દશમ સ્કંધ : શ્રીમદભાગવતના દશમ સ્કંધ પરથી મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલ કાવ્યગ્રંથ. મધ્યકાળના ગુજરાતી સાહિત્ય ઉપર શ્રીમદભાગવતની અસર પ્રબળ રૂપે જોવા મળે છે. એમાંયે તેના દશમ સ્કંધની તો કવિઓને લગની જ લાગેલી હોય એમ જણાય છે. કૃષ્ણની બાળલીલા, જસોદાનાં હાલરડાં, દાણ અને રાસલીલા, રાધા–કૃષ્ણનાં રૂસણાં અને મનામણાં વગેરેનું કાવ્યોમાં જે નિરૂપણ થયું છે તેનું મૂળ પણ ‘દશમ સ્કંધ’નો પ્રભાવ છે. ઘણા કવિઓએ દશમ સ્કંધનાં પદો, ભાગવતસાર, રાસપંચાધ્યાયી જેવી રચનાઓ આપી છે. ભીમ, કેશવદાસ, માધવદાસ, લક્ષ્મીદાસ અને રત્નેશ્વર જેવા કેટલાક કવિઓએ ક્વચિત્ અન્ય રચનાઓનો આધાર લઈને પણ ભાગવત અને દશમ સ્કંધનો સળંગ અનુવાદ આપવાના નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે. કીકુ વસહી અને રઘુનાથ જેવા કેટલાક કવિઓએ કૃષ્ણજીવનવિષયક દશમ સ્કંધ આધારિત કૃષ્ણલીલા પણ ગાઈ છે. કેશવદાસ કાયસ્થ અને ક્હાન (રાઉલ) જેવા કવિઓએ કૃષ્ણક્રીડા–કૃષ્ણલીલાનાં મનોરમ કાવ્યો રચ્યાં છે. આ સર્વમાં ભાલણ અને પ્રેમાનંદના દશમ સ્કંધ વિશેષ નોંધપાત્ર છે.

ભાલણે ભાગવત–આધારિત કથાનકને સંક્ષેપમાં નિરૂપ્યું છે અને કૃષ્ણની બાળચેષ્ટાઓ તથા જશોદા અને દેવકીનાં મનોવલણો અસરકારક રીતે આલેખ્યાં છે. એમાં ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો ઉત્કટ સ્નેહ, એની મધુરિમા; કૃતિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણનાં પ્રભાવક ચિત્રણો અને સાથે વણાયેલો રસિક વિનોદ કવિની વિશેષતા રૂપે પ્રગટ થાય છે. મુખ્યત્વે કડવાં તરફ ગતિ કરતી પદરચના અહીં જોવા મળે છે.

પ્રેમાનંદનો ‘દશમ સ્કંધ’ એ ભાગવતના દશમ સ્કંધના 90 અધ્યાયોમાંથી 53મા અધ્યાય(પૂરો નહિ)ની કથાને 165 કડવાંમાં રજૂ કરે છે. પણ આ કૃતિ અધૂરી છે અને પછી સુંદર મેવાડાએ પૂરી કરેલી છે. પ્રધાન પ્રસંગોને કવિ બહેલાવીને રજૂ કરે છે અને એમાં કથાનાં રસસ્થાનો સમર્થ રીતે વિકસાવે છે. કવિએ મૂળ કૃતિમાં કેટલાક ફેરફારો કર્યા છે, ઉમેરણો પણ કર્યાં છે. એમ કરવા જતાં ક્યાંક બ્રહ્મા જેવા પાત્રમાં પ્રાકૃતતાની રેખા પણ ઉપસાવી બેસે છે. ક્વચિત્ ગોપિકાઓ કૃષ્ણનાં વસ્ત્રો ઉતારવા તૈયાર થાય છે ત્યાં થોડીક વિકૃતિ પણ ડોકાઈ જાય છે. કવિએ શૃંગાર, હાસ્ય, વાત્સલ્ય, અદભુત અને કરુણ રસનાં કેટલાંક સુંદર નિરૂપણો કર્યાં છે. ખાસ કરીને કંસ દેવકીને મારવા જાય છે ત્યારે એના વિલાપપ્રસંગમાં અને કૃષ્ણ દડો શોધવા યમુનામાં ઝંપલાવે છે ત્યારે જશોદાના માતૃહૃદયની ચીસ અને એનો વલોપાત ‘મારું માણેકડું રિસાયું રે’ –એ સુખ્યાત વિલાપગીતમાં ઉત્તમ રીતે અભિવ્યક્તિ પામ્યાં છે. આ અધૂરી કાવ્યકૃતિ કવિની પ્રૌઢિનાં દર્શન કરાવે છે અને એમની એ ઉત્તરકાળની રચના જણાય છે. નંદ-યશોદાનો વાત્સલ્યમાંથી પ્રગટતો  કરુણ આ કાવ્યનો પ્રધાન રસ છે. અદભુતને પણ કવિએ સરસ રીતે નિરૂપ્યો છે અને એ કૃતિના ભક્તિભાવને પોષણ આપે છે. પૂતના આદિનાં કેટલાંક વર્ણનોમાં કવિ પોતાની વર્ણનશક્તિનો આકર્ષક પરિચય આપે છે. વિવિધ પ્રસંગોને કવિ મનોહર રીતે ઉપસાવે છે અને એની ચિત્રાત્મકતાનો અને ભાષાબળ સાથેના વૈભવનો પણ એવો જ મનોરમ પરિચય કરાવે છે.

ચિમનલાલ ત્રિવેદી