દસ આદેશ : યહૂદી પ્રજાને ઈસુ ભગવાને આપેલા ધર્માચરણના દસ આદેશો. અંગ્રેજીમાં તેને ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ કહે છે. બાઇબલમાં વર્ણવાયેલી ઇઝરાયલી પ્રજાની કથાને આધારે જાણવા મળે છે કે તે પ્રજા આજના ઇજિપ્તમાં લગભગ ચાર સો વર્ષથી વસવાટ કરે છે. ઇજિપ્તમાંનો એનો અંતિમ કાળ વેઠવૈતરું કરવામાં અને ત્યાંના રાજા અને પ્રજાને હાથે યાતના ભોગવવામાં વીતે છે. પ્રભુએ આ પ્રજાને, માનવજાત સમક્ષ પોતાને પ્રગટ કરવા માટે, પસંદ કરી છે; પ્રભુએ ઇઝરાયલી પ્રજાને એ ગુલામગીરીમાંથી બહાર લાવવાનું વચન આપેલું તેથી મોઝિઝ નામના એક ઇઝરાયલી યુવાનને એ પ્રજાને આજના ઇઝરાયલમાં લઈ આવવાનું કામ સોંપે છે. પ્રભુ મોઝિઝની પડખે રહે છે અને મોઝિઝ ઇઝરાયલી પ્રજાને ઇજિપ્તમાંથી બહાર લાવી ભૂમધ્ય સમુદ્રની આરપાર કોરા પગે લઈ જાય છે. ઇઝરાયલી પ્રજા ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચેના અરણ્યમાં પ્રવેશે છે અને ચાળીસ વર્ષ અરણ્યમાં રઝળપાટ કરતી રહે છે. ત્યાં અરણ્યમાં આવેલા સિનાઈ પર્વત પર પ્રભુ મોઝિઝને બોલાવે છે અને મોઝિઝ આખી ઇઝરાયલી પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રભુ સાથે કરારથી બંધાય છે. પ્રભુએ આ પ્રજાને ઉત્પન્ન કરી છે, તેને ગુલામીમાંથી મુક્ત કરી છે, અરણ્યમાં તેનું ભરણપોષણ કરે છે, પ્રેમના તાંતણે તેની સાથે બંધાઈ ગયા છે. સામે પક્ષે પ્રજા પ્રભુ પ્રત્યેનો પોતાનો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરી શકે એ બતાવવા પ્રભુ મોઝિઝને દસ આદેશો આપે છે, જે પથ્થરની બે પાટી પર કોતરવામાં આવે છે. દસ આદેશોનું પાલન એ પ્રજાના પ્રભુ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે. દસ આદેશો સંપૂર્ણ બાઇબલમાં મહાપ્રસ્થાન 20, 2-17માં અને અનુસંહિતા 5, 6-21માં લખાયેલા છે.
ઇઝરાયલીઓ અથવા યહૂદીઓના અને ખ્રિસ્તી ધર્મસંઘના દસ આદેશોના ક્રમમાં ફેરફાર જોવા મળે છે. રોમન કૅથલિક ધર્મસંઘ પ્રમાણે દસ આદેશો આ ક્રમમાં છે : (1) એક જ પરમેશ્વરની સેવા કર, માટે મૂર્તિપૂજા ન કર. (2) પરમેશ્વરનું નામ વ્યર્થ ન લે. (3) વિશ્રામવાર પાળ. (4) માબાપને માન આપ. (5) ખૂન ન કર. (6) વ્યભિચાર ન કર. (7) ચોરી ન કર. (8) જુઠ્ઠી સાક્ષી ન પૂર. (9) પરસ્ત્રીની ઇચ્છા ન રાખ. (10) પરવસ્તુનો લોભ ન કર. પ્રથમ ત્રણ આદેશો માનવના પ્રભુ સાથેના સંબંધને અનુલક્ષીને છે તો બાકીના સાત આદેશો માનવ-માનવ વચ્ચેના સંબંધને વિશે છે. એ રીતે માનવનો પ્રભુ સાથેનો સંબંધ તેના માનવબંધુ સાથેના સંબંધમાં પ્રતિબિંબિત થાય છે. આ દસ આદેશો જીવનના વિકાસ માટે માનવને થયેલું આહવાન ગણાય છે.
જેમ્સ ડાભી