દલાલ, જયન્તિ (જ. 18 નવેમ્બર 1909, અમદાવાદ; અ. 24 ઑગસ્ટ 1970) : ગુજરાતી એકાંકીકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યવિદ, નાટ્ય-અભિનેતા અને દિગ્દર્શક. તખલ્લુસો : ‘બંદા’, ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘મનચંગા’. રાષ્ટ્રીય ચળવળના સેનાની, સામાજિક કાર્યકર, પત્રકાર, પ્રામાણિક રાજપુરુષ, મહાગુજરાતના સ્વપ્નદ્રષ્ટા. જન્મ અમદાવાદની નાગોરીશાળામાં. જ્ઞાતિએ વીસા ઓસવાળ જૈન. પિતા ઘેલાભાઈ ધંધાદારી ‘દેશી નાટકસમાજ’ના સંચાલક. આથી બાળપણ પ્રવાસમાં વીત્યું. પરિણામે પ્રાથમિક શિક્ષણ વિવિધ સ્થળે લીધું. માધ્યમિક શિક્ષણ ટ્યૂટોરિયલ હાઈસ્કૂલ અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા. 1928માં યુવાનોનું નેતૃત્વ લઈને પ્રિ. શીરાઝ સામે લડત ચલાવીને હડતાળ પડાવેલી અને 1930માં બી.એ.ના અંતિમ વર્ષે અસહકારની ચળવળમાં જોડાઈને અભ્યાસ છોડ્યો. પછી સતત રાજકીય-સામાજિક પ્રવૃત્તિમાં રત રહ્યા. સાથે સાથે પોતાને પ્રિય એવી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય રહ્યા – સર્જનક્ષેત્રે અને અભિનયક્ષેત્રે. ‘વીણાવેલી’ અને ‘દુર્ગા’માં યાદગાર અભિનય કર્યો. એ પહેલાં 1939માં ‘બિખરે મોતી’ જેવી પ્રયોગશીલ કલાત્મક ફિલ્મ બનાવી. 1947માં રંજનબહેન સાથે લગ્ન કર્યું. 1956ની મહાગુજરાતની લડતના અગ્રણી નેતા. પછીના વર્ષે વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. 196૨માં હાર્યા.
1939થી મુદ્રકનો વ્યવસાય શરૂ કરેલો. ‘રેખા’ (સાહિત્યનું), ‘એકાંકી’ (રંગભૂમિનું) સામયિકોના સંપાદક. ‘ગતિ’ સાપ્તાહિક અને ‘નવગુજરાત’ દૈનિક જેવાં પત્રો ચલાવ્યાં.
1941માં એમનો પ્રથમ એકાંકીસંગ્રહ ‘જવનિકા’ પ્રસિદ્ધ થયો ત્યારથી પ્રારંભી 1957માં ‘ચોથો પ્રવેશ’ પ્રસિદ્ધ થયો ત્યાં સુધીના સમયગાળામાં એકાંકીનું સતત સર્જન કર્યું. ધંધાદારી રંગભૂમિના સહવાસથી એમની નાટ્યસૂઝ પાંગરી હતી, જે અવેતન રંગભૂમિમાં એમને ઉપકારક નીવડી. ‘સોયનું નાકું’, ‘માની દીકરી’, ‘દ્રૌપદીનો સહકાર’ જેવી કૃતિઓ એકાંકી – સર્જક જયન્તિ દલાલનો સર્જક-ઉન્મેષ છતો થયો છે. એમનાં એકાંકીઓમાં વિષયનું વૈવિધ્ય-નાવીન્ય છે. બોલચાલની ભાષાનો વિનિયોગ એમણે સફળ રીતે કર્યો છે. સંવાદ સહજ રૂપે અવતરે છે. પ્રયોગ એમની રુચિ હતી. અંગ્રેજી નાટક ‘બરી ધ ડેડ’ ઉપરથી રૂપાંતરિત ત્રિઅંકી નાટક ‘અવતરણ’(1949)માં પૃથ્વી પર અવતરવાની ના પાડતાં ગર્ભસ્થ બાળકોના સંદર્ભમાં મંચનનો ‘વિલક્ષણ પ્રગલ્ભ પ્રયોગ’ થયો. એમણે ‘રંગપોથી’ ઇત્યાદિ ચાર સંગ્રહોમાં બાળનાટકો પણ લખ્યાં છે. નાટ્યસર્જન સાથે નાટ્યવિવેચન પણ કર્યું છે. ‘કાયા લાકડાની, માયા લૂગડાંની’ અને ‘નાટક વિશે’ એ બે નાટ્યવિવેચનના લેખસંગ્રહો છે.
