દરિયાઈ વીમો : વહાણના માલિક, વહાણમાં મોકલાતા માલના માલિક અને નૂર મેળવવા માટે હકદાર. આ ત્રણેનાં હિતને આંતરરાષ્ટ્રીય વેપાર દરમિયાન થતા દરિયાઈ જોખમ અંગે રક્ષણ આપનાર વીમો. વીમો એ જોખમ સામેનું રક્ષણ છે. વીમાના તમામ પ્રકારોમાં સૌપ્રથમ વિકાસ દરિયાઈ વીમાનો થયો હતો. આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ જોખમનો ભાગ ઘણો મોટો હોય છે. દરિયાઈ તોફાન, ખડક સાથે અથડામણ, ચાંચિયાગીરી-લૂંટફાટનો ભય વગેરે જોખમો સામે રક્ષણ આપવાનું કાર્ય દરિયાઈ વીમો કરે છે. આથી આંતરરાષ્ટ્રીય વેપારમાં તેનું સ્થાન મહત્વનું છે. વહાણનો માલિક, વહાણના માલનો માલિક, નૂર મેળવનાર આ દરેક પોતાના હિતનું રક્ષણ કરવા માટે દરિયાઈ વીમાની પૉલિસી લઈ શકે છે.

વીમાયોજનાની શરૂઆત દરિયાઈ વીમાથી થઈ હતી. ભારત અને બૅબિલોનિયામાંથી વીમાયોજના યુરોપના બીજા દેશોમાં પ્રસરી અને વિકાસ પામી હતી. પહેલાંના વખતમાં દરિયાઈ અને જમીન રસ્તે મુસાફરી કરતા લોકોને પણ તેમનાં વહાણ અને માલસામાન ગુમાવવાનો ઘણો મોટો ભય રહેતો હતો. દરિયામાં ચાંચિયાઓ અને જમીન રસ્તે લૂંટારાઓનો ભય હતો. ઘણી વાર તો અમુક બંદરેથી મુસાફરીએ નીકળેલા વહાણ અંગે કોઈ સમાચાર પણ મળતા નહિ. રાજાના દુશ્મનોએ તેનો કબજો લઈ લીધો હોય અથવા ચાંચિયાઓએ તે લૂંટી લીધું હોય અથવા દરિયામાં તે ડૂબી ગયું હોય. સ્વાભાવિક રીતે જ વહાણના માલિકને તથા અન્ય લોકોને ઘણું મોટું નુકસાન સહન કરવું પડતું. આમ થાય ત્યારે આવું મોટું નુકસાન વિશાળ સમૂહમાં વહેંચી નાખવાની એક સ્વૈચ્છિક યોજના તે સમયના દરિયાઈ વેપારીઓએ શરૂ કરી, જે આજે વૈજ્ઞાનિક પદ્ધતિવાળી વીમાયોજના રૂપે અસ્તિત્વ ધરાવે છે. આમ દરિયાઈ વીમાનાં મૂળ આવી સ્વૈચ્છિક યોજનામાં રહેલાં છે.

બારમી સદીના છેવટના ભાગમાં જ્યારે યહૂદી લોકોને ફ્રાન્સ છોડી ભાગી જવું પડ્યું હતું ત્યારે પોતાના માલના રક્ષણ માટે તેમણે કોઈ યોજના ઘડી હોય એમ લાગે છે. આમ લગભગ 800 વર્ષ પૂર્વે દરિયાઈ વીમાની શરૂઆત થઈ હોવાનો સંભવ છે.

ઇટાલીમાં તેરમી સદીના અંતભાગમાં અને ચૌદમી સદીની શરૂઆતના સમયમાં  દરિયાઈ વીમાની શરૂઆત થઈ હતી. દરિયાઈ વીમાના દસ્તાવેજોની નોંધણી કરવા માટે 1575માં ‘ચેમ્બર ઑવ્ એશ્યૉરન્સ’ની સ્થાપના કરવામાં આવી હતી. 1774માં લંડનમાં લૉર્ડ્ઝની સ્થાપના કરવામાં આવી હતી. આજના જેવી વિવિધ સેવાઓ અને સગવડો આપતી યોજનાઓ તે વખતે અમલમાં ન હતી.

ઔદ્યોગિક ક્રાંતિ પછી આંતરરાષ્ટ્રીય વેપાર અને વાહન-વ્યવહારનાં સાધનોમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે. અનુભવ પરથી દરિયાઈ વીમાની પૉલિસીમાં પણ ફેરફાર થતા ગયા અને તેમાંથી આજે પ્રચલિત છે તે દરિયાઈ વીમાની સ્ટાન્ડર્ડ પૉલિસી અસ્તિત્વમાં આવી.

