દશ-દ્વાર : મનુષ્ય શરીરનાં દશ છિદ્રો. મુખનું એક છિદ્ર, નાસિકાનાં બે છિદ્રો, બે આંખો, બે કાન, એક પાયુ(ગુદા)નું છિદ્ર, એક ઉપસ્થનું છિદ્ર અને એક મસ્તક પરની મધ્યનું બ્રહ્મરંધ્ર. આ દશ દ્વારોને ‘પિંડસ્થદ્વાર’ કહેવામાં આવે છે. સંત સાહિત્યમાં જ્યાં એક મહેલને દસ દરવાજાનો ઉલ્લેખ કરે છે તેનું તાત્પર્ય પણ આ શરીરના દરવાજા સમજવાના છે. ગોરખવાણીમાં કહ્યું છે ‘નવ દરવાજા વશ કરી લિન્હા, દશમેં ડંકા બજાયા.’ જ્યાં નવ દરવાજા વશ કરી લેવામાં આવે ત્યાં વિજયાદશમીનો ડંકો વાગે. અર્થાત્ બ્રહ્મરંધ્ર ખૂલી જાય. નવરાત્રિ અને વિજયાદશમીનું પર્વ આ દશ-દ્વારો પરના વિજય માટે વિહીત છે.
પ્રવીણચંદ્ર પરીખ