દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને જ્ઞાનચજ્ઞુ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉદભવેલી વિચારપરંપરાઓ. જગતમાં જન્મીને મનુષ્ય લૌકિક વસ્તુઓનું જ્ઞાન ચર્મચક્ષુથી મેળવે છે. એ પછી પોતાને થતી અનેક શંકાઓનું તે નિરાકરણ કરે છે. શરીર વગેરે જડ વસ્તુઓનું કે તેમાં રહેલા ચેતન-તત્વનું પૃથક્કરણ કરી આત્મા, પરમાત્મા અને જગત વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ ર્દષ્ટિ વિકસી તે દર્શન કહેવાઈ. આવું દર્શન અર્થાત્ જ્ઞાન લૌકિક, પારલૌકિક અને અલૌકિક – એમ ત્રણ પ્રકારનું છે: (1) આ જગતમાં જ સુખ મેળવવા ઇચ્છતા અને એ ર્દષ્ટિએ જગતને જોનારા મનુષ્યોનું જ્ઞાન તે લૌકિક દર્શન. (2) પારલૌકિક દર્શન એટલે આ જગતમાં પુનર્જન્મ પામનારા અથવા આ લોકમાંથી બીજા લોકમાં જનારા મનુષ્યોનું જ્ઞાન. (3) અલૌકિક દર્શન એટલે આ જડ જગતનાં કર્મબંધનોમાંથી પરલોકમાં ન જતાં ચેતન આત્મા એ જ પરમાત્મતત્વ કે પરબ્રહ્મ છે એવું જ્ઞાન થતાં પરબ્રહ્મમાં જ ભળી જતાં થતી મોક્ષપ્રાપ્તિને લગતું દર્શન. આ દર્શન પ્રાચીન ઋષિઓની અંત:સ્ફુરણાનું ફળ છે.

સમગ્ર વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય વેદો છે. તેનો રચયિતા કોઈ વ્યક્તિવિશેષ ન હોવાથી તે અપૌરુષેય ગણાય છે. પ્રકૃતિના સાંનિધ્યમાં વૈદિક ઋષિઓને ચિંતનની સમાધિદશામાં પવિત્ર મંત્રોનાં દર્શન થયાં તેની કર્ણોપકર્ણ ઊભી થયેલી પરંપરા તે શ્રુતિ અને ઋચાઓનો સંગ્રહ એટલે સંહિતાઓ. ઋષિ એટલે મંત્રદ્રષ્ટા. જ્ઞાનમાત્રનું મૂળ ઋક્, યજૂર્, સામ અને અથર્વવેદો છે.

ઋગ્વેદના નાસદીય સૂક્ત વગેરેથી શરૂ થયેલી આ વિચારયાત્રા ઉપનિષદોમાં ચરમ સીમાએ પહોંચી છે. તર્કના પાયા પર ધર્મની સહાયથી ચોક્કસ સિદ્ધાંતોનું માળખું બંધાયું તેને દર્શન નામ પ્રાપ્ત થયું. ઋગ્વેદમાં સૃષ્ટિ વગેરે વિશે થયેલી શંકાઓ અને સૂર્યાદિ દેવતાઓની યજ્ઞયાગાદિ વડે મેળવેલી કૃપાથી જગતનાં દુ:ખોનો નાશ કરી સ્વર્ગ કે પરલોકનાં સુખ મેળવવાની વાત કરેલી છે. ઉપનિષદોમાં જડ જગતની દુ:ખદાયી અનાત્મ વસ્તુઓને દૂર કરી ચેતન આત્મા તત્ત્વત: પરમ ચૈતન્યતત્વ કે પરબ્રહ્મ છે અને તે જ મોક્ષનો પરમ આનંદ આપનાર છે એવી વાત કરી છે. દર્શનગ્રંથોમાં સૂત્રશૈલીએ વ્યવસ્થિત અને સૈદ્ધાંતિક રજૂઆત થયેલી છે.

