દરિયાઈ સ્તરો (oceanic layers) : દરિયાની ઊંડાઈથી કિનારા સુધીના જુદા જુદા સ્તરો. ભરતી અને ઓટના સમયે પાણીની સપાટીઓને સરેરાશ સમુદ્રની સપાટી (mean sea-level) તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની જમીનની ઊંચાઈ પણ સરેરાશ સમુદ્રની સપાટીના સંદર્ભે નક્કી કરવામાં આવે છે. પૃથ્વીના મહાસાગરોમાં 1,370 x 106 ઘકિમી. જેટલું પાણી સંગ્રહાયેલું છે અને સરેરાશ ઊંડાઈ 3,800 મીટર જેટલી હોય છે. જો સમુદ્રના તળિયાથી પૃથ્વીની જમીનના ઘન પોપડાની સપાટીને સમથળ કરી એક મોટો ઘન ગોળો બનાવવામાં આવે તો પૃથ્વીની સમગ્ર સપાટી 2,440 મીટર ઊંડા દરિયાઈ પાણીમાં ડૂબી જાય. આ સપાટીને પૃથ્વીના પોપડાની સરેરાશ સપાટી કહેવામાં આવે છે. પૃથ્વીનો ઘન પોપડો ભૂમિખંડો અને મહાસાગરોનાં  જળપાત્રોનો બનેલો છે. જમીનની સરેરાશ ઊંચાઈ તથા સમુદ્રના તળિયાની ઊંડાઈને માપી તેનો તુલનાત્મક અભ્યાસ સમુદ્રશાસ્ત્રીઓએ કર્યો છે. તે માટે ઉચ્ચતાદર્શક વક્ર (hypsographic curve) અથવા ઉચ્ચતામાપક (hypsometric) આલેખ તૈયાર કર્યો છે. તેના ઉપરથી ફલિત થાય છે કે જમીનની સરેરાશ ઊંચાઈ કરતાં સમુદ્રની ઊંડાઈ વધારે છે. જમીનની ઊંચાઈ સાથે તેનું ક્ષેત્રફળ નાનું બને છે. જ્યારે સમુદ્રની ઊંડાઈવાળો ભાગ પણ 1.0 %થી ઓછો છે. જમીનખંડોની સરેરાશ સપાટી 840 મીટર જેટલી ઊંચી છે, જ્યારે સમુદ્રતલની સરેરાશ સપાટી 3,800 મીટર જેટલી છે. પૃથ્વીની સમગ્ર સપાટીનો 1.0 % જેટલો ભાગ, સમુદ્રતળનો પ્રદેશ – 6,000 મીટરથી પણ વધુ ઊંડો છે. 50 % જેટલો ભાગ 3,500થી 6,000 મીટર જેટલો છે; જે સમુદ્રનાં વિતલીય મેદાનો(abyssal plains)ના સ્વરૂપે જોવા મળે છે. 5.5 % ભાગ ખંડીય છાજલી (continental shelf) અને બાકીનો ખંડીય ઢાળ (continental slope) બનાવે છે. સમુદ્રતળને ચાર ભાગોમાં વહેંચવામાં આવે છે : (1) જમીન પછી ખંડીય છાજલી આવેલી છે જેની ઊંડાઈ ક્રમશ: વધીને શૂન્યથી 100 મીટર જેટલી થાય છે. (2) ખંડીય છાજલીના સમુદ્ર તરફના ભાગે સીધો ઢાળ આવે છે જેને ખંડીય ઢાળ કહેવામાં આવે છે, જે 100થી 2,000 ફૅધમ સુધીની ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે. (3) ગહન મહાસાગરનાં મેદાનો સમતલ અને ઓછા ઢાળવાળાં હોય છે અને સમુદ્રતળનો મોટામાં મોટો વિસ્તાર બનાવે છે. તેની ઊંડાઈ 2,000થી 3,000 ફૅધમ જેટલી હોય છે. (4) સમુદ્રની ગહનતા તળિયામાંની ઊંડી ઊંડી ખાઈઓ દર્શાવે છે.

