દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય. વરને ‘દક્ષિણા’ ન અપાય ત્યાં સુધી કન્યાદાન સંપન્ન થતું નથી એવું ધર્મશાસ્ત્રો દર્શાવે છે, અને તેથી તે લોકસ્વીકૃત બન્યું છે. વરદક્ષિણા તો સદીઓથી કન્યાનાં માતાપિતા માટે પ્રેમ અને લાગણીનું પ્રતીક મનાય છે. પરંતુ આ નિર્દોષ પ્રતીકના ઓઠા હેઠળ કન્યાનાં માતાપિતા પાસેથી વરપક્ષ દ્વારા ધાકધમકીથી નાણાં અને સંપત્તિ હડપ કરવાની વૃત્તિ ઓગણીસમી સદીના મધ્યભાગથી દહેજ સ્વરૂપે વ્યાપક બની અને વીસમી સદીના અંતમાં હજારો પરિણીતાઓનાં અપમૃત્યુનું કારણ બની છે. એક સદી પૂર્વે 1887માં સુપ્રસિદ્ધ બંગાળી લેખક બંકિમચંદ્ર ચૅટરજીની પુત્રીને દહેજના કારણે તેના પતિએ ઝેર પિવડાવી મારી નાંખી હતી. વીસમી સદીના અંતિમ દશકમાં દેશની રાજધાની દિલ્હીમાં જ પ્રતિદિન એક યુવાન પરિણીતા દહેજના ત્રાસને કારણે આત્મહત્યા કરે છે અથવા સાસરિયાં તેનું મૃત્યુ નિપજાવે છે.

સામાન્ય રીતે લગ્નમાં કન્યાપક્ષ તરફથી વરપક્ષને અનેકવિધ ભેટસોગાદો આપવામાં આવે છે. પરંતુ હિન્દુઓની કેટલીક જ્ઞાતિઓમાં અને લઘુમતીઓના કેટલાક વિભાગોમાં આવી ભેટસોગાદો લગ્નની પૂર્વશરત બને છે અને જો આર્થિક સ્થિતિ નબળી હોય તો કન્યાનાં માતાપિતાએ દેવું કરીને પણ પુત્રીના લગ્ન માટે ભેટના ઓઠા હેઠળ દહેજ આપવી પડે છે. અન્યથા પુત્રી કુંવારી રહી જશે એવો ભય માતાપિતાને સતાવ્યા કરે છે. દહેજમાં મિલકતનું હસ્તાંતરણ થાય છે. આવી મિલકત બે પ્રકારની હોય છે : (1) બિનસ્થાવર મિલકત – સાડીઓ, સોનાચાંદીના દાગીના, વાસણો, રોકડ, વાહનો જેવાં કે સ્કૂટર, મોટર, ટ્રૅક્ટર, ઘરવખરી વગેરે. (2) સ્થાવર મિલકત – જમીન, મકાન, કારખાનાં નોકરી વગેરે. દહેજ આપવાની પ્રક્રિયામાં બંને પક્ષોને પ્રતિષ્ઠા મળે છે એવું મનાય છે.

દહેજની સમસ્યાને કારણે સ્ત્રીઓને થતા અન્યાય સામે ઓગણીસમી અને વીસમી સદીના સમાજસુધારકોએ અવાજ ઉઠાવ્યો તેમજ નારીવાદી સંગઠનોએ જાગૃતિ અને સંઘર્ષની રાહે આ સમસ્યાને નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાતંત્ર્ય પહેલાંથી દહેજ અંગે કાયદો કરવાની માંગ ઊઠી હતી. આ દિશામાં સિંધ પ્રાંતની સરકારે પહેલ કરી અને ત્યાં 1939માં ‘સિંધ દેતી-લેતી કાનૂન’ અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ 1956ના હિન્દુ વારસાધારામાં પણ આ અંગે પ્રતિબંધ કરવામાં આવ્યો. 1961માં ભારત સરકારે ‘દહેજ પ્રતિબંધક કાનૂન’ ઘડ્યો એ પહેલાં બિહાર અને આંધ્રપ્રદેશની સરકારોએ પણ આ પ્રકારના કાયદા ઘડ્યા હતા. 1961ના કાયદાની મર્યાદા દૂર કરવા 1984માં આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા. કાયદાનો ભંગ કરનારને દંડ તેમજ સજા પણ થાય છે. જોકે લગ્નમાં દહેજના સંદર્ભે થતી આપ-લે મહદંશે ગુપ્ત રાખવામાં આવે છે. વાસ્તવમાં તો દહેજ આપવી અને લેવી બંને કાનૂની રીતે ગુનો બને છે. કાનૂની રીતે દહેજ મિલકત અથવા કીમતી વસ્તુઓ છે, જેની લગ્નમાં, લગ્નની પહેલાં કે પછી વર/કન્યાનાં માતાપિતા દ્વારા આપ-લે થાય છે, અથવા તો તે અંગે સંમતિસૂચક કરાર કરવામાં આવે છે.

