દરભંગા : બિહારના ઉત્તર ભાગમાં આવેલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 26° 00´ ઉ. અ. અને 86° 00´ પૂ. રે.. દરભંગીખાન લૂંટારાના નામ ઉપરથી જિલ્લા અને જિલ્લામથકનું નામ દરભંગા પડ્યું છે. તે ગંગાની ખીણના ઉત્તર ભાગમાં આવેલું છે. તેના નીચાણવાળા ભાગમાં કળણ તથા તળાવો આવેલાં છે.

તેની ઉત્તરે અને વાયવ્યે આ જ રાજ્યનો મધુબની અને સીતામઢી જિલ્લો, દક્ષિણે સમસ્તીપુર જિલ્લો, પૂર્વ તરફ સહરસા અને પશ્ચિમે મુઝફ્ફરપુર જિલ્લો આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 2,279 ચોકિમી. છે અને વસ્તી 39,21,971 (2011) હતી. ગંગા અને ગંગાને મળતી અનેક નાની નદીઓ તેમાંથી પસાર થાય છે. સમગ્ર જિલ્લો સપાટ છે અને જમીન કાંપની બનેલી છે. સમુદ્રથી દૂર આવેલા આ જિલ્લાની આબોહવા વિષમ છે. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. વરસાદનું સરેરાશ પ્રમાણ 1,200–1,500 મિમી. છે. શણ, શેરડી, ડાંગર, મકાઈ, તેલીબિયાં, તમાકુ વગેરે ત્યાંના મુખ્ય પાક છે.

દરભંગા શહેર બિહારમાંના પટણાની ઈશાને 96.5 કિમી. અને કૉલકાતાથી વાયવ્યે 485 કિમી. દૂર નાની બાઘમતી નદીના ડાબા તીરે આવેલું છે. તે એક મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર છે. આજુબાજુના પ્રદેશમાંથી આ નગરમાં જુવાર, મકાઈ, ઘઉં, તેલીબિયાં, ડાંગર, કેરી, તમાકુ અને શેરડી થાય છે; જ્યારે માછલી, ઇમારતી લાકડું, શણ વગેરે વેચાવા આવે છે. અહીં શણની મિલ, ખાંડનું કારખાનું, ડાંગર ભરડવાની મિલો, જોડાની દોરી બનાવવાનું કારખાનું વગેરે આવેલાં છે. તે વાહનવ્યવહારના માર્ગો અને રેલવેનું જંક્શન છે. શહેરમાં આનંદબાગ રાજમહેલ, પુરાતત્વની ર્દષ્ટિએ પ્રાચીન અને ઐતિહાસિક વસ્તુઓનું અને હસ્તકલાની વસ્તુઓ વગેરેનું સંગ્રહસ્થાન, મેડિકલ કૉલેજ, કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિદ્યાપીઠ (યુનિવર્સિટી) (1961), મિથિલા વિદ્યાપીઠ (સંશોધનકેન્દ્ર) (1972), કામેશ્વરસિંહ દરભંગા વિશ્વવિદ્યાલય, પુસ્તકાલય વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

દરભંગા બંગાળનું પ્રવેશદ્વાર ગણાય છે (દર-ઇ-બંગાલ). મુઘલકાળ દરમિયાન અહીં લશ્કરી થાણું હતું. સોળમી સદીમાં દરભંગાનું દેશી રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ નગર તેની રાજધાની હતું. અઢારમી સદીમાં મહારાજા પ્રતાપસિંહના વખતથી તેના વિકાસનો પ્રારંભ થયો હતો. તે સંસ્કૃતના અધ્યયનનું મહત્વનું કેન્દ્ર છે.

શિવપ્રસાદ રાજગોર