દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ

March, 2016

દલાલ, સુરેશ પુરુષોત્તમદાસ (જ. 11 ઑક્ટોબર 1932, થાણે, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 2012, મુંબઈ) : ગુજરાતી કવિ, સંપાદક, અધ્યાપક, નિબંધકાર, વિવેચક, શિક્ષણવિદ, વૃત્તપત્ર-કટાર-લેખક.

ઉછેર અને શિક્ષણ મુંબઈમાં. ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. (1953), મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. (1955) અને તે જ યુનિવર્સિટીમાં ‘ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્ય : છ આધુનિક કવિઓના વિવેચનાત્મક અભ્યાસ સાથે’ એ વિષય સાથે પીએચ.ડી. (1969). તેમનું લગ્ન સુશીલાબહેન (તે વખતે ગાંધી) સાથે થયેલું છે.

1956થી 1973 સુધી મુંબઈની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. 1973માં મુંબઈની એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ. તે જ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અધ્યયન-સંશોધન વિભાગના નિયામક તરીકે વય-નિવૃત્ત થયા (1992). દરમિયાન તે યુનિવર્સિટીમાં અનેક વખત કાર્યકારી કુલપતિ રહ્યા. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના કુલપતિ તરીકે પણ કામ કર્યું (1992–93).

સુરેશ પુરુષોત્તમદાસ દલાલ

શિક્ષક અને શિક્ષણવિદ તરીકે નોંધપાત્ર પ્રદાન. મહારાષ્ટ્ર સરકારે ‘બેસ્ટ ટીચર્સ ઍવૉર્ડ’થી નવાજ્યા. યુ.જી.સી.એ ’82–83ના વર્ષના નૅશનલ લેક્ચરર તરીકે પસંદ કરેલા. 1992માં પ્રોફેસર ઇમેરિટસ થયા. છ વર્ષ સુધી યુ.જી.સી. અને તેની વિવિધ કમિટીઓના સભ્ય તરીકે દેશની શિક્ષણ-વ્યવસ્થા વિશે વિચારણા અને કામગીરી કરી છે. સેન્સર બોર્ડ અને દિલ્હી સાહિત્ય અકાદમીના સભ્ય અને ગુજરાતની સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી હતી.

સાહિત્યમાં મુખ્ય પ્રદાન કવિતાના ક્ષેત્રે. વિદ્યાર્થીકાળથી કવિતા લખતા હતા. અનેક કાવ્યસંગ્રહોનું સંપાદન કરતા રહ્યા. તેમના ત્રીસેક જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે; જેમાં ‘અસ્તિત્વ’, ‘એકાન્ત’, ‘ઘરઝુરાપો’, ‘સ્કાયસ્ક્રેપર’ અને ‘તરાપો’ ઉલ્લેખનીય છે. 1986 સુધીની તેમની સર્વ કવિતા ‘કાવ્યસૃષ્ટિ’ (1986) નામના સંચયમાં ગ્રંથસ્થ થઈ છે. ઊર્મિગીતો, કૃષ્ણકાવ્યો, વર્તમાન સમાજની વિષમતા વિશેની અછાંદસ રચનાઓ અને સૂક્ષ્મ સંવેદનભર્યાં ગીતો અને કાવ્યો તેમનું વિશિષ્ટ અર્પણ છે. બાળકાવ્યોના ચૌદ જેટલા સંગ્રહો તેમણે આપ્યા છે. કવિતાક્ષેત્રે પ્રયોગો કરતા રહેલા; જેમ કે, તસવીરો નિહાળી કરેલાં કાવ્યો (‘માયાપ્રવેશ’), મધ્યકાલીન પદોની પ્રથમ પંક્તિ લઈ કરેલી પદરચના (‘પદધ્વનિ’) વગેરે.

સંપાદનક્ષેત્રે તેમનું આગવું અર્પણ છે. તેમણે પચાસથી વધુ કવિઓના કાવ્ય-સંગ્રહોનું, અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના અને રસાસ્વાદ સાથે સંપાદન કર્યું છે. ‘કાવ્યવિશ્વ’(1975)માં વિશ્વભરના વિવિધ કવિઓની કૃતિઓનું ભાષાંતર કરાવી સંપાદન કર્યું છે. પરદેશી તેમજ ભારતીય ભાષાઓની કથાઓના વાર્તાસંગ્રહોનું સંપાદન કર્યું છે. અન્ય અનેક સંપાદનો કર્યાં છે.  તેમનો પોતાનો એક વાર્તાસંગ્રહ ‘પિનકુશન’ (1978) છે. બાળવાર્તાનાં સંગ્રહો અને કૅસેટ કર્યાં છે. ‘કવિલોક’ અને ‘વિવેચન’ સામયિકોના સહતંત્રી રહી ચૂક્યા હતા અને ‘કવિતા’ દ્વૈમાસિકનું છેલ્લાં ત્રીસેક વર્ષ સંપાદન કર્યું. ઘણા નવા કવિઓ અને લેખકોને લખતા કરવામાં તેમનો ફાળો છે.

વિવેચનના તેમના પાંચેક ગ્રંથો તેમની નિર્ભીકતા, નિખાલસતા અને સરળતા દર્શાવે છે.

અનુવાદક્ષેત્રે તેમણે પ્રભાવક કામ કર્યું છે. પાંચ જેટલા મરાઠી કાવ્યસંગ્રહો, વિશ્વની કાવ્યરચનાઓ, નવલો, વાર્તાઓ અને અન્ય સાહિત્યને અનુવાદ દ્વારા તેઓ ગુજરાતીમાં લાવ્યા છે. સુનીતા દેશપાંડેનાં સંસ્મરણોનો મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ (‘મનોહર છે તો પણ’, 1993) કરવા માટે તેમને રાષ્ટ્રીય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું.

સાહિત્યક્ષેત્રે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ન્હાનાલાલ ઍવૉર્ડ, કાલેલકર ઍવૉર્ડ અને નર્મદ ચંદ્રક એનાયત થયા હતા. તેમનાં ઘણાં પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે.

તેમની મુલાકાતનાં (જયાબહેન મહેતાએ કરેલાં) બે પુસ્તકો : ‘ડાયલૉગ’ (1988) અને ‘વેવલેન્થ’(1995)ના નામે પ્રસિદ્ધ થયાં છે. તે પુસ્તકો તેમના જીવન અને વિચારમાં ડોકિયું કરવાની તક આપે છે.

મહેશ મ. દવે