દશમ ગ્રંથ : શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો ગ્રંથ, જેના કેટલાક ભાગમાં ગુરુજીના દરબારી કવિઓની રચનાઓ પણ છે. ગુરુજીની પોતાની જે રચનાઓ છે, તેના ઉપર ‘શ્રી મુખ્યવાક્ પાતશાહી 10મીં’ લખેલ છે. અવતારો અને દેવીઓના વિષયની રચનાઓ, યુદ્ધવિષયક કાવ્યરચનાઓ તથા ‘સ્ત્રીચરિત્ર’વાળા ભાગો દરબારી કવિઓના છે. આ ગ્રંથ ગુરુમુખી લિપિમાં છે, પણ તેમાં પંજાબી ઉપરાંત સંત ભાષા, અરબી, ફારસી તથા સંસ્કૃત ભાષાઓનો ઘણી જગ્યાએ ઉપયોગ થયો છે.
ગ્રંથમાં ઈશ્વરભક્તિ, ઈશ્વરનાં ગુણગાન તથા વર્ણન છે, તેમજ ઘણી સમસ્યાઓ માટે ઉત્તમ વિચાર છે. કાવ્યમય બોલી દ્વારા માનવીય ઉદગારો અને તરંગોને ઝંકૃત અને પુનર્જીવિત કર્યા છે. દિલના દર્દથી, દર્દભરી ભાષાથી જનતાની સાથે દર્દની વહેંચણી કરી અને ઊંચા આદર્શોને માટે દર્દ પેદા કરી, મૃત દિલને દર્દથી જ પુનર્જીવિત કર્યાં છે. તેની ભાષા વેધક અને વેદનાસભર છે.
આ ગ્રંથના વિશેષ ભાગો નીચે પ્રમાણે છે :
(1) જાપ સાહિબ
(2) અકાલ ઉસ્તતિ (અકાળ સ્તુતિ)
(3) ત્વ પ્રશાદિ કવિત્ત
(4) ત્વ પ્રશાદિ સ્વઈએ
(5) તેત્રીસ (33) સ્વઈએ
(6) રામકલી પાતશાહી 10
(7) જ્ઞાનપ્રબોધ
આ સાત વિભાગોમાં ગુરુજીએ સુંદર કાવ્યરચના દ્વારા પ્રભુનાં વર્ણન, ગુણગાન અને ભક્તિભાવ રજૂ કર્યાં છે.
(8) વિચિત્ર નાટક : ગુરુજીની આત્મકથા અને બીજા ગુરુસાહેબોના ઉપદેશ છે. ગુરુજીએ પોતાના જન્મના ઉદ્દેશ અને પોતે લડેલાં ધર્મયુદ્ધોનું વર્ણન ચિત્રાત્મક શૈલીમાં કર્યું છે.
(9, 10) ચંડીચરિત્ર ભાગ 1 તથા 2 : આમાં રાક્ષસોની વિરુદ્ધ દેવીનાં ભયાનક યુદ્ધો અને સફળતાનું વર્ણન છે. મોટા ભાગની પરિસ્થિતિ કલ્પિત છે, પરંતુ તે પ્રભાવશાળી કવિતામાં છે, જેનો હેતુ શીખોમાં જોશ ભરવાનો છે.
(11) ચંડીની વાર : આનો હેતુ પણ લોકોને ઉત્તેજિત કરવાનો છે.
(12) શસ્ત્રનામમાળા : આમાં શસ્ત્રોનાં નામ અને ગુણનું વર્ણન છે.
(13) ચોવીસ અવતાર : વિષ્ણુના 24 અવતારોનું વિવરણ છે.
(14) બ્રહ્માવતાર : બ્રહ્માના 7 અવતારોનું વર્ણન છે.
(15) રુદ્ર પાશવ અવતાર : શિવના અવતારોનું વર્ણન છે.
(16, 17) હિકાયતેં અને ઝફરનામા : આ ભાગમાં ફારસી ભાષામાં ઔરંગઝેબને તેનાં દુષ્ટ કર્મો અને તેમનાં પરિણામો વિશે જોરદાર રીતે જણાવવામાં આવ્યું છે.
(18) સ્ત્રીચરિત્ર : આમાં શોક તથા વિમાતાના દુ:ખનું વર્ણન છે. આ કાવ્યો ગુરુજીનાં નથી.
દર્શનસિંઘ બસન