દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર ઇમારત ઈંટ અને ચૂનાના કૉંક્રીટથી બંધાયેલી છે. 15.54 મી.ના ચોરસ પાયા પર એના ચારે ખૂણે જમીનથી 5.18 મી. ઊંચે, ચડતી-ઊતરતી નાની અણીદાર કમાનોના ટેકા કરી તેના દ્વારા ઉપરના ભાગે અનિયમિત અષ્ટકોણાકાર રચ્યો છે.

દરિયાખાનનો રોજો, અમદાવાદ

એના પર એક સાદો કંદોરો કરી તેના ઉપર જમીનથી 8.82 મી. ઊંચે ચારે ખૂણે 5.18 મી. પહોળી કમાન કરેલી છે. આ મોટી કમાનોથી ઉપરનો ભાગ એકસરખો અષ્ટકોણ બન્યો છે. આ મોટા અષ્ટકોણમાં ચારે બાજુ હવા-ઉજાસ માટે જાળીઓ મૂકી છે. અષ્ટકોણના ખૂણામાં બીજી નાની કમાનો દ્વારા સોળ કોણની રચના કરી છે. એના ઉપર કંદોરો કરી જમીનથી બરાબર 10.65 મી. ઊંચે ઘુંમટની બેસણી શરૂ થાય છે. એ બેસણી પોતે 5.18 મી. ઊંચી છે. રોજાની જમીનથી ઘુંમટની  અંદરની છત એકંદરે 26.21 મી. ઊંચી છે. સમગ્ર રોજાનું માપ 36.91 × 36.27 મી. છે અને તેની ભીંતો 2.74 મી. જાડી છે, જેથી તેના ઉપર આવો ભારે અને ભવ્ય ઘુંમટ ટકી રહ્યો છે.

પ્રવીણચંદ્ર પરીખ