દરિયામાં સમક્ષિતિજ અને આયામ–સ્તરીકરણ

મહાસાગર તળનાં ભૂમિસ્વરૂપો કે દરિયાઈ સ્તરોને આ પ્રમાણે વહેંચવામાં આવે છે : (1) ખંડીય છાજલી, (2) ખંડીય ઢાળ, (3) વિતલીય મેદાનો (abyssal plain), (4) સમુદ્રગહન અથવા ખાઈ (ocean deep અથવા trench), (5) સમુદ્રીય કટક (oceanic ridge), (6) અંત:સમુદ્રી કોતરો (submarine canyons), (7) ગીઓટ (sea mounts), (8) પ્રવાલશૈલ (coral reefs) તથા ટાપુઓ.

(1) ખંડીય છાજલી : ભૂમિ નજીકનો સમુદ્રકિનારાનો ભાગ ધીરે ધીરે ઢાળ લઈ સમુદ્રતળનો છીછરો ભાગ બનાવે છે. તેને ખંડીય છાજલી કહે છે. તે ભૂમિખંડનો સમુદ્રજળમાં ડૂબેલો ભાગ છે; કારણ કે ભૂમિની શરૂઆત ખંડીય છાજલીથી થાય છે. તેની સરેરાશ ઊંડાઈ 100 ફૅધમ (182.88 મીટર) જેટલી હોય છે. ક્યારેક ઊંડાઈ 300 ફૅધમ (548.64 મી.)થી પણ વધુ હોય છે. તેની સરેરાશ પહોળાઈ આશરે 70 કિમી. જેટલી હોય છે. તેની પહોળાઈ તથા ઢાળ કિનારાના પ્રદેશના ભૂપૃષ્ઠ ઉપર આધાર રાખે છે. કિનારાના પ્રદેશો મેદાન–સ્વરૂપે હોય તો તેની પહોળાઈ ઘણા કિલોમીટર જેટલી હોય છે; પરંતુ કિનારાના પ્રદેશોમાં ટેકરાઓ કે પર્વતો આવેલા હોય તો તેની પહોળાઈ નહિવત્ હોય છે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ સમુદ્રકિનારે ઍન્ડીઝની પર્વતમાળાને લીધે ત્યાંની ખંડીય છાજલી ફક્ત 15 કિમી. જેટલી પહોળી હોય છે, જ્યારે સાઇબિરિયાની ઉત્તરે આવેલા આર્ક્ટિક મહાસાગરની છાજલી 500થી 1,300 કિમી. જેટલી પહોળી હોય છે. બૅરન્ટ્સની છાજલી 1200 કિમી. પહોળી છે. જ્યારે ન્યૂગિનીને ઉત્તરે આવેલ છાજલી 8.64 કિમી. પહોળી છે. તેની સરેરાશ પહોળાઈ 65 કિમી. જેટલી અને ઊંડાઈ 130 મીટર, સરેરાશ ઢાળ 0.2 % જેટલો અને ખંડીય છાજલી સમુદ્રતળના 8 % જેટલો વિસ્તાર રોકે છે. મહાસાગરોના સંદર્ભે પૅસિફિકનો 5.7 %, ઍટલાંટિકનો 13.3 % જ્યારે હિંદી મહાસાગરનો 4.2 % વિસ્તાર ખંડીય છાજલીઓ રોકે છે. ભૌગોલિક સ્થાન પ્રમાણે 50° ઉ. અ.થી 85° ઉ. અક્ષાંશો વચ્ચે સૌથી વધારે પહોળી ખંડીય છાજલી આવેલી છે. જ્યારે 40° ઉ. અક્ષાંશો અને 45° દ. અક્ષાંશો વચ્ચે સાંકડી ખંડીય છાજલી જોવા મળે છે.

સમુદ્રના કિનારાની ભૂમિ નીચે બેસી જવાથી અથવા હિમપટ પીગળવાથી સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવતાં ભૂમિભાગ ડૂબી જવાથી, સમુદ્રનાં મોજાં, પ્રવાહો અથવા હિમપ્રવાહો કે નદીના પ્રવાહથી ઘસડાઈ આવેલા કાંપથી ખંડીય છાજલીઓનું નિર્માણ થાય છે. ભારતના પશ્ચિમ કિનારે બૉમ્બે-હાઈ નામે ઓળખાતી વિશાળ ખંડીય છાજલી આવેલી છે, જેમાંથી ક્રૂડ ઑઇલ કાઢવામાં આવે છે.

