દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.
‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.
એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.
‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.
પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત છે.
રમણિકભાઈ જાની