દશશ્લોકી : શંકરાચાર્યે ભુજંગપ્રયાત છંદમાં રચેલા દશ સંસ્કૃત શ્લોકોનો સમૂહ. અંતિમ શ્લોક સિવાય તમામ શ્લોકોનું અંતિમ ચરણ સમાન છે. ‘तदेकोडवशिष्ट: शिव: केवलोडहम्’ આ અંતિમ ચરણમાં ‘હું તેમાં એક જ બાકી રહેલો કેવળ શિવ છું’ એમ કહેવામાં આવ્યું છે. આગલાં ત્રણ ચરણોમાં ‘હું જુદી જુદી વસ્તુઓ નથી’ એવું વિધાન કરવામાં આવ્યું છે. પ્રથમ શ્લોકમાં પાંચ મહાભૂતો અને ઇન્દ્રિય કે તેનો સમૂહ; બીજા શ્લોકમાં વર્ણો, વર્ણાશ્રમધર્મો, ધારણા, ધ્યાન અને યોગ; ત્રીજા શ્લોકમાં માતાપિતા, દેવો, લોકો, વેદો, યજ્ઞો કે તીર્થો; ચોથા શ્લોકમાં સાંખ્ય, શૈવ, પાંચરાત્ર, જૈન, મીમાંસક વગેરે મતો; પાંચમા શ્લોકમાં દિશાઓ અને સ્થિતિગતિઓ; છઠ્ઠા શ્લોકમાં રંગ વગેરે રૂપના પ્રકારો; સાતમા શ્લોકમાં ગુરુ, શિષ્ય, શિક્ષણ, શાસ્ત્ર, સંસાર વગેરે; આઠમા શ્લોકમાં સ્વપ્ન વગેરે ત્રણ અવસ્થાઓ અને પ્રાજ્ઞ વગેરે અવિદ્યાત્મક ત્રણ તત્વો; નવમા શ્લોકમાં મિથ્યા જગત વગેરે પોતે નથી, પરંતુ અધ્યાસરહિત, વિશિષ્ટ અનુભૂતિયુક્ત, વ્યાપક, રૂપરહિત જ્યોતિ, વિકલ્પરહિત અને વાણીનું અવિષય એવું શિવતત્વ – બ્રહ્મતત્વ પોતે છે એમ કહેવામાં આવ્યું છે.
દશશ્લોકીમાં શંકરાચાર્યે પોતાના અદ્વૈતવાદની મુખ્ય ભૂમિકા સૂત્રાત્મક રીતે આપી છે. અદ્વૈતવાદની સૂચક દશશ્લોકી પર મધુસૂદન સરસ્વતીએ ‘સિદ્ધાન્તતત્વબિંદુ’ નામનો ટીકાગ્રંથ લખીને અદ્વૈતવાદના અનેક મુખ્ય સિદ્ધાન્તો તેમાં ઉલ્લેખાયા છે એમ પ્રતિપાદિત કર્યું છે. આમ નાનકડા દશ શ્લોકોની ગાગરમાં તત્વજ્ઞાનનો સાગર ભરેલો છે એની ખાતરી મધુસૂદન સરસ્વતીના દશશ્લોકી પરના ‘સિદ્ધાન્તતત્વબિંદુ’ નામના વિવરણ પરથી થાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી