દલપતરાય (જ. 1769; અ.1849) : સિંધી ભાષાના વેદાંતી કવિ. જન્મ સિંધના સેવહણ ગામે.
હૈદરાબાદના મીર શાસકોને ત્યાં નોકરી કરતા હતા ત્યારે સંત આસરદાસના સંપર્કમાં આવતાં નોકરીનો ત્યાગ કર્યો અને આધ્યાત્મિકતાના રંગે રંગાઈ ગયા.
લાંબા સમય સુધી ઝોક શરીફ દરગાહમાં રહેવાના કારણે તેઓ સૂફી કવિ શાહ અબ્દુલ લતીફના કલામથી પ્રભાવિત થયા હતા. જ્ઞાનમાર્ગી દલપતરાયની કાવ્યવાણીમાં વેદાંત અને સૂફીવાદ બંનેના સૂર સંભળાય છે.
સ્વને નામશેષ કરીને અંતર્મનમાં જ અલખને નીરખવા તથા પામવાનો તેમની કવિતાનો મૂળ ભાવાર્થ રહ્યો છે.
તું હિંજો તો મેં આહે રામ
છોથો ડેહજા ડુંગર ડોરીં ?
પેહી બજુ પાણમેં, છડે પંહિંજો પાણ
ડેઈ આદેસી અલખજો, અંદર મેં ઉહજાણ
વિવિધ ધર્મો અને જાતિઓનો વિરોધ કરતાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો અને પ્રભુ સર્વે લોકમાં સમાન નિવાસ કરે છે તેમ કહેતાં પ્રશ્ન ઉઠાવ્યો કે જો પીપળામાં પ્રભુનો વાસ હોય તો બાવળમાં કોનો વાસ હોય છે ? મંદિર તથા મસ્જિદમાં એક જ જ્યોત પ્રજ્વલિત હોય છે. માનવ-માનવ વચ્ચેના ભેદનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે સ્વયં બ્રહ્મે ચોર્યાસી લાખ યોનિઓનું આવરણ ઓઢી લઈને માયાવી ખેલની રચના કરી છે. આથી પ્રાણીમાત્રમાં તેનો વાસ રહે છે.
દલપતરાયે સિંધી ઉપરાંત હિંદી, સરાઈકી તથા ફારસીમાં પણ કાવ્ય-રચના કરી. મધ્યકાલીન સંતકવિઓની પરંપરાનુસાર તેમણે સાધુકડી ભાષાનો પ્રયોગ કર્યો અને કલાની અપેક્ષાએ કથ્યને પ્રાધાન્ય આપ્યું. તેમણે દોહા પદોની રચના કરી.
દલપતરાય સબકો કહે
ચેત ના સકે કોઈ,
જો ચેતે અંતર બિખે
પાયે પરમ પદ સોઈ
દલપત વસ્તુ એક હૈ
નામ લિયે હૈ દોઈ.
બાહ્ય પાખંડની તેમણે ભર્ત્સના કરેલી છે.
પ્રા. મ. જ. ઠક્કુરે 1938માં દલપતરાયની કાવ્યકૃતિઓ સંકલિત કરીને ‘સિંધી વાણી’ નામે ગ્રંથ પ્રગટ કર્યો. ગિદુમલ હરજાણીએ ‘દીવાન દલપત’ નામે બે ભાગમાં તેમની કવિતાઓ સંગૃહીત કરી હતી.
જયંત રેલવાણી