દ્રસરકારે પાકિસ્તાનના પ્રવાસે (1981) મોકલેલા પ્રતિનિધિમંડળમાં એમને સ્થાન મળેલું. ‘ગાતાં ઝરણાં’ એમનો પ્રથમ કાવ્યગ્રંથ 1953માં પ્રગટ થયેલો. એ પછી ‘મહેક’ (1961), ‘મધુરપ’ (1971), ‘ગનીમત’ (1971) અને ‘નિરાંત’ (1981) કાવ્યગ્રંથો પ્રગટ થયા હતા. તેમણે મુક્તકો અને ગીતો પણ લખેલાં. ‘ભિખારણનું ગીત’ અને ‘ચાલ મજાની આંબાવાડી’ જેવાં ગીતો ઠીકઠીક જાણીતાં પણ થયેલાં. એમને ખરી સિદ્ધિ ગઝલોમાં મળી ને પ્રસિદ્ધિ પણ ગઝલે જ અપાવી. ગુજરાતી ગઝલને નવી ચમક આપવામાં રતિલાલ અનિલ, મરીઝ, ઘાયલ અને બેફામ (જેવા શક્તિશાળી સમકાલીનો)ની સાથે તેમનું પ્રદાન પણ નોંધપાત્ર છે. પરંપરાગત ગઝલ-સ્વરૂપને સાચવીને કથ્ય અને અભિવ્યક્તિમાં નવતા, તાજપ અને પ્રભાવકતા લાવવાની પ્રયોગશીલતા ગની દહીંવાલાની ગઝલોમાં પણ ધ્યાનપાત્ર ઠરેલી. પ્રણયનાં વિવિધ સંવેદનોનું આલેખન એમનામાં મળે છે ખરું, પણ એમને દુનિયાદારીના અનુભવોમાંથી મળતી વેદના અભિવ્યક્ત કરવાનું વધારે ફાવ્યું છે. અધ્યાત્મને એ ચીંધે છે પણ એમનો પ્રકૃતિ તરફનો, સૃષ્ટિ તરફનો પ્રેમ વધારે મસ્તીભર્યો રહ્યો છે. ગઝલમાં કાફિયા-રદીફની સાચવણી સાથે સફાઈદાર છંદોમાં અભિવ્યક્તિ કરનાર શાયર તરીકે એ જાણીતા થયેલા.

ગની દહીંવાલા

1857ના બળવા વિશે ‘જશને શહાદત’ (1957) નામે નૃત્યનાટિકા એમણે હિન્દીમાં લખી હતી. 1960ના ગાળામાં એમનું અપ્રગટ ત્રિઅંકી નાટક ’પહેલો માળ’ ભજવાયું હતું.

મણિલાલ હ. પટેલ