દલાલ, નયના (જ. ૨ ઑગસ્ટ 1935, વડોદરા) : ગુજરાતનાં એક ગ્રાફિક કલાકાર તથા ચિત્રકાર. મ. સ. યુનિવર્સિટીમાંથી ચિત્રકલાના વિષયમાં બી.એ. (1957) તથા એમ.એ.(1959)ની પદવી મેળવી. લંડનના રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅક્નિકમાં લિથોગ્રાફી(1960–63)નો અને ન્યૂયૉર્કના પ્રૅટ ગ્રાફિક સેન્ટરમાં એચિંગ(1974)નો અભ્યાસ કર્યો. 196૨માં તેમણે કાશ્મીરી ચિત્રકાર ડૉ. રતન પારીમૂ સાથે લગ્ન કર્યું.

નયના દલાલ

ગ્રૂપ 8 તરફથી યોજાતાં વાર્ષિક ગ્રાફિક પ્રદર્શનોમાં દિલ્હી (1975થી 78) તથા ચંડીગઢ (1979થી 1985) ખાતે ભાગ લેવા ઉપરાંત ગુજરાત રાજ્ય લલિત કલા એકૅડમી, બૉમ્બે આર્ટ સોસાયટી તથા દિલ્હીની લલિત કલા એકૅડેમી યોજિત પ્રદર્શનો જેવાં દેશમાં યોજાતાં વિવિધ પ્રદર્શનોમાં  ભાગ લીધો. પરદેશમાં પણ તેમણે લંડનમાં યોજાયેલા સેનફોલ્કર ગ્રૂપ ઑવ્ આર્ટિસ્ટ લિથોગ્રાફર્સ પ્રદર્શનમાં (1961, ’62, ’63) અને ‘સાઉથ એશિયન આર્ટિસ્ટ્સ’ તથા ‘યંગ કૉમનવેલ્થ આર્ટિસ્ટ્સ’ પ્રદર્શનમાં લંડન ખાતે (1962) તથા ‘ઇન્ડિયા ફેસ્ટિવલ ઇન યુ.એસ.’ પ્રદર્શનમાં ભાગ લીધો. તેમનાં વૈયક્તિક પ્રદર્શનો મુંબઈ (1973, ’84, ’86, ’90, ’91), અમદાવાદ (1981, ’88), દિલ્હી (1982), કૉલકાતા (1989) – એમ દેશનાં પ્રમુખ નગરોમાં યોજાયાં છે.

મુંબઈ રાજ્ય કલાપ્રદર્શન (1960), ગુજરાત રાજ્ય કલા પ્રદર્શન (1964, ’68 તથા ’81), બૉમ્બે આર્ટ સોસાયટી (1975), ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટસ સોસાયટી, દિલ્હી (1990, ’91) જેવાં પ્રદર્શનોમાં તેમને ઇનામ મળેલાં છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી ફેલોશિપ મેળવી તેમણે ‘ઑલ્ટરનેટિવ પ્રિન્ટમેકિંગ ટૅક્નિક’ પર સંશોધન કર્યું (1982–84). પ્રિન્ટમેકિંગની તાલીમ અંગે તેમણે વર્કશૉપ વગેરેમાં કામગીરી બજાવી છે.

નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી; ઍર ઇન્ડિયા, મુંબઈ; ગુજરાત રાજ્ય લલિત કલા એકૅડેમી; લલિત કલા એકૅડેમી, નવી દિલ્હી, ચૅઝ મૅનહૅટન બૅંક, ન્યૂયૉર્ક; વિક્ટોરિયા ઍન્ડ ઍલ્બર્ટ મ્યુઝિયમ, લંડન; મ્યુઝિયમ ફૉર ઇન્ડિયન આર્ટ, બર્લિન તથા મ્યુઝિયમ ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ, ડરબન જેવા ઘણાં સ્થળોએ તેમની કૃતિઓ સ્થાન પામી છે. નયનાબહેનનાં પુત્રી ગૌરી પારીમૂ કૃષ્ણાને નયનાબહેન અને તેમની કલા અંગે પુસ્તક ‘ઇમેજીઝ ઑફ કમ્પેશન : આર્ટ ઑફ નયના દલાલ’ લખ્યું છે, જે 1999માં પ્રકાશિત થયું છે.

મહેશ ચોકસી