રાજકીય રીતે ખંડીય છાજલીને જે તે રાષ્ટ્રનો ભાગ ગણવામાં આવે છે. તેમાંથી ગંધક, લોખંડ, ટિન, ખનિજતેલ, મોનેઝાઇટ, ઈલ્મેનાઇટ તથા ડાયેટોમાઇટ્સ જેવા ઉપયોગી પદાર્થો મળી આવે છે. ખંભાતના અખાતમાંથી તથા બૉમ્બે–હાઈમાંથી મળતું ખનિજતેલ ખંડીય છાજલીનો ભાગ છે. આ પ્રદેશમાં વિવિધ પ્રકારની માછલીઓ અને સામુદ્રિક લીલ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અમેરિકાની ખંડીય છાજલીમાંથી ગંધક, ન્યૂફાઉન્ડલૅન્ડની છાજલીમાંથી લોખંડ; ભારતના કેરળ, તમિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઓરિસાના કિનારા પાસેથી ડાયેટોમાઇટ્સ, ઈલ્મેનાઇટ અને મોનેઝાઇટ નામનાં ઉપયોગી ખનિજો તેની રેતીમાંથી કાઢવામાં આવે છે.

(2) ખંડીય ઢાળ : ખંડીય છાજલી પૂરી થતાં દરિયાની ઊંડાઈમાં એકાએક વધારો થાય છે. ખંડીય છાજલીની કિનારીથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢાળ કહેવામાં આવે છે, જેની પહોળાઈ 20થી 100 કિમી. અને ઊંડાઈ 50થી 100 ફૅધમ (91.44થી 182.88 મી.) જેટલી હોય છે. સમુદ્રની ઊંડી ખાઈ પાસે સૌથી વધુ ઢાળ જોવા મળે છે. ક્યારેક તે સીધો અથવા પગથિયાકારે આવેલો હોય છે. ઍટલાન્ટિક મહાસાગરમાં 57° 30´ ઉ. અક્ષાંશ પર આવેલો ઢોળાવ 80 કિમી.ના અંતરથી શરૂ થાય છે અને 1,000 ફૅધમની ઊંડાઈ સુધી 384 કિમી. જેટલો વિસ્તરેલો હોય છે. ભારતમાં કાલિકટના દરિયાકિનારે ખંડીય ઢોળાવ 5° જેટલો છે. ઢાળનો સરેરાશ ઢોળાવn 3 %થી 6 % જેટલો હોય છે અને દુનિયાના કુલ સાગરતળનો 8.5 % વિસ્તાર રોકે છે. દુનિયાનો સૌથી સીધો ઢાળ ક્યૂબાની દક્ષિણે ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે જ્યારે સૌથી લાંબો ઢાળ બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશ પાસે આવેલો છે. ખંડીય ઢાળની રચના માટે સ્તરભંગ, નિક્ષેપન અને ઘેડીકરણ જવાબદાર છે.

(3) વિતલીય મેદાનો : ખંડીય ઢાળ ક્રમશ: પૂર્ણ થતાં વિશાળ મેદાનોમાં પરિણમે છે. ખંડીય ઢાળ તરફના ભાગમાં નિક્ષેપોનો બનેલો ચઢાણ જેવો ભાગ છે, તેને ખંડીય ચઢાવ (continental rise) તરીકે ઓળખવામાં આવે છે. તે 1:100થી 1:700 અને થોડાક કિમી.ની પહોળાઈથી માંડી સેંકડો કિમી.ની પહોળાઈ જેટલો હોય છે. મેદાનોનો સરેરાશ ઢાળ 1 % અને ઊંડાઈ 3,000થી 6,000 મીટર જેટલી હોય છે. મહાસાગરોમાં તેના તળના કુલ વિસ્તારના 76 %માં ઊંડાં મેદાનો આવેલાં છે. ઍટલાન્ટિકમાં 55 %, હિંદી મહાસાગરમાં 80 % અને પૅસિફિકમાં 80.3 %માં મેદાનો છે. આ મેદાનો 60°થી 70° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલાં હોતાં નથી. ફક્ત 60° દ. અક્ષાંશ પર વધારે છે. શ્રીલંકાની અગ્નિ દિશામાં હિંદી મહાસાગરમાં આવેલું મેદાન હજારો કિમી.માં પથરાયેલું છે અને સખત લાવાનું બનેલું છે.

