દરિયાણી, હરિ ગુરુડિનોમસ, ‘દિલગીર’ (જ. 15 જૂન 1916, લાડકાણા, સિંધ પાકિસ્તાન) : સિંધીના લબ્ધપ્રતિષ્ઠ કવિ. બાર વરસની વયે તેમને કવિતા રચવાની પ્રેરણા થઈ હતી. રાષ્ટ્રીય કવિ કિશનચંદ બેવસના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી પરિપક્વતા પ્રાપ્ત કરી. 1941માં તેમનો કાવ્યસંગ્રહ ‘કોડ’ અને 1942માં ‘હરિશ્ચંદ્ર જીવન કવિતા’ પ્રગટ થયાં હતાં. 1942માં ‘મૌજી ગીત’ તથા 1953માં નારાયણ શ્યામની સાથે ‘માક ફુડા’ નામે સંયુક્ત કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ત્યારબાદ તેમના ‘મોજ કંઈ મહેરામણ’ (1966), ‘પલ પલ જો પરલાઉ’ (1977) કાવ્યસંગ્રહો પ્રગટ થયા.
આધ્યાત્મિકતાના સૂર આલાપતા અને પ્રકૃતિનાં ગાન ગાનાર પરંપરાના ઉપાસક આ આશાવાદી કવિએ સિંધીમાં પરંપરાગત બેત, વાઈ, દોહા, સોરઠામાં કાવ્યસર્જન કરવાની સાથે નવપ્રયોગો પણ કર્યા. ફ્રેન્ચ પ્રયોગ ‘ટ્રાયૉલેટ’ના આધારે સિંધીમાં ‘તરાઇલ’ની રચના કરી તથા ‘હાઇકુ’ને 35 માત્રામાં ગૂંથીને નવપ્રયોગ કર્યો. તેમણે અછાંદસ કવિતા પણ રચી છે.
સચ્ચાઈ અને સામાજિકતાના સમર્થક આ કવિએ દેશની બદલાતી પરિસ્થિતિ અને માનવમૂલ્યોના હ્રાસ પ્રત્યે ખેદ તથા આક્રોશ પણ વ્યક્ત કરેલ છે.
‘અમરગીત’(1981)માં તેમણે ગીતાના શ્લોકોનો તથા ‘જપસાહેબ’નો સિંધીમાં સમશ્લોકી અનુવાદ કરેલ છે. ભારતીય સાહિત્ય અકાદમીએ તેમના કાવ્યસંગ્રહ ‘પલ પલ જો પરલાઉ’ને 1979માં પારિતોષિક અર્પણ કરેલું છે.
1958 સુધી તેઓ સિંધમાં સિવિલ ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે રહ્યા હતા. 1959માં ભારત આવીને આદિપુરની તોલાણી પૉલિટેક્નિક કૉલેજના પ્રિન્સિપાલપદે રહ્યા. નિવૃત્તિ બાદ તેઓ તે કૉલેજના સંચાલક મંડળના મંત્રીપદે રહ્યા હતા. ગાંધીધામ સુધરાઈના તેઓ સભ્ય પણ બન્યા હતા. બાદ રાજકારણનો ત્યાગ કરીને શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને તેને વેગ આપ્યો હતો.
ગુજરાત સાહિત્ય અકાદમીએ સિંધી ભાષાના મૂર્ધન્ય કવિ તરીકે તેમનું સન્માન કરેલ છે. તેઓ ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતા.
તેમને ‘પ્રિયદર્શિની ઍવૉર્ડ’ (1992), ‘ગૌરવ પુરસ્કાર’ (1993), ‘નારાયણ શ્યામ ઍવૉર્ડ’ (1996), ‘ઇન્ડલૅન્ડ ઍવૉર્ડ’ (1998) – ઍવૉર્ડોથી સન્માનિત કરાયા હતા.
જયંત રેલવાણી