આવાં દર્શનોમાં વેદને પ્રમાણ માનનારાં દર્શનો આસ્તિક કહેવાયાં અને વેદને પ્રમાણ નહિ માનનારાં નાસ્તિક દર્શનો કહેવાયાં. આ બંને પ્રકારનાં દર્શનો સાથે સાથે જ વિકસ્યાં છે. બ્રહ્માંડમાં જડ અને ચેતન બે તત્વો છે એવું આરંભમાં ભૌતિક પાયા પર થયેલું દર્શન ધીરે ધીરે વિકાસ પામીને અંતે બ્રહ્માંડમાં એકમાત્ર ચેતનતત્વ જ વિલસી રહ્યું છે એવા સિદ્ધાંત પર સ્થિર થયું. સંક્ષેપમાં, દ્વૈતવાદમાંથી અદ્વૈતવાદ તરફ પ્રાચીન ભારતીય દાર્શનિકોએ ગતિ કરી.

પ્રાચીન ભારતમાં ચાર્વાક દર્શન એ એક જ ભૌતિકવાદ અને ભુક્તિવાદનું સમર્થન કરે છે. બીજાં બે નાસ્તિક દર્શનો એટલે સ્યાદ્વાદ સ્વીકારતું જૈનદર્શન અને ક્ષણિકવાદી બૌદ્ધદર્શન નિરીશ્વરવાદી છે, જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા કે વેદાંત – તે દર્શનો આસ્તિક મનાય છે. આસ્તિક દર્શનોમાં વેદનું પ્રામાણ્ય અને એક પરમ તત્વ એટલે ઈશ્વરનો સ્વીકાર છે.

સાંખ્યદર્શન ઘણું પ્રાચીન છે. તેના આદ્ય સ્થાપક કપિલમુનિ મનાય છે. પુરુષ અને પ્રકૃતિ – એવાં અનુક્રમે ચેતન અને જડ – બંને તત્વોમાં માનતું આ દર્શન દ્વૈતવાદી છે. તેમાં ઈશ્વરને માનવા કે ન માનવાને આધારે સેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય એવા બે ભાગો છે. આરંભમાં તે નિરીશ્વરવાદી હતું પરંતુ પાછળથી તે સેશ્વરવાદી બન્યું છે. પતંજલિનું યોગદર્શન સેશ્વર સાંખ્યદર્શનની ખૂબ નજીક છે. ગૌતમ મુનિએ રચેલા ન્યાયદર્શનમાં તર્કની પ્રતિષ્ઠા છે અને તેમાં સમ્યગ્જ્ઞાન માટેનાં પ્રમાણો દર્શાવ્યાં છે. કણાદ ઋષિનું વૈશેષિક દર્શન એ ભૌતિક દર્શન હોવા છતાં જીવાત્મા અને પરમાત્માને સ્વીકૃતિ આપે છે. ન્યાય અને વૈશેષિક દર્શનોમાં સરખામણું છે. મીમાંસાદર્શન વેદના સંહિતા ભાગને  આધારે કર્મ વડે મોક્ષ પામવાનો ઉપદેશ આપનારું છે. જૈમિનીનું આ દર્શન પ્રથમ કર્મ અને પછી જ્ઞાનની વાત કરે છે. તેમના મતે શાસ્ત્રવિહિત કર્મ મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. તે પૂર્વમીમાંસા નામે પ્રસિદ્ધ છે. વેદનો શ્રેષ્ઠ સિદ્ધાંત વ્યવસ્થિત રીતે વિચારતું દર્શન બાદરાયણ વ્યાસનું ઉત્તરમીમાંસા છે. સર્વ દર્શનોમાં ઉત્કૃષ્ટ પ્રકારનું હોવાથી તે વેદાંતદર્શન ગણાય છે. તે ઉપનિષદોમાં રજૂ થયેલ તત્વજ્ઞાનને એકસૂત્રે અવિરોધથી રજૂ કરતું અદ્વૈતવાદી દર્શન છે. તેના પર ભાષ્યો લખનારા વિભિન્ન આચાર્યોમાં અદ્વૈતના અર્થઘટન પરત્વે જુદી જુદી વિચારધારાઓ જોવા મળે છે. એમાં શંકરાચાર્યનો કેવલાદ્વૈત વેદાંતદર્શનની ચરમસીમા છે. આ દર્શનમાં આત્મ-અનાત્મ વસ્તુનો વિવેક કરી જ્ઞાની પુરુષ અપરોક્ષ અનુભૂતિથી અદ્વૈતસિદ્ધિ મેળવે છે એવું પ્રતિપાદન થયેલું છે. આ રીતે વેદમાં જે જ્ઞાન છે તે જોવાનાં છ સાધનો એટલે ષડ્દર્શન.

પ્ર. ઉ. શાસ્ત્રી