(4) સમુદ્ર ખાઈઓ : તે મહાસાગરોના તળિયાના સૌથી ઊંડા ભાગો છે, જે સમુદ્રતળની કુલ સપાટીનો 7 % વિસ્તાર રોકે છે. સૌથી વધારે ખાઈઓ પૅસિફિક મહાસાગરમાં 32, જ્યારે ઍટલાન્ટિક મહાસાગરમાં 19 અને હિંદી મહાસાગરમાં 6 શોધાઈ છે. પૅસિફિક મહાસાગરમાં આવેલી મરિયાના ખાઈ 10,899 મી. ઊંડી છે. જ્યારે હિંદી મહાસાગરમાં આવેલી ખાઈ 7,460થી 5,260 મી. ઊંડી છે. આ ઊંડી ખાઈની આજુબાજુની દીવાલ સીધી હોય છે. આ ખાઈઓનાં નામ સંશોધકો અને ભૌગોલિક પ્રદેશો ઉપરથી આપવામાં આવે છે. સામાન્ય રીતે સમુદ્ર ખાઈઓ નવા ગેડ પર્વતો કે ટાપુઓ કે જ્વાળામુખી પ્રદેશના કિનારાને સમાંતર અને તદ્દન પાસે આવેલી હોય છે. દા. ત., ફિલિપાઇન્સના ટાપુઓ પાસે મિન્ડાનાસ, એલ્યુશિયન ટાપુઓ પાસે એલ્યુશિયન અને જાપાનના કિનારા પાસે જાપાન ખાઈ આવેલી છે. પેસિફિક મહાસાગરમાં સૌથી વધુ ટાપુ તથા પર્વતમાળા ચારે બાજુએ આવેલી હોવાથી સૌથી વધારે સમુદ્ર ખાઈઓ જોવા મળે છે.

(5) સમુદ્રીય કટક : મહાસાગરોના તળિયે અત્યંત લાંબી, પહોળી અને ઊંચી પર્વતમાળાઓ આવેલી છે. તમામ મહાસાગરોમાં આવેલી પર્વતમાળાની કુલ લંબાઈ 64,000 કિમી. જેટલી છે. તે સમુદ્રતળથી 500થી 1,500 ફૅધમ ઊંચાઈવાળી ડુંગરધારો તરીકે આવેલી છે. પર્વતમાળાઓ ખંડિત અને પહોળી મધ્યમાં ટોચ પર 14.8થી 48 કિમી. પહોળી અને 1.6 કિમી.થી વધારે ઊંડી સળંગ ફાટ રૂપે આવેલી છે. પર્વતમાળાઓ સીધી અથવા શાખાયુક્ત, સર્પાકાર અથવા ઉપરથી પહોળી બની ઉચ્ચ પ્રદેશ બનાવે છે. તેની ફાટ ભૂકંપોનું ઉદ્ગમસ્થાન માનવામાં આવે છે. કેટલીક પર્વતમાળા એટલી બધી ઊંચી હોય છે કે તેનાં શિખરો પાણીની બહાર ડોકાય છે અને જ્વાળામુખીનું મુખ બનાવે છે. આવી પર્વતમાળાની  ટોચે પરવાળા–ટાપુઓ આવેલા છે. ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલી પર્વતમાળા ઉત્તરમાં આઇસલૅન્ડથી પ્રારંભી દક્ષિણમાં વિષુવવૃત્ત ઓળંગી બોવેટ ટાપુ સુધી ૨0,300 કિમી. જેટલી લાંબી છે. આ પર્વતમાળા અંગ્રેજી ‘S’ આકારની છે. હિંદી મહાસાગરની પર્વતમાળા ઉત્તર-દક્ષિણમાં ઊંધા Y આકારની છે. તે ઍટલાન્ટિક મહાસાગરની પર્વતમાળાથી પહોળી છે. પૅસિફિક મહાસાગરમાં ફક્ત એક જ વિશાળ પર્વતમાળા ઉત્તર અને મધ્ય અમેરિકાના કિનારા પાસેથી શરૂ થઈ, ઍન્ટાર્ક્ટિકાના વિક્ટોરિયા લૅન્ડ સુધી લંબાયેલી અને 3,050 મી. ઊંડે આવેલી છે અને અનેક ટાપુઓ બનાવે છે. આર્ક્ટિકની પર્વતમાળા ઍટલાન્ટિક મહાસાગરના અનુસંધાનમાં લીના નદીના મુખથી દક્ષિણમાં નૉર્વે સુધી ફેલાયેલી છે. તે ઉપરથી સપાટ છે.