દહેજની સમસ્યાને હિન્દુઓનાં શાસ્ત્રો, પરંપરા તેમજ ઐતિહાસિક સંદર્ભે તપાસીએ તો અથર્વવેદમાં સૂર્યપુત્રી સૂર્યાનાં લગ્ન સોમ (ચંદ્ર) સાથે થયાં એ વિશેના શ્લોકમાં જણાવાયું છે કે પતિગૃહે જતી સૂર્યા રથમાં તેની સખીઓ સાથે પ્રસ્થાન કરે છે અને તેની પાસે ‘કોષ’ છે જે તેને મળેલું દહેજ (વહતુ) છે. દ્રૌપદી, સુભદ્રા અને ઉત્તરા લગ્ન બાદ પોતાની સાથે પતિગૃહે ઘોડા, હાથી અને ઝવેરાત લઈ ગયાં હતાં. અકબરે પોતાના પુત્રના લગ્નમાં વેવાઈ રાજા ભગવાનદાસ પાસે મોટું દહેજ માગ્યું હતું. ગોલકોંડા રાજ્યની રાજકુમારી સાથે ઔરંગઝેબના પુત્ર સુલતાન મહંમદનાં લગ્ન થયાં ત્યારે દહેજમાં રામગિરિનો કિલ્લો આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં સંત તુકારામ પોતાની દીકરીને ત્યારે જ પરણાવી શક્યા જ્યારે ગામના લોકોએ દહેજ માટે સામૂહિક ફાળો આપ્યો. નરસિંહ મહેતાના ‘મામેરું’થી પણ સૌ પરિચિત છે.

રાજા, મહારાજા તેમજ રજપૂતોમાં વિકસેલી આ પ્રથા પાછળથી હિંદુઓની ઉપલી જ્ઞાતિઓમાં અને ખાસ કરીને જમીનદાર જ્ઞાતિઓમાં એક દૂષણ-સ્વરૂપે સ્વીકૃત બની. પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે સંસ્કૃતીકરણની પ્રક્રિયા દરમિયાન નિમ્ન જ્ઞાતિઓએ પણ ઉપલી જ્ઞાતિઓની દેખાદેખીમાં આ પ્રથા અપનાવી છે એવું દર્શાવ્યું છે. દહેજ અંગેના સમાજશાસ્ત્રીય અભ્યાસો દ્વારા એવું પ્રતિપાદિત થયું છે કે કુલીનશાહી લગ્નપ્રથાએ આ સમસ્યાને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કન્યાનાં માતા-પિતા પોતાનાથી ઊંચા કુળ અથવા ગોળમાં પુત્રીને પરણાવવાનો આગ્રહ રાખી ઊંચો સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે. ક્યારેક પોતાની જ્ઞાતિમાં વર ન મળતાં પોતાનાથી ઊંચો સામાજિક દરજ્જો ધરાવતી પેટાજ્ઞાતિઓમાં પરણાવવા માટે દહેજ આપવું પડે છે. સમય જતાં આ પ્રથામાં વરપક્ષ તરફથી વધુ પ્રમાણમાં કીમતી વસ્તુઓની માંગણી થઈ અને તેને સંતોષવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો. જેમ વરનાં માતાપિતાની આર્થિક સ્થિતિ સારી અને વરનું શિક્ષણ ઉચ્ચ તેમ દહેજનું પ્રમાણ વધતું ચાલ્યું, જે ચિંતાજનક બાબત છે. દક્ષિણ ગુજરાતના અનાવિલ બ્રાહ્મણો અને ખેડા જિલ્લાના છ ગામના પાટીદારોમાં દહેજ આપવાની પ્રથા ઊંચો સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવાની હરીફાઈમાંથી વિકસી છે એમ કહેવાય છે.

ભારતમાં દહેજની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તે દર્શાવે છે કે સ્ત્રીનો સામાજિક દરજ્જો કેટલો નિમ્ન છે. સ્ત્રીઓમાં વધુ ને વધુ શિક્ષણનો ફેલાવો તેમજ સ્ત્રીનું આર્થિક સ્વાવલંબન આ સમસ્યાને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. લગ્ન કરનાર યુવકો પણ દહેજનો ઇન્કાર કરીને આ દિશામાં પહેલ કરે તે શ્રેયસ્કર ગણાય.

ગૌરાંગ જાની