દરિયાકિનારો : દરિયાનાં જળ અને ભૂમિ વચ્ચેની સરહદ બનાવતી કિનારા-રેખા. અચોક્કસ પહોળાઈની (સ્થાનભેદે થોડાક કે અનેક કિલોમીટર પહોળાઈની) ભૂમિપટ્ટી કે જે જળકિનારા-રેખાથી ભૂમિ તરફ વિસ્તરેલી હોય તેમજ જળલક્ષણોમાંથી પાર્થિવ લક્ષણોમાં શરૂ થતા પ્રાથમિક ફેરફારો લાવી મૂકે તેને દરિયાકિનારાપટ્ટી કહેવાય.

જો દરિયાનું તળ ઊર્ધ્વગમન પામતું જાય તો ભૂમિ દરિયા તરફ વિસ્તરે. એથી ઊલટું, તે જો અધોગમન પામતું જાય તો જળ ભૂમિ તરફ વિસ્તરે. પરિણામે કિનારારેખાની સરહદ બદલાય. આ પ્રમાણેના કાલાનુસારી સંજોગો મુજબ દરિયાઈ અતિક્રમણ (transgression) કે અપસરણ (regression) ક્રિયા થાય. દરિયાઈ ધોવાણથી કે ભૂમિઘસારાથી પણ દરિયાકિનારાની સરહદ બદલાઈ શકે. કિનારાનાં ભૂપૃષ્ઠલક્ષણો મુજબ દરિયાકિનારાનું રેખીય લક્ષણ સીધેસીધું અથવા ખાંચાખૂંચીવાળું હોઈ શકે.

જળઘર્ષણ, વાતઘર્ષણ, ખડકરચના તેમજ કણનિક્ષેપ દ્વારા દરિયાકિનારા પર ઉદભવતાં લક્ષણો :
1. ભૂમિવિસ્તરણ (ભૂમિ–અગ્રભાગ), 2. અવશિષ્ટ ખડક-સ્તંભ, 3. ઉપસાગરના મથાળે રેતાળ કંઠાર વિભાગ, 4. દરિયાઈ ભેખડ, 5. ઘર્ષણનિર્મિત કુદરતી ખડકકમાન, 6. જળઘર્ષિત બુગદું અથવા સ્ફોટક બખોલ, 7. સમુદ્ર-ગુફા, 8. બેટ અને મુખ્ય ભૂમિ સાથે રેતાળ સંકેન્દ્રણથી સંપર્ક, 9. ખાડીસરોવર, 10. પંકભૂમિ, 11. દરિયાઈ અનુપ્રસ્થ આડ, 12. રેતીના ઢૂવા, 13. રેતાળ કંઠારપ્રદેશ.

સમુદ્રમોજાંની વધુપડતી અસરકારક ધોવાણ કે ઘસારાક્રિયા, સમુદ્રપ્રવાહોના પ્રકાર, વધુ પડતી ક્ષારમાત્રાવાળા જળની અસર, પવનની અસર, કિનારા પરના ખડકપ્રકારો અને વનસ્પતિ-આવરણ તેમજ પર્વતો પરના હિમજથ્થાની ગરમી-ઠંડીના ફેરફારોથી પીગળવાની કે જામવાની ક્રિયા વગેરે જુદાં જુદાં પરિબળો પણ દરિયાકિનારાની સરહદમાં  ફેરફારો લાવી શકે. તેને કારણે વિવિધ પ્રકારનાં લક્ષણોની રચના થઈ શકે છે. આવા ફેરફારો રચનાત્મક કે વિનાશાત્મક પણ હોઈ શકે.

પ્લાયસ્ટોસીન કાળ પૂરો થયાને આજે 12,000 વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ પ્લાયસ્ટોસીન સમય દરમિયાન પ્રવર્તેલા ચાર હિમકાળ પૈકીના છેલ્લા હિમકાળને પૂરો થયાને લગભગ 120 સૈકા જેટલો સમય થઈ ગયો છે. ત્યારબાદ પૃથ્વી પર ગરમ હવામાનની વધતી ગયેલી અસરને કારણે બરફજથ્થાઓ પીગળતા ગયા તેને પરિણામે સમુદ્રજળરાશિમાં લગભગ 120 મીટરની વૃદ્ધિ થવાથી ત્યારે જે ભૂમિકિનારા ખુલ્લા હતા તે આજે ડૂબી ગયેલા છે. છેલ્લાં 5,000–6,000 વર્ષથી દરિયાકિનારામાં અસરકારક ફેરફારો નોંધાયેલા છે.