એકાંકીના સર્જનની સમાંતરે એમનું ટૂંકી વાર્તાનું સર્જન ચાલ્યું હતું. ‘ઉત્તરા’ (1944), ‘જૂજવાં’ (1950), ‘કથરોટમાં ગંગા’, ‘મૂકમ્ કરોતિ’ (1953), ‘આ ઘેર પેલે ઘેર’ (1956), ‘અડખેપડખે’ (1964) અને ‘યુધિષ્ઠિર’ (1968) – એ સાત વાર્તાસંગ્રહોમાં 135 વાર્તાઓ છે. ‘રેખા’ સામયિક એમના વાર્તાસર્જનનું પ્રારંભિક પરિબળ રહ્યું છે. ‘ઉત્તરા’, ‘જગમોહને શું જોયું ?’, ‘મોહન ધૂળાની હિસ્ટરી ટિકિટ’, ‘ઝાડ, ડાળ અને માળો’, ‘અડખેપડખે’, ‘યુધિષ્ઠિર’ ઇત્યાદિ વાર્તાઓ સિદ્ધ વાર્તાકારનાં દર્શન કરાવે છે. વાર્તાકાર તરીકે દલાલ પ્રયોગશીલ રહ્યા છે. પ્રતીકનો વિનિયોગ એમની વિશિષ્ટતા છે તો કટાક્ષ એમની સિદ્ધિ છે. માનવમનની વાત વિવિધ રીતે વ્યક્ત કરવામાં એ સફળ રહ્યા છે. પાછળની એમની કેટલીક વાર્તાઓ ‘ઘટનાથી દૂર નાસતી રચના’ લાગે છે.
‘ધીમુ અને વિભા’ (1943) એ નવલકથા ‘જીવનનિષ્ઠ કૃતિ’ છે. માનવમનનું વિશ્લેષણ કરતી આ માનસશાસ્ત્રીય નવલકથામાં દલાલની પ્રયોગશીલ પ્રતિભાનો ઉન્મેષ છતો થયો છે. અલબત્ત, ગુજરાતી માનસશાસ્ત્રીય નવલકથાક્ષેત્રે આ કૃતિ સીમા-સ્તંભ સમી છે. ‘પાદરનાં તીરથ’(1946)માં પરિસ્થિતિજન્ય માનવીય લોકસમાજમાં પરિસ્થિતિજન્ય વૃત્તિ-વર્ણન કેન્દ્રમાં છે. દલાલની વર્ણનશક્તિ અને પાત્રનિરૂપણરીતિ આ નવલકથાને વાચનક્ષમ બનાવે છે. સામાન્ય માનવનું આત્મગૌરવ એ જ એનું ‘પાદરનાં તીરથ’.
‘પગદીવાની પછીતેથી’ (1940)માં વિશિષ્ટ ને અનોખાં જીવંત ગદ્યચિત્રો છે. આ ગદ્યખંડો ક્યાંક રેખાચિત્રો જેવાં છે તો ક્યાંક રસળતા નિબંધ જેવા છે. ‘શહેરની શેરી’(1948)નું સ્વરૂપ વાર્તાત્મક – નિબંધાત્મક છે. આ બંને કૃતિઓમાં એમની ચિત્રણશક્તિની વિશિષ્ટતા પ્રતીત થાય છે.
‘મનમાં આવ્યું’ (1961) અને ‘તરણાની ઓથ મને ભારી’(1963)માં ટૂંકાં વ્યક્તિચિત્રો અને લઘુલેખો છે. લેખકની ઉત્તમ કટાક્ષશક્તિનો પરિચય એમાં મળે છે.
અનુવાદક તરીકે જયન્તિ દલાલનું પ્રદાન ખાસ્સું છે. ટૉલ્સ્ટૉયકૃત ‘વૉર ઍન્ડ પીસ’નો એમણે પ્રશસ્ય અનુવાદ ‘યુદ્ધ અને શાંતિ’ ભાગ 1થી 4 (1954થી 1956) કર્યો છે. આ વિશ્વવિખ્યાત કૃતિને એમણે પૂરી નિષ્ઠાથી ગુજરાતી ભાષામાં ઉતારી છે. ચાર્લ્સ ડિકન્સની ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’ નવલકથાનો અનુવાદ ‘આશા બહુ લાંબી’ (1964) નામે કર્યો છે.
તેમણે જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓના અનુવાદ ચીવટ અને નિષ્ઠાથી આપી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ઇસ્કિલસના ‘ઍગ-મેમ્નોન’નો ગદ્ય અનુવાદ એમની ગ્રીક નાટકની સમજ નિર્દેશે છે. જ્યૉર્જ ઑરવેલની ‘ઍનિમલ ફાર્મ’નો અનુવાદ ‘પશુરાજ્ય’ (1947) નામે કર્યો છે. ઇટાલિયન નવલકથા ‘ફોન્તામારા’ને પણ અંગ્રેજી ભાષાના માધ્યમે ગુજરાતીમાં લઈ આવ્યા છે.
જયન્તિ દલાલ વાસ્તવલક્ષી સાહિત્ય અર્પનારા મોટા ગજાના સર્જક હતા. તેમને 1959નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયેલા.
પ્રફુલ્લ રાવલ