દરિયાઈ વીમાનું મહત્ત્વ ભારતમાં ઘણા સમયથી છે, કારણ કે ભારતનો દરિયાઈ વેપાર જૂના જમાનાથી ચાલતો હતો. આમ છતાં પણ ભારતમાં દરિયાઈ વીમા કંપનીઓની શરૂઆત બહુ પાછળથી (1797 પછી) થઈ હતી. શરૂઆતમાં દરિયાઈ વીમાની લગભગ 13 જેટલી કંપનીઓ હતી. ઘણા લાંબા સમય સુધી ભારતમાં દરિયાઈ વીમાને લગતો કોઈ ખાસ કાયદો ન હતો. ભારતમાં પણ વીમાનું નિયમન તો 1906ના બ્રિટિશ મરીન ઇન્શ્યૉરન્સ ઍક્ટ પ્રમાણે જ થતું હતું. છેક 1963માં ભારતમાં દરિયાઈ વીમાનો કાયદો પસાર થયો જે 1–8–1963થી અમલમાં આવ્યો.

દરિયાઈ વીમાનો કરાર અંગત – વ્યક્તિગત કરાર છે. દરિયાઈ વીમાના કરારમાં જે નુકસાન સામે રક્ષણ આપવામાં આવે છે તે નુકસાન પણ દરિયાઈ પવનો અને મોજાંઓથી થતું રોજિંદું નુકસાન નહિ, પણ આકસ્મિક મોટું નુકસાન થયેલું હોવું જોઈએ. દરિયાઈ જોખમો જેવાં કે તોફાન, અન્ય વહાણ કે ખડક સાથે અથડાવું, આગ, તોફાની પવનો, શત્રુઓ અથવા ‘આસમાની’ (Act of God) – આ બધાંને કારણે થતા નુકસાન સામે દરિયાઈ વીમાનો કરાર રક્ષણ આપે છે. વહાણના કપ્તાન કે ખલાસીઓની બેદરકારીથી થયેલા નુકસાન સામે રક્ષણ મળતું નથી. વહાણના માલિકની જે ફરજો છે તેનો સમાવેશ દરિયાઈ વીમામાં થતો નથી. દરિયાઈ વીમાનો કરાર એ હકારાત્મક (positive) ખતપત્ર હોવાથી જે જોખમો સામે રક્ષણ આપવામાં આવ્યું હોય તેનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. જે દસ્તાવેજમાં દરિયાઈ વીમાની શરતોને આવરી લેવામાં આવે છે તે દસ્તાવેજને દરિયાઈ વીમાપૉલિસી કહેવામાં આવે છે. આગ અને જિંદગીના વીમાની સરખામણીમાં દરિયાઈ વીમાનું ક્ષેત્ર વધારે વિશાળ છે.

વીમાપૉલિસીના પ્રકાર : સમુદ્રમાં મુસાફરી કરી રહેલા વહાણ અને તેમાંના માલને જે જોખમોનો સામનો કરવો પડે છે તે વિવિધ પ્રકારનાં છે. વહાણનો પ્રકાર, માલનો પ્રકાર, મુસાફરીનો પ્રકાર, જે સ્થળેથી વહાણ પસાર થવાનું હોય તેની આબોહવા, યુદ્ધની પરિસ્થિતિ જેવાં અનેકવિધ જોખમોનો સામનો કરવાનો હોય છે. બધા જ પ્રકારની દરિયાઈ સફરમાં બધાં જ જોખમો હોતાં નથી. આથી દરિયાઈ વીમાની પૉલિસી લેનાર પોતાને અનુકૂળ આવે તે પ્રકારની પૉલિસી લે છે. વીમાકંપની પણ જુદા જુદા વીમા લેનારની અનુકૂળતા પ્રમાણે જુદા જુદા પ્રકારની વીમાપૉલિસી આપે છે.

1. સમયની ર્દષ્ટિએ પૉલિસીના પ્રકાર :

        (i) સમય–પૉલિસી, (ii) સફર–પૉલિસી, (iii) સંયુક્ત પૉલિસી.

૨. હિતની ર્દષ્ટિએ પૉલિસીના પ્રકાર :

        (i) જહાજ–પૉલિસી, (ii) માલની પૉલિસી, (iii) નૂરની પૉલિસી.

3. કિંમતની ર્દષ્ટિએ પૉલિસીના પ્રકાર :

        (i) મૂલ્યાંકિત પૉલિસી, (ii) અમૂલ્યાંકિત પૉલિસી.

4. વીમા વસ્તુ, જહાજ કે માલના વર્ણનની ર્દષ્ટિએ પૉલિસીના પ્રકાર :

        (i) નામવાળી પૉલિસી, (ii) અનામી પૉલિસી, (iii) સમૂહ–પૉલિસી, (iv) તરતી પૉલિસી, (v) આધારિત પૉલિસી, (vi) સર્વઆધારિત પૉલિસી, (vii) નાણાં–પૉલિસી, (viii) વીમાયોગ્ય હિત વગરની પૉલિસી, (ix) આનંદપ્રમોદ–નૌકા–પૉલિસી.

જ. મ. શાહ