ભારતનો દરિયાકિનારો : દેશનો દરિયાકિનારો આંતરિક અને બાહ્ય પરિબળોની સંયુક્ત ક્રિયાથી તૈયાર થયેલો છે, તે પ્રમાણમાં એકસરખો, નિયમિત અને ઓછી ખાંચાખૂંચીથી ખંડિત છે. તેની લંબાઈના મોટા ભાગમાં રેતીવાળી અને આછા ઢોળાવવાળી કિનારાપટ્ટી છીછરા સમુદ્ર દ્વારા ધોવાઈ ગઈ છે. દ્વીપકલ્પની બાજુઓની લંબાઈના પ્રમાણમાં સમુદ્રકિનારાનો પટ ઘણો જ નાનો છે, જોકે પશ્ચિમી સમુદ્રકિનારાપટ પર અનેક છીછરાં ખાડીસરોવરો અને કયાલ (kayal) – નાનાં ખાડી-સરોવરો તૈયાર થયેલાં છે, જે આ કિનારાનું અગત્યનું ભૂમિલક્ષણ બની રહ્યું છે. આ કિનારા ઉપરથી નૈર્ઋત્યના એકધારા મોસમી ઉગ્રવાત મેથી ઑક્ટોબર સુધી ફૂંકાય છે અને તેથી મોજાં ક્રિયાશીલ બની ઘસારો કરે છે. જોકે આછો ઢોળાવ અને પાછાં પડતાં પાણી મોજાંની ઉગ્રતાને અમુક અંશે તોડી નાખે છે. અહીં ઓછી ઊંચાઈવાળો દરિયાઈ સપાટ પ્રદેશ આવેલો છે, જ્યાં સમુદ્ર ભાગ્યે જ 100 ફૅધમ ઊંડો છે. દરિયાઈ ધોવાણનું મેદાન અહીં વધુ પહોળું છે.

પૂર્વ અને પશ્ચિમ કિનારા પર ઊપસેલા દરિયાકિનારાના રેતાળ પ્રદેશો (raised beaches) રચાયેલા છે. મલબાર કિનારાને સમાંતર રહેલાં ખાડીસરોવરો દરિયાકિનારાના વસાહતીઓને જળવાહન-વ્યવહારની સગવડ પૂરી પાડે છે. કિનારાની ક્ષારવાળી ભેજયુક્ત જમીનોમાં મૅન્ગ્રોવયુક્ત મહાપંક વિસ્તારો આવેલા છે. ગંગા અને સિંધુના ત્રિકોણપ્રદેશો સમુદ્રતરફી વિકસતા જાય છે તેથી ત્યાંના દરિયાકિનારા ખૂબ જ પ્રમાણમાં બદલાતા રહે છે. 100 ફૅધમથી ઓછા ઊંડાણ સાથે લગભગ સીધી લીટીમાં કન્યાકુમારીથી કરાંચી સુધી લંબાયેલી ખંડીય છાજલી આવેલી છે. ડૂબેલી અસંખ્ય ખીણો અને ઊંડી ખાડીવાળા બંગાળના ઉપસાગરના આરાકાન કિનારાનાં હાલનાં લક્ષણો આધુનિક અધોગમનને લીધે છે. કોરોમંડલ કિનારાની ખંડીય છાજલી સાંકડી છે. શ્રીલંકાનો ટાપુ મૂળ ભારતીય ભૂમિનો ભાગ હતો, જે પ્રાક્અર્વાચીન કાળમાં પાંચ ફૅધમ જેટલો મધ્યભાગ ડૂબી જવાથી દરિયાકિનારા અલગ પડી ગયેલા છે.

ગિરીશભાઈ પંડ્યા