(6) કોતરો : ખંડીય છાજલી ઘસાય છે ત્યારે કોતરોનું નિર્માણ થાય છે. આવાં કોતરો નદીના મુખપ્રદેશ પાસે જોવા મળે છે. કોતરો ત્રણ પ્રકારનાં છે :

(અ) નાનાં અને ઊંડી ખીણ જેવાં કોતરોને ઓશનોગ્રાફર તરીકે ઓળખવામાં આવે છે. તે V આકારની ખીણ જેવાં લાગે છે. યુ.એસ. અને ન્યૂ ઇંગ્લૅન્ડ પાસે આવાં કોતરો આવેલાં છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 1500 મી. જેટલી હોય છે. (આ) મોટી નદીઓના મુખપ્રદેશ પાસે મળી આવતાં કોતરો – સિંધુ, હડસન, મિસિસિપીના મુખપ્રદેશમાં 288 કિમી. લાંબાં અને 4,800 મી. ઊંડાં તથા 6.4થી 8.0 કિમી. પહોળી ખીણ જેવાં કોતરો બૉસ્ટનના ઉત્તરના કિનારે જોવા મળે છે. (ઇ) ત્રીજા પ્રકારનાં કોતરો વૃક્કાકારે આવેલાં હોય છે તે ખંડીય છાજલીની કિનારી અને ખંડીય ઢાળ પાસે જળકૃત ખડકોનાં બનેલાં છે, જે 80 કિમી. લાંબાં, 2,700 મી. ઊંડાં હોય છે. તે કૉલોરાડોના ગ્રાન્ડ કૅન્યનને મળતાં આવે છે. કૅલિફૉર્નિયાના દરિયાકિનારે મળી આવતાં ‘મૉનિટરી’ કોતરો આ પ્રકારનાં છે.

નદીઓ અને ધરતી પરનાં કોતરો કરતાં સામુદ્રિક કોતરોનો ઢાળ વધુ હોય છે. અતિનૂતન (Pleistocene) યુગમાં હિમકાળ દરમિયાન ભૂસંચલન, પ્રતિબળ અને તણાવને લીધે લાંબી પહોળી તિરાડ ક્રમશ: કોતરોમાં ફેરવાઈ છે.

(7) સમુદ્રતળના પહાડો : ગહન મહાસાગરનાં તળ ખાડાટેકરાવાળાં અને અનિયમિત હોય છે. ત્યાં છૂટાછવાયા પહાડો જોવા મળે છે. તેની ઊંચાઈ 4,575 મી.થી વધારે હોય છે. મુના લોઆ અને મુના કોઆ સૌથી ઊંચા સમુદ્ર પહાડો છે. ક્યારેક આવા પહાડોની ટોચ પાણીની સપાટી બહાર ડોકાય છે અને ટાપુઓ બનાવે છે. બુઠ્ઠી સપાટીવાળા પહાડોને ગીઓટ કહે છે. પૅસિફિક મહાસાગરના તળિયે આવા અનેક ગીઓટ આવેલા છે. વિખ્યાત સમુદ્રશાસ્ત્રી આર્નોલ્ડ ગીઓટના નામ ઉપરથી તેનું નામકરણ કરવામાં આવ્યું છે. ગીઓટની સૌપ્રથમ શોધ 1942માં હૅરી હેસે કરી હતી. સમુદ્રતળના કેટલાક પહાડો જ્વાળામુખી હોય છે.

(8) પ્રવાલખડકો તથા ટાપુઓ : સમુદ્રમાં રહેલાં પરવાળાં કિનારાની આસપાસ વિશિષ્ટ પ્રકારના ચૂનાની ખડકાળ રચનાઓ બનાવે છે. તેને પ્રવાલ–ખડકો કહેવામાં આવે છે. પ્રવાલ–ખડકો અને કંકણદ્વીપો ઉષ્ણ કટિબંધના સમુદ્રોની લાક્ષણિકતા છે. તે પરવાળાં ઉપરાંત કોરોલીન લીલના બનેલા હોય ત્યારે તેને લીલ ખડકો (algal reefs) અને વાદળીના  બનેલા હોય ત્યારે વાદળી ખડકો (sponge reefs) કહે છે. આવા ખડકો ભેગા થઈ ટાપુ બનાવે છે. પીરમ બેટ આ પ્રકારનો ટાપુ છે.

જૈમિન વિ. જોશી