દશેરા : હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્વનું છે.

વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા થાય છે. શ્રવણ નક્ષત્રનો યોગ ઉત્તમ મનાય છે. મદનરત્નમાં વિજય મુહૂર્તમાં સીમા ઓળંગવાનું વિહિત છે. ભવિષ્ય પુરાણના કથન અનુસાર ઈશાનમાં શમી એટલે કે ખીજડાના વૃક્ષનું ઈશાનાભિમુખ થઈ પૂજન-અર્ચન કરવાનું વિધાન છે. ગોપથબ્રાહ્મણ અનુસાર નવાં વસ્ત્રો ધારણ કરી અશ્વ-ગજને શણગારી વાદ્યો સાથે સવારી કાઢી પુરોહિત સાથે રાજાએ સીમા પર્યંત જઈ વાસ્તુ-દેવતા, દિક્પાલ અને શમીનું વેદ-પુરાણોક્ત મંત્રોથી પૂજન કરીને શત્રુની પ્રતિમૂર્તિ વીંધી સીમા પાર કરી વિજયમંત્રો અને જય-મંગલઘોષ સાથે પાછા આવી વડીલોને વંદન કરવાનાં હોય છે. ચતુરંગ સૈન્યનાં કૌતુક દર્શાવવામાં આવે છે. આ દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શુભ મનાય છે.

દશેરા પ્રસંગે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન

આ દિવસે રઘુએ કૌત્સને ચૌદ કોટિ સુવર્ણમુદ્રા કુબેર પાસેથી મેળવી આપી. રઘુએ વધેલું સોનું નાગરિકોને વહેંચ્યું હોવાથી આ દિવસે સોનું લૂંટવાની પણ પરંપરા છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. પાંડવોનો ગુપ્તવાસ આ દિવસે પૂરો થયો અને અર્જુને બૃહન્નલાના વેશે શમી વૃક્ષ ઉપરથી શસ્ત્રો મેળવ્યાં હતાં. આ દિવસે ચામુંડાએ મહિષાસુર માર્યો હતો.

આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે. રામલીલાની સ્મૃતિમાં રાવણદહન કરાય છે. મહારાષ્ટ્રમાં શમીપૂજા, શસ્ત્રપૂજા અને સીમોલ્લંઘનની પરંપરા છે. વિદ્વાનો-પંડિતો જૂની પોથીનું પૂજન કરે છે. યંત્રો અને વાહનોની પૂજા પણ કરાય છે. દુર્ગાની પૂજા મુશ્કેલ કાર્યને પાર પાડે છે. નવરાત્રીની સમાપ્તિનો દિવસ હોવાથી જવારા લાવી ગોખ કે કબાટમાં મૂકવાની પણ પરંપરા છે. કાયસ્થ લોકો પાંચ મંડળ બનાવી પંચ કળશ – ઘટની પૂજા, ગૃહદેવતાનું આરાધન આદિ કરે છે. ચર લગ્નમાં પૂજન-અર્ચન, સીમોલ્લંઘન વધુ શુભ ગણાય છે. બંગાળમાં મૂળ નક્ષત્રમાં દુર્ગા પધરાવી શ્રાવણમાં વિસર્જન થાય છે.

ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે પ્રદેશમાં આ પર્વનું ભારે મહત્વ છે. ભારતમાં આ ઉત્સવ ઉલ્લાસભેર ઊજવાય છે. રાવણના પૂતળાનું દહન કરીને તથા ઘોડા દોડાવીને લોકો ઉત્સવ માણે છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા